લંડનઃ યુરોપિયન દેશોના પ્રવાસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જર્મની પછી ૨૪ અને ૨૫ ઓગસ્ટે બ્રિટનની બે દિવસીય મુલાકાત લીધી હતી. આ દરમિયાન લંડનમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમીક્સ, ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિયેશન અને થિંક ટેન્ક ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ સહિત વિવિધ કાર્યક્રમોમાં રાહુલ ગાંધીએ ભારતને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ રફાલ વિમાન સોદો, ભારતીયોને બ્રિટનમાં વિઝાની મુશ્કેલી, ૧૯૮૪ના રમખાણો તેમજ વડા પ્રધાન મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની નીતિઓ અંગે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ બ્રિટનની વિપક્ષ લેબર પાર્ટીના નેતાઓ અને સાંસદોની સાથે મુલાકાત યોજી હતી, જે દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને બ્રિટનના વિઝા મેળવવામાં નડતી તકલીફનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રાહુલે જણાવ્યું હતું કે અનેક ભારતીયો અહીં બ્રિટનમાં સ્વાસ્થ્યથી લઇને દરેક ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે. તેમના અધિકારો મુદ્દે ભારત અને બ્રિટનનો વિપક્ષ સાથે મળીને કામ કરશે. રાહુલ ગાંધીને બ્રિટનમાં ભારતીય મુળના નાગરિકો, નેતાઓ દ્વારા આયોજીત કાર્યક્રમોમાં આમંત્રિત કરાયા હતા.
મારી ક્ષમતાના આધારે ધારણા બાંધો
કોંગ્રેસ અધ્યક્ષ ગાંધીને પ્રશ્ન પૂછાયો હતો કે તેમની પાસે ગાંધી સરનેમ સિવાય બીજું શું છે? રાહુલે ઉત્તર આપ્યો હતો કે, ‘મારી અટક ગાંધી હોય તો શું થયું ? મને સાંભળ્યા વગર કોઈ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ નહિ. મારા વિશે કોઈ ધારણા ક્ષમતાના આધારે બાંધવી જોઈએ, મારા પરિવારની નિંદા કરીને નહિ. અંતમાં આ તમારી ઈચ્છા પર આધારિત છે. શું તમે મારા પરિવારની નિંદા કરશો અથવા તમે મારી ક્ષમતાના આધાર પર મારા વિશે ધારણા બાંધશો... તે તમારી પસંદ છે. આ તમારા પર નિર્ભર કરે છે મારા પર નહિ.’
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, ‘મારા પિતાના વડાપ્રધાન બન્યા પછી મારો પરિવાર સત્તામાં રહ્યો નથી, આ બાબત ભૂલાઈ જવાય છે. હું તે પરિવારમાં જન્મ્યો છું.. હું જે કહી રહ્યો છું તેને સાંભળો, મુદ્દાઓ વિશે મારી સાથે વાત કરો, વિદેશનીતિ, અર્થશાસ્ત્ર, ભારતીય વિકાસ, કૃષિ પર, જાહેરમાં અને સ્વતંત્રરૂપથી મારી સાથે વાત કરો. મને જે પણ પ્રશ્ન પૂછવા ઈચ્છો છો, તે પૂછો અને પછી જ નિષ્કર્ષ પર પહોંચો કે હું શું છું.’
વિપક્ષી એકતા સામે ભાજયની હાર નિશ્ચિત
તેમણે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાબતે કહ્યું હતું કે ૧૦ વર્ષ સત્તા પર રહ્યા પછી કોંગ્રેસમાં દંભ આવી ગયો હતો. અમે તેમાથી પાઠ શીખ્યા છીએ. તેમણે કહ્યું હતું કે ‘એમાં કોઇ શંકા નથી. જો વિપક્ષો એક થયા તો ભાજપ ચૂંટણી જીતી જાય તેવી કોઇ શક્યતા નથી. અમે દેશની સંસ્થાઓને થયેલા નુકસાનની ભરપાઇ કરવા જઇ રહ્યા છે. સુપ્રીમ તેની કામગીરી કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ કરવા જઇ રહ્યા છીએ. સરકારી અધિકારીઓ કામ કરી શકે તેવી સ્થિતિનું પણ નિર્માણ કરવા જઇ રહ્યા છીએ.’ ‘કોંગ્રેસ તમામને લાગેવળગે છે, તે તમામ માટે કામ કરે છે અને લોકોમાં વિવિધતા વચ્ચે પણ એકતાના વિચારો ફેલાવવાનું કામ કરે છે. તેમણે ઉમેર્યું કે ‘સમગ્ર વિરોધ પક્ષો એક થયા છે અને તેઓ ભાજપ અને સંઘને દેશની સંસ્થાઓનો નાશ કરવાની મંજૂરી નહિ આપે. ભલે તે ચૂંટણી પંચ હોય, સુપ્રીમ કોર્ટ હોય અથવા અન્ય કોઇ પણ સંસ્થા હોય.’
