કેમરનની ટીમમાં ઓસ્બોર્ન, થેરેસા, હેમન્ડ અને ફેલોનના ખાતા યથાવત્

Tuesday 12th May 2015 15:16 EDT
 
 

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં ભવ્ય વિજય મેળ્યા પછી ડેવિડ કેમરને સંપૂર્ણ ટોરી સરકારની રચનાની પ્રક્રિયા આરંભી હતી. તેમણે જ્યોર્જ ઓસ્બોર્ન, થેરેસા મે, ફિલિપ હેમન્ડ અને માઈકલ ફેલોનને અનુક્રમે ચાન્સેલર ઓફ ટ્રેઝરી, હોમ સેક્રેટરી, ફોરેન સેક્રેટરી અને ડિફેન્સ સેક્રેટરી તરીકે પુનઃ નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત, જ્યોર્જ ઓસ્બોર્નને ‘ફર્સ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ’ જાહેર કરાયા છે. લંડનના મેયર બોરિસ જ્હોન્સનને ‘પોલિટિકલ કેબિનેટ’માં સ્થાન અપાયું છે, પરંતુ તેઓ છેલ્લા વર્ષ માટે મેયર તરીકે કામગીરી ચાલુ રાખશે. આ ઉપરાંત, સાજિદ જાવિદને બિઝનેસ સેક્રેટરી, એમ્બર રડને એનર્જી સેક્રેટરી, પ્રીતિ પટેલને એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર, માઈકલ ગોવને જસ્ટિસ સેક્રેટરી નિયુક્ત કરાયા છે જ્યારે નિકી મોર્ગનને એજ્યુકેશન સેક્રેટરી અને ઈયાન ડન્કન સ્મિથને વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી તરીકે યથાવત રખાયા છે. ક્રિસ ગ્રેલિંગને લીડર ઓફ કોમન્સ અને ટિના સ્ટોવેલને લીડર ઓફ ધ લોર્ડ્સ બનાવાયા છે, જ્યારે માર્ક હાર્પરને ચીફ વ્હીપની કામગીરી સોંપાઈ છે.

કેમરનને ગત સરકારમાં લિબરલ ડેમોક્રેટ્સ સાથે ગઠબંધનના કારણે તેના સભ્યોને પ્રધાનપદ આપવાની ફરજ પડી હતી. આ વખતે સંપૂર્ણ બહુમતી હોવાથી કેમરન મોકળા હાથે પોતાની ફ્રન્ટ બેન્ચના નિર્માણની તક ઝડપી લેશે. ઓસ્બોર્નને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ બોલાવીને નાણા મંત્રાલયની કામગીરી ચાલુ રાખવા જણાવાયું હતું. તેમને વિદેશ મંત્રાલય સોંપાશે તેવી અટકળોનો અંત આવ્યો છે. આ ઉપરાંત, તેમને ફર્સ્ટ સેક્રેટરી બનાવાયા છે, જેથી તેઓ કેમરનની ગેરહાજરીમાં વડા પ્રધાનના પ્રશ્નકાળ દરમિયાન તેમના નાયબની કામગીરી પણ સંભાળશે. તેમની આ ભૂમિકાથી એવો સંકેત મળે છે કે કેમરન ત્રીજી ટર્મ માટે ઉભા રહેવાના નથી ત્યારે ઓસ્બોર્ન ભાવિ નેતા બને તેવી તેમની ઈચ્છા છે. અગાઉ, આ પદ પૂર્વ ટોરી નેતા વિલિયમ હેગ અને ગોર્ડન બ્રાઉન સરકારમાં લોર્ડ મેન્ડલસને સંભાળ્યું હતું.

