લંડનઃ યુકેમાં એશિયન મૂળના સૌથી વધુ સેવારત સાંસદ કિથ વાઝે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ભારતીય આફૂસ કેરી મોકલવાનું વચન પાળ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ભારતીય આફૂસ કેરી પર ઈયુ દ્વારા પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો. કિથ વાઝે કહ્યું હતું કે ભારતના ફળોના રાજા અને સ્વાદિષ્ટ આફૂસ કેરી પરનો પ્રતિબંધ દૂર કરાવવાના અભિયાન વખતે અપાયેલું વચન પાળવામાં આવ્યું છે.
વાઝે કહ્યું હતું કે, ‘અમારા જેવા પ્રતિબંધનો વિરોધ કરનારાઓ માટે વડા પ્રધાન કેમરનનું સમર્થન મહત્ત્વનું હતું. યુનાઈટેડ કિંગ્ડમ અને ભારત સાથે મળીને કામ કરે ત્યારે સમસ્યા કેવી ઝડપથી ઉકેલાય છે તેનું આ ઉદાહરણ છે. અમે હવે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઈટેડ કિંગ્ડમની પ્રથમ સત્તાવાર મુલાકાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. મોદીના પ્રથમ વખત યજમાન બને ત્યારે કેમરન તેમને ડેઝર્ટમાં કેરીનો રસાસ્વાદ કરાવશે તેવી હું આશા રાખું છું.’