લંડનઃ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ- પ્રિન્સ વિલિયમ અને કેટ અને તેમના ત્રણ સંતાનો તેમજ પ્રિન્સેસ યુજિન અને જેમ્સ બ્રૂક્સબેન્ક રહે છે તે કેન્સિંગ્ટન પેલેસની બહાર આવેલા રમણીય તળાવમાંથી પાંચ સપ્ટેમ્બર શનિવારે સવારે મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. હજુ મૃત મહિલાની ઓળખ થઈ શકી નથી. એક સમયે આ મૃતદેહ એક સપ્તાહ કરતાં વધુ સમયથી લાપતા ૫૧ વર્ષીય એન્ડેલિઓન ‘ડેલ્લી’ લાયસેટ ગ્રીનનો હોય તેવી શંકા સેવાતી હતી પરંતુ, ડેલ્લી સહીસલામત મળી આવતાં તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
ગત સપ્તાહે કેન્સિંગ્ટન પેલેસની બહાર આવેલા રમણીય તળાવમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. સ્કોટલેન્ડ યાર્ડના જણાવ્યા અનુસાર આ મૃત મહિલાની ઓળખ હજુ થઈ શકી નથી. એક સમયે આ મૃતદેહ લોકપ્રિય કવિ સર જ્હોન બેટ્જેમાનની ગ્રાન્ડડોટર અને ૫૧ વર્ષીય કળાકાર એન્ડેલિઓન લાયસેટ ગ્રીનનો હોય તેવી શંકા સેવાતી હતી. મિત્રો અને પરિવારમાં ‘ડેલ્લી’ના હુલામણા નામે ઓળખાતી એન્ડેલિઓન એક સપ્તાહથી લાપતા હતી અને મેટ્રોપોલીટન પોલીસે તેમને શોધવામાં મદદ માટે જાહેર અપીલ પણ કરી હતી. આના પરિણામે, પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
જોકે, ‘ડેલ્લી’ આ સપ્તાહે સહીસલામત મળી આવવાથી પરિવાર અને મિત્રોએ રાહત અનુભવી હતી. ફિલ્મ એડિટર પતિ રોબ નાજેલ અને બે બાળકો સાથે વિલ્ટશાયરમાં રહેતી પ્રસિદ્ધ આર્ટિસ્ટ એન્ડેલિઓન પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનના પત્ની સામન્થા અને ધ વાયરના એક્ટર ડોમિનિક વેસ્ટની સારી મિત્ર છે. ‘ડેલ્લી’ના ભાઈ જ્હોન લાયસેટ ગ્રીને મિત્રોને પાઠવેલા સંદેશામાં જણાવ્યું હતું કે,‘મારી બહેન જીવંત, સલામત અને સ્વસ્થ છે.’ પરિવારને મહિલાનો મૃદેહ મળ્યો હોવાનું જણાવી તેની ઓળખ કરવા કહેવાયું હતું.
આમ છતાં, કેન્સિંગ્ટન પેલેસની બહારના તળાવમાંથી મળેલી મૃત મહિલા કોણ છે તે પ્રશ્ન હજુ ઉભો છે.સ્કોટલેન્ડ યાર્ડના પ્રવક્તા આ મોતને ખુલાસા વિનાનું જણાવે છે પરંતુ, કશું શંકાસ્પદ હોવાનું કહેતા નથી.