લંડનઃ દર વર્ષે માર્ચ મહિનાના બીજા સોમવારે ૫૩ દેશો સંયુક્તપણે આધુનિક કોમનવેલ્થના વૈશ્વિક અને વૈવિધ્યસભર પરિવારના સભ્યો તરીકે જે કડીઓથી જોડાયેલાં તેની ઉજવણી કરે છે. આ વર્ષના કોમનવેલ્થ દિવસે બકિંગહામ પેલેસ નજીક કન્સ્ટિટ્યુશન હિલમાં મેમોરિયલ ગેટ્સ ખાતે વિશાળ મેદની એકત્ર થઈ હતી. મિનિસ્ટર્સ, કોમનવેલ્થ પ્રતિનિધિઓ, સર્વિસ પર્સોનલ્સ, પીઢ સૈનિકો તેમ જ સિટી ઓફ લંડન સ્કૂલ કમ્બાઈન્ડ કેડેટ ફોર્સના બાળકો એન્યુઅલ સર્વિસ માટે હાઈડ પાર્ક કોર્નર પાસે એકત્ર થયા હતા.
આ મેમોરિયલ ભારતીય ઉપખંડ, આફ્રિકાસ કેરેબિયન્સ અને નેપાળમાંથી બે વિશ્વ યુદ્ધોમાં લશ્કરી દળોમાં સેવા આપનારા લોકોને સમર્પિત છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં લશ્કરી દળોની સાથે સ્વૈચ્છિક સેવા માટે ભારતીય ઉપખંડ, આફ્રિકા, કેરેબિયન્સ અને નેપાળમાંથી જોડાયેલાં પાંચ મિલિયન સ્ત્રી-પુરુષોના માનમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ૬ નવેમ્બર, ૨૦૦૨ના દિવસે કન્સ્ટિટ્યુશન હિલમાં મેમોરિયલ ગેટ્સનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું હતું. આ સ્ત્રી-પુરુષો અને તેમના વંશજો, કોમનવેલ્થ પરિવારના સભ્યો બ્રિટિશ સમાજની સમૃદ્ધ વૈવિધ્યતામાં જે પ્રદાન આપી રહ્યાં છે તેની ઉજવણી પણ આ સ્મારક કરે છે.
મેમોરિયલ ગેટ્સ કાઉન્સિલના ચેરમેન બેરોનેસ શ્રીલા ફ્લેધરે જણાવ્યું હતું કે, ‘ભારતીય ઉપખંડ, આફ્રિકાસ કેરેબિયન્સ અને નેપાળમાંથી આશરે પચાસ લાખ સ્વયંસેવકોએ બે વિશ્વ યુદ્ધોમાં આપેલી સેવા અને બલિદાનને યાદ કરવા આ સમારંભ યોજાયો છે. આપણે પ્રથમ વિશ્વ યુદ્ધની વર્ષગાંઠોમાંથી આગળ વધીએ અને ચોક્કસ પ્રસંગો અને તારીખો યાદ કરીએ ત્યારે ૧૯૧૪ના યુરોપિયન સંઘર્ષમાં જોડાનારું પ્રથમ સ્ટેન્ડિંગ આર્મી ભારતનું હતું તેનું સ્મરણ થાય છે.
ઘણાં લોકો વારંવાર આવતા નથી ત્યારે જ્હોન મેજરની આ મેમોરિયલની ત્રીજી મુલાકાત છે. વર્તમાન સેક્રેટરી ઓફ સ્ટેટ પણ પ્રથમ વખત અહીં ઉપસ્થિત છે. મારા પિતા અહીં વિદ્યાર્થી હતા અને ગાંધીજીના શબ્દોથી પ્રેરાઈને તેઓ યુદ્ધમાં સ્વૈચ્છિકપણે જોડાયા હતા. મારા અને આપણા સહુ માટે ભારતીયો, આફ્રિકનો અને વેસ્ટ ઈન્ડિયન્સને યાદ કરવાની મહામૂલી તક છે. અસંખ્ય લોકોએ અનેક રીતે સહન કર્યું હતું. મહાન યુદ્ધમાં સંકળાયેલી લઘુમતીઓને યાદ કરવા તમે સહુ અહીં એકત્ર થયા છો તેનો મને આનંદ છે.’
સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ અને સાંસદ એરિક પિકલ્સે જણાવ્યું હતું કે, ‘બન્ને વિશ્વ યુદ્ધોમાં આઝાદી અને સ્વતંત્રતાના મૂલ્યોના રક્ષણ માટે સમગ્ર કોમનવેલ્થમાંથી લાખો સૈનિકો જુલ્મ અને દમનની કાળી તાકાતોને પરાજિત કરવા એકસાથે યુદ્ધમાં જોડાયા હતા. કોમનવેલ્થનો દરએક દેશ આ ગૌરવપૂર્ણ ઈતિહાસનો સહભાગી છે. આ સાથે આપણે ભાવિ સહકાર માટે વિશાળ તક આપતાં મૂલ્યોથી પણ સંકળાયેલા છીએ.’
ફિલ્ડ માર્શલ ધ લોર્ડ ગુથ્રીએ એક સદી અગાઉ આ જ સપ્તાહે ખેલાયેલી નેવુ ચેપલની લડાઈનું વર્ણન કર્યું હતું. આ લડાઈની સફળતામાં બારતીય લશ્કેરે મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આ મેમોરિટલ ગેટ્સ સામ્રાજ્યના વફાદાર સભ્યોએ સંઘર્ષોમાં આપેલા સાથ માટે યુનાઈટેડ કિંગ્ડમ અને ડોમિનિયન્સ તેમનું કેટલું ઋણી છે તેની કદર કરે છે. અમે તેમની સેવા અને તેમના બલિદાનનું સન્માન કરીએ છીએ.’
પ્રિન્સ ઓફ વેલ્સના પ્રતિનિધિ તરીકે ફિલ્ડ માર્શલ સર જ્હોન ચેપલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારતીય હાઈ કમિશનર રંજન મથાઈ સહિત હાઈ કમિશનરો અને રાજદૂતો, વિવિધ કોમ્યુનિટીની સંસ્થાઓ અને સંગઠનોના પ્રતિનિધિઓ સહિત અગ્રણીઓએ પુષ્પાંજલિ દ્વારા આદર અને સન્માન વ્યક્ત કર્યા હતા. આ સર્વિસમાં પૂર્વ વડા પ્રધાન જહોન મેજર, લંડનના બિશપ ડો. રિચાર્ડ ચાર્ટ્રેસ, લાન્સ સાર્જન્ટ જહોન્સન બેહારી VC પણ ઉપસ્થિત હતા.
(ફોટો સૌજન્યઃ રાજ........ એક્સ્પ્રેશન્સ ફોટોગ્રાફી)