લંડનઃ ભક્તિવેદાંત મેનોરના ઈતિહાસમાં શુક્રવાર ૧૦ જૂને નવું પ્રકરણ આલેખાયું હતું, જ્યારે વડા પ્રધાન ડેવિડ કેમરને હવેલીની ઈમારત માટે ખાતમૂર્હુત વિધિ કરી હતી. આ વિધિમાં હર્ટ્સમીઅરના સાંસદ ઓલિવર ડોડેન, પાર્લામેન્ટરી અન્ડરસેક્રેટરી ઓફ સ્ટેટ શૈલેશ વારા, સ્થાનિક કાઉન્સિલો અને મેનોરના મિત્રો સહિત ૩૦૦થી વધુ લોકોનું સ્વાગત વિશાળ તંબુમાં કરવામાં આવ્યું હતું. આ સ્થળે નવી શ્રી કૃષ્ણ હવેલીનું નિર્માણ કરાશે.
મેનોરની મુલાકાત લીધા પછી વડા પ્રધાને ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણા કોન્સિયસનેસ (ISKCON) અને ભક્તિવેદાંત મેનોરના સંસ્થાપક શ્રીલા પ્રભુપાદ વિશે જણાવ્યું હતું કે,‘.. જો તેઓ આજે મેનોર શું બન્યું છે તે જોવાં હયાત હોત, એક બીટલ દ્વારા દાનમાં અપાયેલું ટુડોર કન્ટ્રી હાઉસ પૂજાપ્રાર્થના, ઉજવણી અને નિઃસ્વાર્થતાનું કેન્દ્ર બની ગયું છે.’
વડા પ્રધાને ઈસ્કોનને તેની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન પાઠવતા રમૂજ પણ કરી હતી કે તેઓ પણ આ વર્ષે ૫૦મી વર્ષગાંઠ ઉજવશે. તેમણે ઉમેર્યું હતું કે,‘તમે આ ૫૦ વર્ષમાં શું હાંસલ કર્યું છે તે મેં નિહાળ્યું અને આગામી ૫૦ વર્ષમાં તમે શું હાંસલ કરશો તેનો પણ વિચાર આવે છે. વાસ્તવમાં, આગામી અડધી સદીનો આરંભ અત્યારે જ થયો છે, જ્યારે આપણે નવી કૃષ્ણા હવેલીનું નિર્માણ શરૂ કરીએ છીએ અને મને ભૂમિમાં પ્રથમ ઓજાર ઉતારતા આનંદ થાય છે.’
ભક્તિવેદાંત મેનોરના ટેમ્પલ પ્રેસિડેન્ટ શ્રુતિધર્મ દાસે સમારંભમાં ઉપસ્થિત રહેવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો હતો અને હવેલીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આપણે ‘સહિષ્ણુતા, દયાના આધ્યાત્મિક મૂલ્યોને આગળ વધારવાની જરૂર છે... ભક્તિવેદાંત મેનોર ખાતે અમે આ સિદ્ધાંતોને મૂર્ત સ્વરુપ આપવાનું વ્યાપક ધ્યેય રાખીએ છીએ.’
ભક્તિવેદાંત મેનોરના મેનેજિંગ ડિરેક્ટર ગૌરી દાસે હવેલી વિશે જણાવ્યું હતું કે,‘ મેનોર માટે આ ઐતિહાસિક પળ છે. હવેલી મંદરની જરૂરિયાતો પૂર્ણ કરશે, સ્થાનિક ગામની દરકારનું માન જાળવશે અને અમને હર્ટ્સમીઅર કાઉન્સિલનો સંપૂર્ણ ટેકો મળ્યો છે. વડા પ્રધાને ભૂમિમાં પ્રથમ કોદાળી ઉતારી તે બહુમાન છે.’