લંડનઃ ડચેસ ઓફ કેમ્બ્રીજની બહેન પીપા મિડલ્ટનના સસરા ડેવિડ મેથ્યુસની ફ્રાંસમાં સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપસર પોલીસ પૂછપરછ કરી હતી. ફ્રાંસની કોર્ટે મેથ્યુસની સત્તાવાર તપાસના આદેશ આપ્યા હતા. કથિત દુષ્કર્મની આ ઘટના ૧૯૯૮-૯૯ દરમિયાન બની હોવાનું મનાય છે. તેની જાણ પોલીસને ૨૦૧૭માં કરાઈ હતી. મેથ્યુસે આ આરોપને ખોટો ગણાવ્યો હતો.
ફ્રેંચ કાયદા મજબ આવી તપાસનો અર્થ એવો થાય કે ઘટનાનો કોઈ ગંભીર અને સુસંગત પૂરાવો છે જે ગુનામાં સંડોવણીનો સંકેત આપે છે. તે ટ્રાયલની દિશામાં એક પગલું છે પરંતુ, કોર્ટમાં કાર્યવાહી કર્યા વિના તપાસ પડતી મૂકી શકાય છે.
પૂછપરછ બાદ મેથ્યુસને કાયદાની કેટલીક શરતોને આધીન રાખીને છોડી દેવાયા હતા. જોકે, તેમને ફ્રાંસમાં જ રહેવું પડશે તેવી શરત ન હોવાનું ધ ડેઈલી ટેલીગ્રાફમાં જણાવાયું હતું. આ ઘટના અંગે ડચેસ ઓફ કેમ્બ્રીજનું પ્રતિનિધિત્વ કરતા કેન્સિંગ્ટન પેલેસ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
કેરેબિયનના સેન્ટ બાર્થાસમાં આવેલી એડન રોક હોટલના માલિક, મિલ્યનેર અને ભૂતપૂર્વ રેસિંગ ડ્રાઈવર ૭૪ વર્ષીય ડેવિડ મેથ્યુસ મે ૨૦૧૭માં યોજાયેલા જેમ્સ મેથ્યુસ અને પીપા મિડલ્ટનના લગ્નમાં હાજર રહ્યા હતા.
પેરિસના જ્યુડિશિયલ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસકર્તા જજની દેખરેખ હેઠળ જ્યુડિશિયલ તપાસ તરીકે પૂછપરછ ચાલુ રહેશે.
ડેવિડ મેથ્યુસના પ્રવક્તાએ જણાવ્યું હતું કેડેવિડ મેથ્યુસ આ આરોપને નકારી કાઢે છે અને તથ્યવિહોણા તથા આઘાતજનક આરોપ સામે કાર્યવાહી કરશે.