કોંગ્રેસની વિચારધારા વિકાસની છે અને રહેશે
આ અગાઉ બર્લિનમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર ફરી એક વાર ભાજપ અને આરએસએસને ટાર્ગેટ બનાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે ભાજપ અને સંઘ દેશમાં ભાગલા પડાવવાની કોશિશ કરી રહ્યા છે. જર્મનીનાં બર્લિનમાં રાહુલે કહ્યું કે આ બંને સંગઠનો ભારતમાં નફરત ફેલાવી રહ્યા છે. અમારું કામ દેશનાં લોકોને એક સાથે લાવવાનું અને દેશને આગળ વધારવાનું છે અને અમે આ કામ કરીને બતાવ્યું છે. કોંગ્રેસ વિકાસને માને છે અને વિકાસ માટે જ કાર્યો કરી રહી છે. ભારતની અસલી તાકાત દરેક વ્યક્તિની ફરિયાદ સાંભળવાની છે પછી તે નબળો કે ગરીબ હોય તો પણ તેના અવાજને વાચા આપવાની દરેક ધર્મની વિચારધારા છે.
૧૯૮૪ના રમખાણોમાં કોંગ્રેસનો હાથ નથી
તેઓએ ૧૯૮૪ના રમખાણો અંગેના કેટલાક સવાલોનો જવાબ આપતા કહ્યું હતું કે જે પણ લોકો આ રમખાણોમાં જવાબદાર છે તેમને સજા કરવી જોઇએ અને આ સજાનો હું પણ સમર્થક છું. રાહુલે જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારની હિંસા અને તેને આચરનારાનું હું સમર્થક નથી કેમ કે હિંસા અયોગ્ય બાબત છે. હાલ ૧૯૮૪ના રમખાણોના કેસો કોર્ટમાં છે અને જ્યાંસુધી સજાની વાત છે તો જે પણ લોકો દોષીત ઠરે તેને સજા કરવી જોઇએ અને હું પોતે પણ ૧૦૦ ટકા આ સજાના સમર્થનમાં છું. આ રમખાણોમાં કોંગ્રેસનો ક્યાંય પણ હાથ નથી.
પાકિસ્તાન સાથે સમસ્યા ઉકેલવા ભાજપ દિશાહીન
પાકિસ્તાન સાથેની સમસ્યા ઉકેલવા ભાજપ સરકારની નીતિઓ દિશાહીન હોવાનો રાહુલે આરોપ લગાવ્યો હતો. પાક. સાથે કામ પાર પાડવા કોઈ નક્કર પોલીસી જ નથી. ગમે ત્યારે ગમે તેવાં રિએક્શન અપાય છે. જ્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ હતું ત્યારે ભારતનો વિકાસ થયો હતો છેલ્લા ચાર વર્ષથી મોદી સત્તાનું કેન્દ્રીકરણ કરી રહ્યા છે. હાલ તમામ સત્તાઓ પીએમ તેમના હાથમાં લઈને બેઠા છે. પાકિસ્તાન અંગે મોદી પાસે કોઈ ઊંડાણપૂર્વકનો વિચાર કે નીતિ ન હોવાનો આરોપ પણ રાહુલે મૂક્યો હતો. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે ઈસ્લામાબાદ સાથે વાતચીત કરવી ઘણી મુશ્કેલ છે કારણકે તે દેશમાં સર્વોચ્ચ કહેવાય તેવી કોઈ સંસ્થા નથી.
મોદી ડોકા લા વિવાદ રોકી શક્યા હોત
તેમણે વડાપ્રધાન મોદીની વિદેશનીતિ સામે સીધો સવાલો કરીને આરોપ મૂક્યો હતો કે, મોદી માટે દોક્લામ વિવાદ એક ઈવેન્ટ છે. દોકલામમાં આજે પણ ચીનના સૈનિકોની હાજરી છે. મોદીએ જો આ જોયું હોત તો આ વિવાદ જ ન હોત! તેમણે સરકાર કેવી રીતે ચલાવાય તે ચીન પાસેથી શીખવા ભાજપ અને મોદીને સલાહ આપી હતી. રાહુલે કહ્યું કે ડોકા લા વિવાદને યોગ્ય રીતે અને યોગ્ય સમયે મૂલવ્યો હોત તો મોદી ડોકા લા વિવાદને રોકી શક્યા હોત. આ વિવાદ ઘટનાઓની હારમાળાનું પરિણામ હતું જો સંભાળપૂર્વક ધ્યાનમાં લેવાયો હોત તો રોકી શકાયો હોત. ડોકા લામાં આજે પણ ચીનનાં સૈનિકો હાજર હોવાનો તેમણે દાવો કર્યો હતો.
