લંડનઃ ડે લુઈશ ફાર્મસીના સ્થાપક અને સીઈઓ કિરીટભાઈ પટેલના તાજેતરમાં થયેલા નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા ગંભીર છતાં એક શાનદાર કાર્યક્રમ ગત શનિવારે તા.૨૪ જુલાઈ, ૨૦૧૬ના રોજ સરેના બ્લેચિંગ્લી ખાતેના તેમના પારિવારિક નિવાસસ્થાને યોજાયો હતો.
બપોરે ૨થી રાત્રે ૯ વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ફાર્મસી ઈન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ્સથી લઈને કિરીટભાઈ પટેલના મિત્રો અને પરિવારજનો સહિત ૩,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વિજયભાઈ અને ભીખુભાઈ પટેલ (Waymade), ભરતભાઈ શાહ અને પરિવાર (Sigma), બીપીનભાઈ અને ભરતભાઈ ચોટાઈ (Waremass), યાકુબભાઈ પટેલ (Cohens Chemist), માનવીરભાઈ પટેલ (Manichem), થેમ્બાલાથ રામચંદ્રન (Bristol Labs) અને સલીમભાઈ જેઠવા (Avicenna) પણ ઉપસ્થિત હતા.
મહેમાનોએ આઈસ્ક્રીમ, કેનેપીઝ અને બિરીયાનીનો સ્વાદ માણ્યો હતો અને આખો દિવસ શેમ્પેનની છોળો ઉડી હતી. તેમના ત્રણ સંતાનો (જય, રુપા અને સેમ) તેમજ તેમના ભાઈ જે. સી. પટેલે હૃદયસ્પર્શી વક્તવ્યો આપ્યા હતા. પારિવારિક સંબંધોને મહત્ત્વ આપતા આ વિશિષ્ઠ વ્યક્તિત્વ માટે આ દિવસ અતિ મહત્ત્વનો ફેમિલી ડે બની રહ્યો હતો.