લંડનઃ બંધક સ્ત્રીઓને કાબુમાં રાખવા હિંસા, ડર અને સેક્સ્યુઅલ હીણપતનો ઉપયોગ કરનારા માઓવાદી પંથના ૭૫ વર્ષીય નેતા અરવિંદન બાલક્રિષ્નન ઉર્ફ કોમરેડ બાલાને જાતીય હુમલાના સંખ્યાબંધ ગુના માટે સધર્ક ક્રાઉન કોર્ટ દ્વારા દોષિત ઠરાવાયો છે. તેને ૨૯ જાન્યુઆરીએ સજા જાહેર કરાશે, જે લાંબા સમય માટે હોવાની શક્યતા છે. ઈશ્વર જેવી શક્તિ હોવાનો દાવો કરતા અરવિંદને બે અનુયાયી પર બળાત્કાર કર્યો હતો તેમજ પોતાની પુત્રી ફ્રાનને સાઉથ લંડનના કોમ્યુનમાં ૩૦ કરતા વધુ વર્ષ બંધક બનાવી રાખી તેના પર અત્યાચારો કર્યા હતા.
નોર્થ લંડનના એન્ફિલ્ડના રહેવાસી અરવિંદનને અશ્લીલ હુમલાના છ કાઉન્ટ, બળાત્કારના ચાર અને શારીરિક ઈજાના બે કાઉન્ટ માટે દોષિત ગણાવાયો હતો. તેણે ૧૬ વર્ષથી ઓછી વયના બાળક પર અત્યાચાર પણ ગુજાર્યો હતો. બાલક્રિષ્નનની પુત્રી ફ્રાનનો જન્મ કોમ્યુનમાં થયો હતો. ફ્રાને ચુકાદા અંગે ખુશી દર્શાવવા સાથે પોતાને પાંખ કપાયેલા અને પિંજરામાં બંધ પક્ષી સાથે સરખાવી હતી. તેને બંધનમાં રખાઈ હતી અને ૩૦ વર્ષની વયે ૨૦૧૩માં એક ચેરિટીની મદદથી તેના સહિત બે મહિલા નાસી છુટવામાં સફળ થઈ હતી.
સિંગાપોરથી ૧૯૬૩માં યુકે આવેલા બાલક્રિષ્નને સાઉથ લંડનના બ્રિક્સટનમાં માઓવાદી કોમ્યુન સ્થાપ્યું હતું. તેણે અનુયાયીઓ પર ભારે પ્રભાવ પાથર્યો હતો. તેની અનુયાયી સીઆન ડેવિસ ઉર્ફ કોમરેડ સીઆનની કુખે પુત્રીનો જન્મ થયો હતો. પંથના કોમ્યુનના ઘરની બારીમાંથી પડવાના કારણે ૧૯૯૬માં કોમરેડ સીઆનને ગંભીર ઈજા થઈ હતી. તેના મૃત્યુની ફાઈલ ફરી ખોલવામાં આવી છે.