લંડનઃ ભારતીય મૂળના ભારતીય સાંસદ કિથ વાઝે યુકેની બીજા ક્રમની મહત્ત્વની રાજકીય પાર્ટી લેબર પાર્ટીના વાઈસ ચેરમેનનું પદ હાંસલ કરીને બ્રિટિશ રાજકારણમાં નવો સીમાસ્તંભ રચ્યો છે. ચૂંટણીમાં પક્ષના રકાસ પછી નેતાપદેથી એડ મિલિબેન્ડના રાજીનામાના પગલે અત્યારે લેબર પાર્ટીમાં સત્તાવાર મજબૂત નેતા નથી ત્યારે ૫૮ વર્ષના કિથ વાઝ પક્ષના મુખ્ય નેતા સમાન બની ગયા છે. તેમણે લેબર પાર્ટીની નેશનલ એક્ઝીક્યુટિવ કમિટીમાં પણ બ્રિટનમાં એશિયન સાંસદ તરીકે દીર્ઘકાલીન સેવારત કિથ વાઝ ગોવાનીઝ પેરન્ટ્સનું સંતાન છે.
બ્રિટનમાં ભારતીય ડાયસ્પોરામાં સૌથી વધુ જાણીતા ચહેરા કિથ વાઝ છેક જૂન ૧૯૮૭થી સાંસદ તરીકે ચૂંટાઈને છ વખત પાર્લામેન્ટમાં ગયા છે. તેઓ સાત મેની સામાન્ય ચૂંટણીમાં ૬૧ ટકા મત સાથે તેમના લેસ્ટર ઈસ્ટના કિલ્લા સમાન મતક્ષેત્રમાંથી પુનઃ ચૂંટાઈ આવ્યા હતા. વિપક્ષ લેબર પાર્ટીના કાર્યકારી નેતા હેરિયટ હર્માને કિથ વાઝની વાઈસ-ચેરમેનપદે નિયુક્તિ કરી છે. વાઝ હાઉસ ઓફ કોમન્સની શક્તિશાળી હોમ એફેર્સ સીલેક્ટ કમિટીના ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો અને સોલિસિટર બન્યા હતા.
વાઝે જણાવ્યું હતું કે,‘લેબર પાર્ટીના વાઈસ-ચેરમેનપદે મારી નિયુક્તિ થયાનો મને આનંદ છે. ચૂંટણીના મુશ્કેલ સમયમાંથી પસાર થયા પછી પક્ષ માટે પુનઃગઠન અને તાજા આઈડિયાઝ સાથે બેઠાં થવાનો સમય છે. આ પ્રક્રિયામાં હિસ્સારુપ ભૂમિકા ભજવવી મારા માટે ગૌરવનો સ્રોત બની રહેશે.’
ઓસ્ટ્રેલિયન રેડિયો જોકીઓ દ્વારા મજાક પછી આત્મહત્યા કરનારી ભારતીય નર્સના પરિવારની સાથે ઉભા રહેવા ઉપરાંત, ૩૦૦૦ પાઉન્ડની વિઝા બોન્ડ સ્કીમ રદ કરાવવા અને તાજેતરમાં યુકેમાં એરપોર્ટ પર અટકમાં લેવાયેલા બાબા રામદેવની મુક્તિમાં કિથ વાઝે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આમ, ભારતીય મૂળના સૌથી અગ્રણી સાંસદ વાઝની નિયુક્તિ ભવિષ્યમાં મૂળ ભારતીયોનો મહત્ત્વપૂર્ણ ટેકો હાંસલ કરવાની લેબર પાર્ટીની મહત્ત્વાકાંક્ષા સ્પષ્ટ કરે છે. ભારતીય કોમ્યુનિટીનું મહત્ત્વ ઉત્તરોત્તર વધી રહ્યું છે.
૧૯૮૭માં પાર્લામેન્ટ્ના બન્ને ગૃહમાં થઈને ભારતીય મૂળના માત્ર બે સભ્ય હતા. આજે તેમાં ૧૦ ગણી વૃદ્ધિ સાથે ૨૫થી વધુ સભ્ય છે. તાજેતરનો ડેટા દર્શાવે છે કે ડેવિડ કેમરનને ફરી ડાઉનિંગ સ્ટ્રીટમાં સત્તા અપાવવામાં દસ લાખ જેટલા વંશીય લઘુમતી મતની ભૂમિકા મહત્ત્વની હતી. મે ૨૦૧૫ની ચૂંટણી પછી હાઉસ ઓફ કોમન્સમાં ૪૧ નોન-વ્હાઈટ સાંસદો ચૂંટાયા છે, જે સંખ્યા ૨૦૧૦માં ૨૭ની હતી.