સુષમા સ્વરાજને વિઝા બનાવવામાં જ રસ
રાહુલ ગાંધીએ દેશના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું કે, તેઓ વિઝા બનાવવામાં ઘણો રસ લે છે અને બાકીનાં કામો માટે ઓછો સમય આપે છે. સુષમા સ્વરાજને હોદ્દા મુજબનું કામ નહિ આપીને તેમનું અપમાન કરાય છે. વિદેશ મંત્રાલય પર પણ પીએમઓનું વર્ચસ્વ છે. વિદેશ મંત્રાલય પાસે આનાથી વધારે મહત્વપૂર્ણ કામ નથી જેથી લોકોને વિઝા આપવામાં વ્યસ્ત છે. તેમણે વિદેશ મંત્રાલયના એકાધિકાર ખતમ કરી, સમાજના અન્ય હિસ્સાઓ માટે વધારે સુલભ બનાવીને આધુનિક વિદેશ મંત્રાલય બનાવી શકાય તેવી સલાહ આપી હતી.
રફાલ સોદો મોદી સરકારનું મોટુ કૌભાંડ
રાહુલ ગાંધીએ સાથે રફાલ સોદાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. અને આરોપ લગાવ્યો હતો કે રફાલ સોદો મોદી સરકારનું એક મોટુ કૌભાંડ છે, પોતાના માનિતા એક ઉદ્યોગપતિને લાભ પહોંચાડવા માટે મોદી સરકારે ૫૦૦ કરોડના વિમાનને ૧૬૦૦ કરોડમાં ખરીદવા ફ્રાન્સ સરકાર સાથે સોદો કર્યો છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમીક્સના ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત કાર્યક્રમમાં બોલતી વેળાએ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ખરેખર આશ્ચર્યની વાત છે કે અમારી સરકાર દ્વારા જે વિમાન ૫૦૦ કરોડમાં ખરીદવાનું નક્કી થયું હતું તે વિમાનનો કોન્ટ્રાક્ટ અંબાણીને આપી દેવામાં આવ્યો અને વિમાનની કિંમત ૧૬૦૦ કરોડ રૂપિયા કરી દેવાઇ જેથી મોદી પોતાના માનીતા ઉદ્યોગપતિને લાભ પહોંચાડી શકે. અનિલ અંબાણી પર ૪૫૦૦૦ કરોડ રુપિયાનું દેવું છે છતાં તેને આ કોન્ટ્રાક્ટ મોદીએ આપી દીધો છે.
ભાગેડુ માલ્યા ભાજપ નેતાઓને મળ્યા હતા
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત ૧૭ ભારતીય બેન્કો સાથે ૯,૦૦૦ કરોડથી વધારે રકમનું કૌભાંડ કરનાર ભાગેડુ વિજય માલ્યા દેશ છોડતા પહેલાં ભાજપના નેતાઓને મળ્યા હતા તેવો દાવો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કર્યો હતો. અમારી પાસે આને લગતા દસ્તાવેજ અને પુરાવા છે તેમ તેમણે કહ્યું હતું. જો કે તેમણે માલ્યા ભાજપના કયા કયા નેતાઓને મળ્યા હતા તેનાં નામ આપવાનો ઇનકાર કર્યો હતો. માલ્યા હાલ લંડનમાં છે અને તેને ભારત લાવવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે.
ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિયેશનનાં કાર્યક્રમમાં રાહુલે દેશને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ ચર્ચ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે બેન્કો સાથે છેતરપીંડી કરનાર ઉદ્યોગપતિઓ સામે કેન્દ્ર સરકાર પગલાં લેતી નથી. તેમણે પીએનબી કૌભાંડ કરનાર નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો ઉલ્લેખ પણ કર્યો હતો. પીએમ સાથે આ બંનેના સારા સંબંધો હોવાથી તેમની સામે પગલાં લેવાતા નથી તેમ તેમણે કહ્યું હતું. માલ્યાને આર્થર રોડ જેલમાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાનો પણ તેમણે વિરોધ કર્યો હતો. કાયદો સૌના માટે સરખો છે.
