લેસ્ટરઃ મૂળ ભારતીય અને લેબર પાર્ટીના લેસ્ટર ઈસ્ટના સાંસદ કિથ વાઝને હાઉસ ઓફ કોમન્સની મહત્ત્વપૂર્ણ હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેનના વગશાળી હોદ્દા પર પુનઃ ચૂંટવામાં આવ્યા છે. લેસ્ટર ઈસ્ટના સાંસદે તેમના લેબર પાર્ટીના સાથી અને પૂર્વ હોમ મિનિસ્ટર ફિઓના મેકટેગાર્ટ સામે ૪૧૨ વિ.૧૯૨ મતથી વિજય હાંસલ કર્યો હતો.
બ્રિટનમાં ભારતીય કોમ્યુનિટીના દીર્ઘકાલીન સમર્થક કિથ વાઝ ૨૫થી વધુ વર્ષથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. તાજેતરમાં જ તેઓને લેબર પાર્ટીના વાઈસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતની આફૂસ કેરીની આયાત સામે યુરોપીય સંઘના પ્રતિબંધને હટાવવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી છે.
ઉલ્લેખનીય છે કે કિથ વાઝ સામે લલિત મોદીને વિસા અપાવવા માટે પોતાની રાજકીય વગનો ઉપયોગ કર્યાનો આક્ષેપ થયો હતો. તેમ જ તેમની સામે તપાસની પણ માગ થઇ હતી. જોકે સરકારે આ કેસમાં તપાસ કરવાની માગણી ફગાવી દીધી છે.