લંડનઃ વિકૃત માનસના જ્યોર્જ થોમસને મધ્ય અને દક્ષિણ લંડનની કાફે નીરો અને સ્ટારબક્સ સહિત આઠ જેટલાં હાઈ સ્ટ્રીટ કાફેમાં ૩,૦૦૦થી વધુ ગ્રાહકોની અશ્લીલ ફિલ્મ ઉતારવા બદલ લંડન ક્રાઉન કોર્ટે ચાર વર્ષ જેલની સજા ફરમાવી હતી. તેનુ નામ સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં દાખલ કરાયું છે. થોમસે કોફી શોપ્સના ટોઈલેટ્સમાં કેમેરા ગોઠવ્યા હતા અને બાળકો સહિત ગ્રાહકોની ગુપ્ત ફિલ્મો ઉતારી હતી. તેણે પોતાના કામના સ્થળે ચેન્જિંગ રૂમ્સ અને ટોઈલેટમાં પણ આવી ફિલ્મો ઉતારી હતી.
ગુપ્ત કેમેરા સમક્ષ પોતાનો ચહેરો પણ દર્શાવતા ૩૮ વર્ષીય થોમસ પોલીસના સકંજામાં આવ્યો હતો. ડેપ્ટફર્ડની ગ્લેશેર સ્ટ્રીટના થોમસે ગુપ્તપણે લોકોના જાતિય અંગો નિહાળવાના (voyeurism) તેમજ બાળકોની અશ્લીલ છબી ઉતારવાના ગુનાઓની કોર્ટમાં કબૂલાત કરી હતી. પોલીસે ૬૫૦ કલાકના રેકોર્ડિંગ્સ નિહાળ્યા હતા.
થોમસના અગાઉના કાર્યસ્થળે સ્ટાફ સભ્યને યુનિસેક્સ શાવરરૂમમાં કેમેરા દેખાયા પછી પોલીસની તેની કામગીરી નજરમાં આવી હતી. પોલીસને કેમેરા ફૂટેજમાં થોમસનો ચહેરો અને કોફી શોપ્સમાં લેવાયેલી તસવીરો જોવા મળી હતી. તેના પૂર્વ એમ્પ્લોયરે થોમસને ઓળખી કાઢ્યા પછી તેની ધરપકડ કરાઈ હતી.