ઓસ્બોર્નની મુખ્ય કામગીરી ઈયુમાં બ્રિટનના સભ્યપદ અંગે ૨૦૧૭ના અંતે રેફરન્ડમ અગાઉ ઈયુ સાથે નવી સોદાબાજીની વાટાઘાટોની રહેશે. ઈયુ પ્રત્યે શંકાશીલ ફિલિપ હેમન્ડને ફોરેન સેક્રેટરીપદે યથાવત રાખવાની જાહેરાત કેમરને કરી જ દીધી છે. બ્રિટને વર્તમાન શરતોએ ઈયુનું સભ્યપદ છોડી દેવું જોઈએ તેની જોરદાર હિમાયત હેમન્ડ કરે છે. ટોરીઝ ઈયુ માઈગ્રન્ટ્સને ચાર વર્ષ સુધી બ્રિટનમાં બેનિફિટ્સનો લાભ ન મળે તેવા પ્રતિબંધ, લંડન સિટીને બ્રસેલ્સ નિયમનો લાગુ ન પાડવાની સુરક્ષાના મુદ્દાઓની તરફેણ કરે છે.

વડા પ્રધાને બોરિસ જ્હોન્સનને પોલિટિકલ કેબિનેટમાં આપેલું સ્થાન માત્ર રાજકીય છે, જ્યા રાજકીય સ્ટ્રેટેજીઓની વિચારણા થાય છે. આ મિનિસ્ટરિયલ કામગીરી નથી કે તેઓ કોઈ વિભાગ સંભાળશે નહિ. લંડનના મેયર તરીકે તેમની મુદત મે ૨૦૧૬માં પૂર્ણ થાય છે.

ડેવિડ કેમરન- વડા પ્રધાન

જ્યોર્જ ઓસ્બોર્ન- ચાન્સેલર અને ફર્સ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ

થેરેસા મે- હોમ સેક્રેટરી

ફિલિપ હેમન્ડ- ફોરેન સેક્રેટરી

માઈકલ ફેલોન-ડિફેન્સ સેક્રેટરી

માઈકલ ગોવ- જસ્ટિસ સેક્રેટરી

નિકી મોર્ગન- એજ્યુકેશન સેક્રેટરી

ઈયાન ડન્કન સ્મિથ- વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી

એમ્બર રડ- એનર્જી સેક્રેટરી

જ્હોન વ્હીટિંગડેલ- કલ્ચર સેક્રેટરી

સાજિદ જાવિદ- બિઝનેસ સેક્રેટરી

પ્રીતિ પટેલ- એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર

એન્ના સોબ્રી- મિનિસ્ટર ફોર સ્મોલ બિઝનેસ

જેરેમી હન્ટ- હેલ્થ સેક્રેટરી

પેટ્રિક મેક્લોઘલિન- ટ્રાન્સપોર્ટ સેક્રેટરી

ગ્રેગ ક્લાર્ક- કોમ્યુનિટીઝ સેક્રેટરી

લિઝ ટ્રસ- એન્વિરોનમેન્ટ સેક્રેટરી

થેરેસા વિલિયર્સ- નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી

સ્ટીફન ક્રેબ- વેલ્શ સેક્રેટરી

જસ્ટિન ગ્રીનિંગ- ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી

ગ્રેગ હેન્ડ્સ- ચીફ સેક્રેટરી ટુ ટ્રેઝરી

ડેવિડ મન્ડેલ- સ્કોટલેન્ડ સેક્રેટરી

માર્ક હાર્પર- ચીફ વ્હીપ

લેડી ટિના સ્ટોવેલ- લીડર ઓફ ધ લોર્ડ્સ

ક્રિસ ગ્રેલિંગ- લીડર ઓફ ધ કોમન્સ

બોરિસ જ્હોન્સન- રાજકીય કેબિનેટના પૂર્ણ સભ્ય

લોર્ડ ફેલ્ડમાન- ટોરી પાર્ટીના ચેરમેન

રોબર્ટ હાફન- ટોરી પાર્ટીના ડેપ્યુટી ચેરમેન

ઓલિવર લેટવિન- મિનિસ્ટર ફોર કેબિનેટ ઓફિસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter