લંડનઃ કેમરન સરકારમાં નિયુક્ત થયેલ ૪૩ વર્ષીય એમ્પલોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલ એસેક્સના મતવિસ્તાર વિથામની બેઠક પરથી ૨૭,૧૨૩ મતોની સરસાઇ (૫૭.૫%) સાથે કન્ઝર્વેટીવ સાંસદ તરીકે વિજયી બન્યાં છે. તેમણે લેબર પાર્ટીના જ્હોન ક્લાર્ક અને UKIPના ગેરી કોક્રીલને ત્રણ ગણાં કરતાં પણ વધુ મતોથી હાર આપી છે. કેમરન સરકારમાં એકમાત્ર ભારતીય તરીકે સ્થાન મેળવનાર પ્રીતિ પટેલ વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી ઇયાન ડન્કન સ્મિથના ડેપ્યુટી રહેશે. તેમની જવાબદારીમાં જોબ સીકર્સ એલાવન્સ અને યુવા બેરોજગારીનો સમાવેશ થાય છે. તેઓ કેબીનેટની બેઠકોમાં પણ હાજરી આપશે.
ગત પાર્લામેન્ટમાં કન્ઝર્વેટીવ સાંસદ રહેલાં પ્રીતિ પટેલને યુ.કે. ઇન્ડિયન ડાયાસ્પોરા ચેમ્પીયન અને ટ્રેઝરરીમાં ટેક્સ પોલીસી પર ધ્યાન રાખનારાં એક્સચેકર સેક્રેટરી બનાવાયાં હતાં. તેમણે વર્તમાન ચૂંટણી પ્રચાર દરમિયાન ટીવી ઉપર ઘણીવાર દેખા દીધી હતી એટલું જ નહિ પણ કેમરન સરકારમાં મિનિસ્ટર બન્યા પછી ૧૦ ડાઇનીંગ સ્ટ્રીટમાં પ્રવેશ લેતાં પ્રીતિબહેન તમામ ટીવી ચેનલો સહિત દૈનિકપત્રોના પ્રથમ પાને ચમક્યાં હતાં. કેમરન સરકારમાં ગુજરાતી મહિલા તરીકે સ્થાન મેળવનાર પ્રીતિબહેને બ્રિટનસ્થિત ભારતીય-ગુજરાતી સમુદાય અને સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે.
ટોટનહામના વ્હાઇટ હાર્ટલેન પર ન્યુઝ એજન્ટ અને કોન્ફેક્સનરીની શોપ ધરાવતા પ્રીતિ પટેલના કાકા કિરીટભાઇ અને કાકી સુશીલાબહેન પટેલે કૂળ-કુટુંબનું ગૌરવ વધારનાર દીકરી પ્રીતિ પટેલ વિષે ‘ગુજરાત સમાચાર’ને આપેલી માહિતી મુજબ ‘પ્રીતિ મૂળ તારાપુરના વતની અને યુગાન્ડાના કંપાલામાં જન્મેલા સુશીલભાઇ કાન્તિભાઇ નાથાભાઇ પટેલનાં દીકરી છે. સુશીલભાઇ ૧૯૬૫માં કંપાલાથી એરોનેટીક એન્જિનિયરીંગના અભ્યાસાર્થે યુ.કે.માં આવ્યા હતા. સુશીલભાઇનાં લગ્ન કંપાલા સ્થિત મૂળ સુણાવના સ્વામિનારાયણી સત્સંગી આર.યુ. પટેલનાં દીકરી અંજનાબહેન સાથે ૧૯૭૦માં થયાં હતાં. ૨૯ માર્ચ ૧૯૭૨માં લંડનમાં જન્મેલાં પ્રીતિ પટેલનો ઉછેર સાઉથ હેરો અને રાઇસ્લીપમાં થયો છે. વોટફોર્ડની ગ્રામર સ્કૂલ ફોર ગર્લસમાં સ્કૂલ અભ્યાસ કરી કીલ યુનિવર્સિટી અને એસેક્સમાંથી પોસ્ટ ગ્રેજયુએશન કર્યા પછી પ્રીતિબહેન ૧૯૯૫થી (જ્હોન મેજરના કાર્યકાળ દરમિયાન) કન્ઝર્વેટીવ પાર્ટીના રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં જોડાયાં હતાં. પ્રીતિ પટેલ માર્કેટીંગ ડાયરેક્ટર પતિ એલેક્સ સ્વાયર અને છ-સાત વર્ષના દીકરા ફ્રેડી સાથે રહે છે. સુશીલાબહેનના જણાવ્યા મુજબ, પ્રીતિ પટેલ ખૂબ જ મૃદુભાષી, વિવેકશીલ, કર્મનિષ્ઠ અને મહેનતુ છે. તેમની યશસ્વી કારકિર્દીથી ૮૭ વર્ષનાં દાદી શાન્તાબા સહિત અમારો સમગ્ર પરિવાર ખૂબ આનંવિભોર બન્યો છે.”
