લંડનઃ બ્રિટનમાં ૭૮૦ બ્રાન્ચ સાથેની ૧૯૪૫માં સ્થાપિત કો-ઓપરેટિવ ફાર્મસી બ્રાન્ડ ૭૦થી વધુ વર્ષની કામગીરી પછી અદૃશ્ય થઈ જશે. ગયા વર્ષે બેસ્ટવે ગ્રૂપ દ્વારા £૬૨૦ મિલિયનમાં ફાર્મસીઓની ખરીદી થઈ હતી.
કો-ઓપરેટિવ ગ્રૂપના બેન્કિંગ ડિવિઝનમાં મુશ્કેલીના પગલે ગ્રૂપે ફાર્મસી બિઝનેસ વેચ્યો હતો. ૭૦૦૦થી વધુ કર્મચારી ધરાવતી ફાર્મસીઓ હવે ‘Well’ નામ સાથે રીલોન્ચ કરાશે. ૧૯૭૬માં સર અનવર પરવેઝ દ્વારા સ્થાપિત ફેમિલી બિઝનેસ બેસ્ટ-વન કન્વીનિઅન્સ સ્ટોર્સના ચેઈનનો અંકુશ ધરાવે છે. બેસ્ટવે ગ્રૂપ ફાર્મસી બિઝનેસમાં સુધારાવધારા પાછળ £૨૦૦ મિલિયન ખર્ચવા ઈચ્છે છે. બેસ્ટવે વેલની વાર્ષિક રેવન્યુ £૭૫૦ મિલિયનથી વધારી ૨૦૧૯માં £૧ બિલિયન સુધી લઈ જવા માગે છે.