ભારતમાં બેકારીનું સંકટ ખતરનાક
રાહુલે કહ્યું કે ભારતમાં બેકારીનું સંકટ ખતરનાક છે પણ પીએમ મોદી તેનો સ્વીકાર કરતા નથી. નોકરીની પૂરતી તકોના અભાવે યુવાનો હિંસા કરી રહ્યા છે. લોકો બેકાર છે તેથી નોકરી મેળવવા ભારતમાં મોદીને અને અમેરિકામાં ટ્રમ્પને મત આપે છે. બેકારોમાં ગુસ્સો છે તેથી તેઓ ગુસ્સાનું સમાધાન શોધવાને બદલે ગુસ્સો જન્માવનાર નેતાઓને મત આપે છે. સમસ્યાના સમાધાનની જગ્યાએ આ નેતા તે ગુસ્સાને હવા આપે છે અને દેશને નુકશાન પહોંચાડે છે.
================
સંઘની વિચારધારા ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠનમુસ્લિમ બ્રધરહુડ જેવી જ છે
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ઉશ્કેરણીજનક નિવેદનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને ઇસ્લામિક કટ્ટરપંથી ગ્રૂપ મુસ્લિમ બ્રધરહુડ સાથે સરખામણી કરી હતી. કોંગ્રેસના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે જર્મની પછી બ્રિટન આવેલા રાહુલે આક્ષેપ કર્યો હતો કે સંઘ અને તેના સહયોગીઓ ભારતનું ‘સ્વરૂપ' બદલવાનો અને તેના સંગઠનોને ‘આંચકી’ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમનો પક્ષ દેશના લોકોને જોડવાનું કામ કરે છે જ્યારે સંઘ તેમની વચ્ચે ભાગલા પાડે છે અને નફરત ફેલાવે છે. સંઘમાં મહિલાઓને કોઇ સ્થાન નથી અને તેમની સાથે ‘બીજા વર્ગના નાગરિક’ જેવું વર્તન થાય છે.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ ખાતે લોકોને સંબોધતાં રાહુલે આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે સંઘનો વિચાર આરબ વિશ્વના મુસ્લિમ બ્રધરહુડ જેવો જ છે. તેમણે દાવો કર્યો કે ભારતમાં આ લોકોનો મૂડ અત્યંત વિભાજક છે અને સરકાર લોકો પર એક ચોક્કસ વિચારસરણી લાદવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે કોંગ્રેસ આ માનસિકતા સામે લડી રહી છે. સંઘ ભારતની પ્રકૃતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે. અન્ય કોઈ પક્ષોએ ભારતીય સંસ્થાઓમાં ફેરફાર કરવાના પ્રયાસો ક્યારેય કર્યા નથી. ૧૯૪૭ સુધી પશ્ચિમનાં દેશોને ભારત પર વિશ્વાસ ન હતો પણ આઝાદી પછી કોંગ્રેસે અનેક સંસ્થાઓ રચી હતી જેના પર આજે હુમલા કરાઈ રહ્યા છે. તેમણે નોટબંધી માટે પણ સંઘને જવાબદાર ગણાવ્યો હતો. સંઘે આ વિચાર નાણાં પ્રધાન અને રીઝર્વ બેન્ક સુધી પહોંચાડયો હતો અને પછી વડા પ્રધાનના મગજમાં તેના બીજ રોપ્યાં હતાં
-----------------------------------------------
સંઘ રાહુલ ગાંધીને આમંત્રણ પાઠવશે
બ્રિટનપ્રવાસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મુસ્લિમ બ્રધરહૂડ સાથે સરખામણી સહિત આકરા પ્રહારોના પગલે સંઘ આગામી મહિને ૧૭થી ૧૯ સપ્ટેમ્બર સુધીના કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હાજરી આપવા આમંત્રણ આપી શકે છે. RSS દ્વારા ‘ભવિષ્યનું ભારત’ કાર્યક્રમ અંતર્ગત રાહુલ અને ડાબેરી નેતા સીતારામ યેચુરી સહિત અન્ય રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવી શકે છે.