પ્રીતિ પટેલના પિતા સુશીલભાઇ ૭૦ના દાયકામાં નોરફોકના ગ્રામીણ વિસ્તારમાં પોસ્ટ ઓફિસનો બિઝનેસ ધરાવતા હતા. પ્રીતિ પટેલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘ઇદી અમીને યુગાન્ડામાંથી એશિયનોને હાંકી કાઢ઼યા ત્યારે મારા પરિવારજનો સાથે કંઇ જ લાવ્યા ન હતા. તેમણે સખત મહેનત કરી સફળ શોપ બિઝનેસ શરૂ કર્યો હતો. ખંત અને સખત મહેનત કરી સફળ થવાની ખેવના હોય તેણે કોઇના ઉપર આધાર રાખવો પડતો નથી. તમે નવા દેશમાં આવી પોતીકું ઘર બનાવો છો, સફળ થાવ છો, સર્વસ્વ મેળવો છો, જેથી તમે દેશભક્ત બનો છો અને પરિણામે તેના મૂલ્યો સાથે જીવો છો’.
વોટફોર્ડમાં રહેતા પ્રીતિ પટેલના ૬૪ વર્ષીય પિતા સુશીલભાઇ મે, ૨૦૧૩માં UKIP (યુકે ઇન્ડીપેન્ડન્સ પાર્ટી)માં જોડાયા હતા. પરંતુ બે કલાકમાં જ તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. કહેવાય છે કે તેમણે ઉમેદવારી અંગે પોતાની દીકરીને કાંઇ જણાવ્યું નહતું અને નાઇજલ ફરાજના પક્ષ માટે કામ કરવાના પ્રયાસથી ટોરી સાંસદ પ્રીતિબહેન નાખુશ હતાં.
મોદીજી અંગે BBCની આકરી ટીકા
ગત વર્ષે જ્યારે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે બીબીસીએ કરેલા કથિત એકતરફી નિવેદનથી બ્રિટનવાસી ભારતીયોએ પ્રીતિ પટેલને ફરિયાદ કરી હતી. એ વખતે પ્રીતિ પટેલે બીબીસીને લખ્યું હતું કે, ‘બ્રિટીશ ભારતીય સમુદાયના કેટલાય લોકો, ખાસ કરીને ગુજરાતી મૂળના લોકો વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીને લઇને બીબીસી દ્વારા કરાયેલા કવરેજથી અપમાનિત મહેસૂસ કરી રહ્યા છે.’ બીબીસીને તેમણે લખ્યું હતું કે, મોદીના રાજકીય વિરોધીઓએ તેમણે વિવાદાસ્પદ વ્યક્તિના રૂપે રજૂ કર્યા છે. બીબીસીએ નિષ્પક્ષ રહેવું જોઇતું હતું, આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીને બીબીસીએ મોદી વિરોધીઓને સમર્થન આપ્યું છે. આવું રિપોર્ટીંગ યોગ્ય નથી.’