લંડનઃ સામાન્ય ચૂંટણીમાં નિર્ણાયક વિજય પછી વડા પ્રધાન ડેવિડ કેમરને વિદેશથી આવતા વસાહતીઓ માટે ‘કડક, વાજબી અને ઝડપી’ સિસ્ટમ લાવવા ખાતરી આપી છે. બુધવારે ક્વીન્સ સ્પીચમાં તેમના ઈમિગ્રેશન બિલના ચાવીરુપ પગલાં જાહેર કરવામાં આવશે. હદપારીની રાહ જોતા વિદેશી અપરાધીઓને ટેગ કરાશે તેમજ બ્રિટિશ વર્કર્સની ભરતી કરતા પહેલા વિદેશથી ભરતી કરનારી કંપનીઓ સામે કાર્યવાહી સહિતના પગલાં આ બિલમાં સમાવાયાં છે. બેન્કોને પણ જાણીતા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ ડેટાબેઝ સામે તેના ખાતાધારકોની ચકાસણીની જવાબદારી સોંપાશે. કેમરન કહે છે કે, તેમની સરકાર ‘બ્રિટનને આવવા અને ગેરકાયદે કામ કરવા માટે ઓછો આકર્ષક દેશ’ બનાવશે.
વિદેશી અપરાધીઓને હદપાર કરવાના બ્રિટનના નબળાં રેકોર્ડને સુધારવાના નવા પગલામાં આવા અપરાધીઓ નાસી છૂટવાની શક્યતા ઘટાડવા માટે તેમને સેટેલાઈટ ટ્રેકિંગ ઉપકરણોથી ટેગિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, હદપાર કરવા સામે અપીલના અધિકારો પણ નિયંત્રિત કરવામાં આવશે. આમ, જે લોકો કોર્ટના ચુકાદા સામે અપીલ કરવા માગતા હોય તેમણે તેમને જ્યાં હદપાર કરાયા હોય તે દેશમાંથી જ આવી અપીલ કરવાની ફરજ પડશે. જોકે, ટીકાકારો કહે છે કે આ કોઈ પગલું ગેરકાયદે ઈમિગ્રન્ટ અથવા હદપાર વિદેશી અપરાધીઓને સ્વીકારવા અન્ય દેશની નામરજીને ધ્યાનમાં લેતું નથી કે એન્ફોર્સમેન્ટ એજન્સીઓની ક્ષમતા વધારતું નથી.
અન્ય નવા પગલામાં એમ્પ્લોયર્સ દ્વારા સસ્તા વિદેશી મજૂરો-વર્કરોનો ઉપયોગ મુશ્કેલ બનાવાશે. લેબર માર્કેટ શોષણના કિસ્સાઓ પર તૂટી પડવા એજન્સીની રચના કરાશે. યુકેમાં પહેલા જાહેરાત આપ્યા વિના વિદેશથી ભરતી કરતા બિઝનેસીસ અને રીક્રુટમેન્ટ એજન્સી માટે આવી ભરતી ગુનો બનાવાશે. ‘ગેરકાયદે કામ કરવું’ પણ અપરાધ ગણાશે અને દોષિતો પાસેથી તેમના પગાર પણ જપ્ત કરી શકાશે. કાઉન્સિલોને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવા અને સંભવિત ભાડૂતોના ઈમિગ્રેશન દરજ્જાની ચકાસણી નહિ કરનારા મકાનમાલિકો સામે કાનૂની કાર્યવાહીની સત્તા અપાશે.
નેટ એન્યુઅલ ઈમિગ્રેશન ૧૦૦,૦૦૦થી ઓછું કરવાનું પાંચ વર્ષ અગાઉનું કેમરનનું વચન તહસનહસ થઈ ગયું છે અને યુરોઝોનમાંથી મોટી સંખ્યામાં લોકો કામની શોધમાં બ્રિટન આવી રહ્યાં છે. જર્મન ચાન્સેલર એન્જ્લા મર્કેલના દબાણના કારણે કેમરને ઈયુ માઈગ્રન્ટ્સની સંખ્યા પર પ્રત્યક્ષ અંકુશ પુનઃ દાખલ કરવાની માગણી પડતી મૂકવી પડી હતી. આના બદલે ઈયુના સભ્યપદની પુનઃ વાટાઘાટોમાં વિદેશી વર્કર્સને વેલ્ફેર અધિકારો પર મર્યાદા મૂકવા બ્રસેલ્સને જણાવાશે તેમ કેમરને જણાવ્યું છે.