લંડનઃ સામાન્ય ચૂંટણીનો સામનો કરી રહેલા વડા પ્રધાન ડેવિડ કેમરને નીસડન સ્વામીનારાયણ મંદિરની ત્રીજી વખત મુલાકાત લીધી હતી. તેમણે હિન્દુ ધર્મ અને ખાસ કરીને બ્રિટિશ હિન્દુઓના મૂલ્યોની પ્રશંસા કરી હતી. ડાઉનિંગ સ્ટ્રીટમાં યોજાતા દિવાળી સમારંભના આયોજનમાં મદિરના સ્વયંસેવકો દ્વારા અપાતી મદદનો તેમણે આભાર પણ માન્યો હતો. કેમરને આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પણ પાઠવી હતી. કેમરને કહ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બ્રિટનમાં આવકારવા ઈચ્છું છું. હું તેમને બ્રિસ્બેનમાં મળીને પ્રભાવિત થયો છું. તેમણે કહ્યું હતું કે કન્ઝર્વેટિવ સરકાર અને લેબર સરકાર વચ્ચે ઘણો તફાવત છે. મારી મહત્ત્વાકાંક્ષા છે કે ફિર એક બાર કેમરન સરકાર. આને પરિપૂર્ણ કરવામાં તમે જ મદદ કરી શકો છો.કેમરને નીસડન સ્વામીનારાયણ મંદિરને મહાન બ્રિટિશ લેન્ડમાર્ક્સમાંનું એક ગણાવી સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ બ્રિટનમાં કરાયાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું અહીંના મૂલ્યો, સ્વયંસેવકોની સમર્પિતતા, સંગીત, નૃત્ય અને ભાષાના વર્ગોથી અભિભૂત છું. બ્રિટિશ હિન્દુ મૂલ્યો સૌથી અલગ તરી આવે છે. જો આપણે બ્રિટનને વધુ સારું બનાવવા ઈચ્છતા હોઈએ તો હિન્દુત્વને પ્રેરણા તરીકે લેવું જોઈએ. હિન્દુ માટે જીવનધ્યેયોમાં ધર્મ- કર્તવ્ય અને યોગ્ય આચરણ મુખ્ય છે. ડોક્ટર્સ, શિક્ષકો, પોલીસ સહિત જાહેર સેવાઓમાં તમારી કામગીરીમાં આ દેખાઈ આવે છે. તમારો સમુદાય એકબીજાની મદદમાં તત્પર હોય છે અને તેમના માટે પરિવાર સૌથી મહત્ત્વ ધરાવે છે. ગુજરાતી સમુદાયે બ્રિટનને વિશાળ પ્રદાન કર્યું છે.કેમરને વચનોની લહાણી કરતા કહ્યું હતું કે, અમે આરોગ્ય સેવાનું બજેટ વધારીશું, શિક્ષણનું ધોરણ ઊંચું લાવવા સાથે નવી સારી શાળાઓ બંધાવીશું, ઓછું વેતન ધરાવતાં લોકોનાં ટેક્સ ઘટાડીશું. વર્તમાન સંસદમાં અમે ૩૦ લાખ લોકોને ઈન્કમ ટેક્સની જાળમાંથી બહાર કાઢ્યા છે. અમે વૃદ્ધ પેન્શનરોનું સરકારી પેન્શન અને સુવિધા વધારીશું. સમાજના લોકોના જીવનના તમામ તબક્કે સુરક્ષા મળતી રહે તે અમારું ધ્યેય છે.કેમરને સમગ્ર બ્રિટનના લોકો માટે વિઝન ૨૦૨૦ જાહેર કર્યું હતું. તેમણે આગામી પાંચ વર્ષમાં દેશના વૈવિધ્યપૂર્ણ સમુદાયો માટે કામગીરી જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે વંશીય લઘુમતીઓ માટે વધુ ૨૦ ટકા નોકરી, વધુ ૨૦ ટકા વિદ્યાર્થીઓ, વધુ ૨૦ ટકા એપ્રેન્ટિસશિપ, નવા બિઝનેસીસ માટે ૨૦,૦૦૦ સ્ટાર્ટ-અપ લોન્સ, પોલીસ અને આર્મીમાં વધુ ૨૦ ટકાની ભરતી તેમજ ખાલી થનારી બેઠકોમાં અમારો પક્ષ ૨૦ ટકા ઉમેદવાર વંશીય લઘુમતીના રાખશે. બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટી આ બધાં ક્ષેત્રોમાં અગ્ર રહેશે તેની મને ખાતરી છે. તેમની સાથે કન્ઝર્વેટિવ ઉમેદવારો બોબ બ્લેકમેન, હાન્નાહ ડેવિડ, મેથ્યુ ઓફોર્ડ, એલન મેન્ડોઝા પણ ઉપસ્થિત હતા.