સૌરાષ્ટ્રના જામજોધપુરમાં જન્મેલાં અને મુંબઇના દાદર ખાતે રહેતા રતનશી રૂગનાથ કામદારને ત્યાં ૨૩ ડિસેમ્બર, ૧૯૩૧માં જન્મેલાં દિકરી ઇન્દિરાબહેનને એમના પિતાજીએ શિક્ષણ માટે ખૂબ પ્રોત્સાહિત કર્યાં હતાં. તેઓ દાદર-મુંબઇની પ્રાઇમરી સ્કૂલમાં ભણી ત્યાં કોલેજમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે ૧૯૪૯ એમનાં લગ્ન રણછોડદાસ નારણદાસ લુક્કા સાથે નક્કી થયાં. એ વખતે ઇન્દિરાબહેને એમના પતિને કોલેજ ડિગ્રી મેળવવાનું એમનું સ્વપ્ન પૂરું કરવા વિનંતી કરી હતી. માતા-પિતા અને બહેન સાથે રહેતા રણછોડદાસે સાસરીમાં એક પુત્રવધૂ અને ભાભી તરીકેની ફરજ અદા કરવા સાથે ઇન્દિરાબહેનને શિક્ષણ ચાલુ રાખવામાં સાથ-સહકાર આપ્યો. ઇન્દિરાબહેને બી.એ.ની ડિગ્રી સાથે ટીચર્સ ટ્રેનિંગનો કોર્ષ પૂરો કરી મુંબઇની કોલેજમાં ૧૮ મહિના પ્રોફેસર તરીકે કામ કર્યું. એ દરમિયાન ૧૯૫૩માં આ દંપતિને કેન્યામાં ટીચર તરીકેની ઓફર મળતાં તેઓ કેન્યા ગયાં. નૈરોબીમાં તેઓ ગુજરાતી અને ગણિત ભણાવવા સાથે ભારતીય નૃત્ય, ગરબા અને નાટ્યપ્રવૃત્તિમાં ખુબ સક્રિય બન્યાં. ઇન્દિરાબહેન નૈરોબી લોહાણા મહિલા મંડળમાં ખૂબ સક્રિય હતાં તેઓ આ સંસ્થાના ત્રણ વખત પ્રમુખપદે ચૂંટાયાં હતાં.
ઇન્દિરાબહેન અને રણછોડદાસભાઇ રીટાયર્ડ થઇને ઇન્ડિયા-જૂનાગઢ જઇને સ્થાયી થયાં હતાં. ત્યાં ઇન્દિરાબહેન રોટરી કલબ વુમન્સ વીંગ સાથે જોડાઇને ખૂબ સક્રિય રહ્યાં હતાં. રણછોડદાસભાઇનું અવસાન થયા બાદ તેઓ ૨૦૦૭માં લેસ્ટર આવીને સ્થાયી થયાં હતાં. જીંદગીમાં હામહાર્યા વિના પોઝીટીવ વિચારો સાથે વ્યક્તિ આગળ વધે તો નિરાશા કયારેય સાંપડતી નથી. ઇન્દિરાબહેનના બે સંતાનોમાં દીકરા ડોકટર હિમાંશુભાઇ ઓન્કોલોજીસ્ટ છે જે કેનેડામાં સ્થાયી થયા છે. દીકરી સ્મિતાબહેન લેસ્ટરમાં ફાર્મસીસ્ટ છે.
સ્મિતાબહેને "ગુજરાત સમાચાર"ને જણાવ્યું કે, "લેસ્ટરના એક સ્થાનિક પત્રકારને મારી માતાએ આપેલી મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, તે જીવન પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે અને તેમની વયને કારણે નબળી તબિયત હોવા છતાં ખૂબ જ સંતોષ છે. તેમને મહાત્મા ગાંધીજીનાં મૂલ્યો ખૂબ પ્રિય હતાં એટલે કે "કોઇને દુષ્ટતાથી ના જુઓ, કોઇનું ખરાબ ના બોલો, કોઇનું ખરાબ ના સાંભળો.” એમની વિશિષ્ટ લાક્ષણિકતા માટે કહું તો તેઓ ભારતીય પરંપરા અને સંસ્કૃિતને આગળ ધપાવવા આપણી યુવતીઓ માટે ખૂબ પ્રેરણારૂપ બન્યાં છે. એ જ્યાં રહેતાં ત્યાંના સમાજના લોકોના જીવનને એ ખૂબ સ્પર્શ્યાં છે. તેમની પાસે આંતરિક શક્તિ અને જીવન પ્રત્યેના સકારાત્મક વલણથી આજુબાજુના લોકોને પ્રેરણા આપવાની અનન્ય ક્ષમતા હતી. અમારા પરિવારના બધા જ સભ્યોના જીવનમાં પ્રેરણાત્મક પથદર્શક બનવા માટે તેમજ પારિવારિક મૂલ્યો પ્રદાન કરવા બદલ અમારા માતા-પિતા બંનેનો અમે આભાર માનીએ છીએ.
સ્મિતાબહેનને વોટ્સ અપ અથવા ટેક્સ મેસેજથી મોકલી શકાય છે. સંપર્ક 0750 318 4278