લંડનઃ ટોરી પાર્ટીએ આસમાને ગયેલી કેર ફી પર મર્યાદા મૂકવાનું ચૂંટણી મેનિફેસ્ટોનું મહત્ત્વપૂર્ણ વચન અભરાઈએ ચડાવી દીધું છે. વૃદ્ધોના ગૌરવ અને સલામતી માટે £૭૨,૦૦૦ની મર્યાદા આગામી વર્ષથી લાદવાની હતી તે હવે એપ્રિલ ૨૦૨૦ સુધી મુલતવી રખાતાં મધ્યમવર્ગી પેન્શનરોએ પાંચ વર્ષ સુધી જંગી ખર્ચ સહન કરવાની ફરજ પડશે. હાલ £૨૩,૨૫૦થી વધુ સંપત્તિ ધરાવતી વ્યક્તિએ સારસંભાળનો સંપૂર્ણ ખર્ચ ચુકવવો પડે છે.
કેર મિનિસ્ટર તરીકે સુધારાના હિમાયતી લિબ ડેમ નોર્મન લેમ્બે કહ્યું હતું કે,‘આવા વાહિયાત નિર્ણયનો અર્થ એ છે કે ડિમેન્શીઆ ધરાવતાં લોકો પરનો જંગી ટેક્સ બેરોકટોક વધેલો રહેશે.તેને ૨૦૨૦ સુધી મુલતવી રાખવાનો અર્થ એ છે કે ટોરીઝ દ્વારા તેને પડતી મૂકાઈ છે કારણકે હેલ્થ અને સામાજિક સારસંભાળ ક્ષેત્રોમાં નાણાકીય સ્થિતિ સુધારવાની કોઈ જરૂર તેમને જણાતી નહિ હોય.’ મર્યાદાના અભાવે નજીવી સંપત્તિ ધરાવતા લોકો પણ સંતાનો માટે કોઈ વારસો મૂકી જઈ શકશે નહિ. ઘણા માટે ઈન્હેરિટન્સ ટેક્સની મર્યાદા વધારવાની તાજેતરની ખાતરી નકામી બની જશે. આ નિર્ણયથી £૬ બિલિયનની બચત થવાના મિનિસ્ટર્સના દાવા છતાં કેર રીફોર્મ્સને ભારે ધક્કો પહોંચશે. વડા પ્રધાન કેમરને તાજેતરમાં જ આ ખાતરીનો પુનરુચ્ચાર કર્યો હતો ત્યારે સોશિયલ કેર મિનિસ્ટર એલિસ્ટર બર્ટનું કહેવું છે કે નવી ખર્ચાળ યોજનાઓના અમલ માટે આ યોગ્ય સમય નથી. બર્ટે સંભાળનો ખર્ચ આવરી લેવામાં મદદરુપ પ્રોડક્ટ્સ ઓફર કરવામાં નિષ્ફળ જવાનો દોષ ઈન્સ્યુરન્સ ઈન્ડસ્ટ્રી પર લગાવ્યો છે.