લંડનઃ કેન્યાએ ડિસેમ્બરમાં જ તેની આઝાદીની ૫૩મી વર્ષગાંઠ ઉજવી હતી. બ્રિટિશ શાસનના ૬૮ વર્ષ પછી કેન્યાએ ૧૨ ડિસેમ્બર ૧૯૬૩ના દિવસે સ્વતંત્રતા મેળવી હતી અને ક્વીન એલિઝાબેથ દ્વિતીયના વડપણ હેઠળ કોમનવેલ્થ પ્રાંત રહ્યા પછી ૧૯૬૪ની ૧૨ ડિસેમ્બરે રિપબ્લિક રાષ્ટ્ર જાહેર કરાયું હતું. યુકેસ્થિત કેન્યાના હાઈ કમિશનર લાઝારસ અમાયો સાથે મારી મુલાકાત થઈ હતી, જેઓ સાચે જ પ્રેરણાદાયી અને પ્રભાવક કારકિર્દી ધરાવતા નોંધપાત્ર સદગૃહસ્થ છે. રાજકારણીઓ, વિદ્વાનો, ધારાશાસ્ત્રીઓ, બેન્કર્સ અને વહીવટદારોના પરિવારમાં સૌથી નાના હાઈ કમિશનર લાઝારસ માને છે કે તેમના આ સગાંઓએ તેમને જાહેર ક્ષેત્રમાં લાંબી કારકિર્દી ઘડવાની ઈચ્છાને પોષી છે, જેના પરિણામે તેઓ કેન્યાના યુકેસ્થિત હાઈ કમિશનરની ભૂમિકા નવેમ્બર ૨૦૧૪થી ભજવી રહ્યા છે.
હાઈ કમિશનર લાઝારસે ભારતની સ્પાઈસર મેમોરિયલ કોલેજથી BA અને દિલ્હી યુનિવર્સિટીમાંથી MAની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે સેકન્ડરી સ્કૂલમાં બે વર્ષ જીઓગ્રાફી અને બાયોલોજી વિષયો ભણાવ્યા હતા, જે જાહેર સેવાનો તેમનો પ્રથમ અનુભવ હતો. તત્કાલીન કેન્યા પોસ્ટ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ કોર્પોરેશનના HR વિભાગમાં આઠ વર્ષ કામ કર્યા પછી તેઓ ૧૯૮૯માં રાજકારણમાં જોડાયા અને સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ આસિસ્ટન્ટ મિનિસ્ટર ફોર એજ્યુકેશન તરીકે નિમણૂક પામ્યા હતા. તેઓ ૧૯૯૩માં સરકારી કોર્પોરેશન કેટરિંગ લેવી ટ્રસ્ટીઝમાં સીઈઓ બન્યા હ૭તા.
હાઈ કમિશનરની પ્રથમ રાજદ્વારી નિયુક્તિ ભારતમાં હાઈ કમિશનર પદે થઈ હતી અને શ્રી લંકા, બાંગલાદેશ અને સિંગાપોરનો હવાલો પણ સંભાળ્યો હતો. તેમની મહાન સિદ્ધિ દ્વિપક્ષી સંપર્કોની સંખ્યા વધારવાની તેમજ ભારત અને કેન્યા વચ્ચેના સંબંધોના હેતુઓ માટે ફ્રેમવર્ક પુરું પાડતા જોઈન્ટ કમિશનને પુનઃ સક્રિય બનાવવા અને બેઠકો યોજવાની હતી. આ વર્ષના જુલાઈમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્યાની રાજધાની નાઈરોબીની મુલાકાત લીધી ત્યારે કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ મલાકાતને ‘અત્યંત નોંધપાત્ર’ ગણાવતા કહ્યું હતું કે,‘અમારી ફેશનમાં તે દેખાઈ આવે છે કારણકે વધુ પ્રમાણમાં આફ્રિકન મહિલાઓ ભારતીય વસ્ત્રો અને સૌંદર્ય પ્રસાધનો અપનાવતી થઈ છે. અમારા તટવર્તી વિસ્તારોમાં સ્વાહિલી સંગીતમાં પણ તે દેખાય છે કારણકે ઘણા ભારતીયો કેન્યામાં હોય ત્યારે ઘરમાં હોવાની લાગણી અનુભવે છે આવું જ કેન્યાવાસીઓની બાબતે છે.’
ભારત અને કેન્યા વચ્ચેની મિત્રતા પુરાણી છે. ૧૮૯૬માં કેન્યા-યુગાન્ડા રેલવેના નિર્માણ વખતે ૩૨,૦૦૦ ભારતીય કેન્યા આવ્યા હતા. તેણે કુશળ શ્રમિકો, કારીગરો, કડિયા, સુથાર, પ્લમ્બર, દરજી, મોટર મિકેનિક્સ અને ઈલેકટ્રિકલ ફિટર્સ તરીકે નોકરીઓ કરી હતી. ૧૯૦૨માં રેલવે નિર્માણકાર્ય પૂર્ણ થયું ત્યારે આશરે ૭,૦૦૦ વર્કર્સ ઈસ્ટ આફ્રિકામાં નસીબ અજમાવવા ત્યાં રોકાઈ ગયા હતા. લંડનમાં પોર્ટલેન્ડ પ્લેસમાં કેન્યાના હાઈ કમિશનમાં મુલાકાત દરમિયાન તેમણે મને હિન્દીમાં પ્રશ્ન કર્યો હતો કે,‘આપને તો ફાર્મસી કિયા હૈ તો જર્નાલિઝમ મેં કૈસે આ ગયે?’ હું તો તેમની માહિતી અને હિન્દી ભાષાથી તાજ્જુબ થઈ ગયો. અમારી સાથે હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી ફ્રેડરિક કિડાલી પણ હાજર હતા.
કેન્યામાં રહેતા બ્રિટિશરો અને યુકેમાં રહેતા કેન્યાવાસીઓની સંખ્યા વિશે ટીપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે, ‘અમને બાંધી રાખનારી ઘણી બાબતો છે.’ તેઓ આર્થિક સંબંધો વિકસાવવા પર ભાર મૂકે છે. તેમણે કહ્યું હતું કે,‘કેન્યાની નિકાસના સૌથી મોટા બીજા ક્રમના સ્થળ અને સૌથી મોટા યુરોપિયન ઈન્વેસ્ટર તરીકે યુકે છે. કેન્યામાં યુકેની ૨૧૦થી વધુ કંપની કાર્યરત છે અને રોકાણોનું મૂલ્ય ૨.૫ બિલિયન સ્ટર્લિંગ પાઉન્ડ હોવાં છતાં હાઈ કમિશનર તેમાં વૃદ્ધિ ઈચ્છે છે. તેમણે કહ્યું હતું કે, કેન્યામાં યુકેની કંપનીઓ અને એન્ટ્રેપ્રીન્યોર્સ માટે વિશાળ તકો છે.’
કેન્યા માટે ત્રાસવાદ પડકાર હોવાના પ્રશ્ન વિશે હાઈ કમિશનરે કહ્યું હતું કે,‘ત્રાસવાદ વૈશ્વિક પડકાર છે, જેનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સઘન પ્રયાસોની જરૂર છે. ઉપખંડમાં શાતિ અને સુરક્ષાની જાળવણીની ચોકસાઈમાં કેન્યા આફ્રિકા યુનિયનના ફ્રેમવર્કમાં રહીને પોતાની ભૂમિકા ભજવે છે. તેમણે ઉમેર્યું હતું કે ૧૭ મહિના અગાઉ જે થયું તે એકલદોકલ ઘટના હતી, જેના પર દેશે વિજય મેળવ્યો હતો અને વિશ્વના કોઈ પણ દેશની જેમ જ કેન્યા પણ સુરક્ષિત છે. કેટલાક લોકો અને ખાસ કરીને બ્રિટિશ મેઈનસ્ટ્રીમ મીડિયા તેના દૈનિક કવરેજમાં કેન્યાની હાલત નિરાશાજનક ચિતરે છે તે બાબતે ટિપ્પણી કરવા મેં હાઈ કમિશનરને જણાવતા તેમણે સસ્મિત કહ્યું હતું કે,‘અમારી ઈચ્છા આપણા લોકોના પારસ્પરિક લાભાર્થે સંબંધો વધારવાની છે.’
હાઈ કમિશનર લાઝારસે મિસિસ નેલી અમાયો સાથે લગ્ન કર્યા છે અને તેમના ત્રણ સંતાન છે. આદર્શ સમાન હાઈ કમિશનર માત્ર પ્રેરણાસ્રોત નથી પરંતુ તેમના પરિચયમાં આવતા મારા સહિત તમામ લોકોના જીવનમાં રચનાત્મક પરિવર્તન લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.