લંડનઃ બાંગલાદેશી કોમ્યુનિટી સેન્ટરમાં હિંસક મારામારી અને તોડફોડના પગલે પોલીસે ૧૩ વ્યક્તિની ધરપકડ કરી હતી. લીડ્ઝસ્થિત સેન્ટરની દ્વિવાર્ષિક સામાન્ય સભામાં રોષે ભરાયેલા ટોળાએ ખુરશીઓ ફેંકી હતી અને મારામારીને શાંત કરવા આવેલા પોલીસ અધિકારીઓ સાથે પણ ઘર્ષણ થયું હતું. આ ઘટનામાં ઘણાંને ઈજા થઈ હતી. સ્થાનિક લેબર કાઉન્સિલર આરિફ હુસૈને આ હિંસક ઘટનાને વખોડી કાઢી હતી.
આ ઘટનાની મોબાઈલ ક્લીપ ફેસબુક અને યુટ્યૂબ પર ફરતી થઈ હતી. બેઠકમાં આવેલી ૨૦-૨૫ વ્યક્તિએ સેન્ટરના સંચાલન અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને મામલો બીચક્યો હતો. બેઠકમાં ૮૦-૯૦ લોકો હાજર હતા અને આશરે ૪૦થી ૫૦ લોકો મારામારી કરી રહ્યા હતા. છ ઈજાગ્રસ્તને સારવાર અપાઈ હતી. ૧૦૦,૦૦૦થી વધુ લોકોએ ઓનલાઈન વીડિયો નિહાળ્યો હતો.