રાહુલ ગાંધી પર વળતો પ્રકાર કરતાં સંઘના પ્રવક્તા રાજીવ તુલીએ કહ્યું કે, રાહુલ ગાંધીને દિવસ રાત આરએસએસના સપનાં આવે છે, એમણે અમારી નહિ, પોતાની પાર્ટીની ચિંતા કરવી જોઈએ. રાહુલ આરએસએસના સપનાં જોવે છે, એટલે એમની પાર્ટી ૪૪ પર આવી ગઈ છે. એવું ન થાય કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સીટ એનાથી પણ ઘટી જાય! તુલીએ ઉમેર્યું હતું કે, અમે રાહુલ ગાંધીના સલાહકારોને કહેવા ઇચ્છીએ છીએ કે રાહુલ ગાંધીએ એક વખત સંઘની શાખામાં આવવું જોઈએ અને એક વર્ષ સંઘમાં વિતાવવું જોઈએ. આ પછી એમને દેશના આત્મા અને સંસ્કૃતિનું જ્ઞાન થઈ જશે. ગાંધીએ પ્રણવ મુખરજી પાસેથી શીખવું જોઈએ, જેમને દેશની સંસ્કૃતિ અને દેશ અંગેનું જ્ઞાન છે.
------------------------------------------------------
હું વડા પ્રધાન બનવાનું વિચારતો નથી
પત્રકારોએ જ્યારે રાહુલને પૂછયું કે શું તમે ભારતના ભાવિ પીએમ બનવાનું વિચારો છો? ત્યારે તેમણે કહ્યું કે, ‘હું આવું સપનું જોતો જ નથી. હાલ હું વડાપ્રધાન બનવા વિશે વિચારતો પણ નથી. મારી જાતને વિચારધારાની લડાઈ લડનારા તરીકે નિહાળું છું. આજે ભારત અને ભારતીયતા ખતરામાં છે, અમારે તેનું રક્ષણ કરવાનું છે. મારું સૌથી પહેલું મિશન કોંગ્રેસ અને વિપક્ષો દ્વારા સાથે મળીને દેશમાં સંઘ અને ભાજપને સત્તા પરથી હટાવવાનું છે.’ રાહુલે જણાવ્યું કે ૨૦૧૪ બાદ તેમનામાં આ ફેરફાર આવ્યો છે. ચૂંટણી બાદ અમે નક્કી કરીશું કે પાર્ટીની આગેવાની કોણ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન ભારતીયો અને તેમના પૂર્વજોનું અપમાન કરે છે. આ લોકોએ દેશની આઝાદીની લડાઈમાં જાન કુરબાન કર્યા હતા તેમનું અપમાન કરાઈ રહ્યું છે.
લંડનમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ગત ૭૦ વર્ષમાં કશું જ કરાયું નથી તેમ કહીને વડા પ્રધાન મોદીએ કોંગ્રેસનું નહિ, દરેક ભારતીયોનું અપમાન કર્યું છે.
================
રાહુલે દેશને બદનામ કરવાની સોપારી લીધીઃ દેશમાં ફક્ત કોંગ્રેસને જ ખતરોઃ ભાજપ
લંડનઃ રાહુલ ગાંધીએ સંઘ અંગે કરેલા આક્ષેપોનો જવાબ આપતાં ભાજપે કહ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખે દેશને બદનામ કરવાની સોપારી લઈ રાખી છે. તેઓ સાંસ્કૃતિક સંગઠનને આતંકવાદી સંસ્થા તરીકે ગણાવી રહ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુંકે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી જેવા નેતાઓનું બેકગ્રાઉન્ડ આરએસએસ છે અને રાહુલ ગાંધીએ આરએસએસની સરખામણી મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી તે તેમની અપરિપકવતા બતાવે છે. રાહુલનું આ નિવેદન માફીને લાયક નથી.
પાત્રાએ એવો સવાલ કર્યો હતો કે શું રાહુલે દેશને બદનામ કરવા માટેની સોપારી લીધી છે? ભારતની વિદેશમાં પ્રશંસા કરવાને બદલે રાહુલ દેશનું અપમાન કરી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું. ‘રાહુલ શા માટે લોકશાહીને ધિક્કારે છે? તેમને કેમ હિન્દુઓ પ્રત્યે ઈર્ષા છે?’તેવો સવાલ પાત્રાએ કર્યો હતો. ભાજપે તીખી પ્રતિક્રિયા આપી કહ્યું હતું કે દેશમાં ફક્ત કોંગ્રેસને જ ખતરો છે. દેશમાં કેટલાક પક્ષો ડરાવવાની વાતો કરે છે કે અલ્પસંખ્યકો ખતરામાં છે પણ ફક્ત કોંગ્રેસના અસ્તિત્વ સામે જ ખતરો છે. ગરીબો અને અલ્પસંખ્યકોને રોજગારી, આઈએસઆઈએસ સાથે જોડાવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં તેવા રાહુલ ગાંધીનાં નિવેદન અંગે રાહુલ ગાંધી માફી માગે તેવી માગણી ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કરી હતી.