નડિયાદઃ શહેરના જાણીતા ડોક્ટર અને હાલ લંડનમાં સ્થાયી થયેલા હબીબભાઇનું કોરોનાના કારણે મૃત્યુ નીપજતાં સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ૧૫ વર્ષથી લંડનની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા હબીબભાઇ કોરોના દર્દીઓની સારવાર દરમિયાન ખુદ પણ કોરોનાનો ભોગ બન્યા હતા.
ડો. હબીબભાઇ ૨૦૦૪માં પત્ની મરિયમબહેન અને પુત્ર સમીરભાઈ સાથે લંડનમાં સ્થાયી થયા હતા. અહીં તેઓ પ્લમ્સ્ટેડના બ્લેવેરી રોડ વિસ્તારમાં રહેતા હતા. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી લંડનની એનએચએસમાં વ્હિપ્સ ક્રોસમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરતા હતા.
લંડનમાં કોરોનાનો કહેર વ્યાપક બન્યા બાદ ૬૪ વર્ષીય ડો. હબીબભાઈને હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી સોંપવામાં આવી હતી અને બે વોર્ડના દર્દીઓની સારવારની જવાબદારી તેમના શીરે હતી.
પખવાડિયા અગાઉ અચાનક તેમને તાવ આવતા નજીકની એલિઝાબેથ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની તબિયત વધુ કથળતાં તેમને લંડનની જાણીતી સેન્ટ થોમસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અહીં સૌપ્રથમ તેમને ઓક્સિજન અપાયો હતો અને ત્યારબાદ વેન્ટિલેટર પર રખાયા હતા. જોકે ૧૪મી એપ્રિલની રાત્રે ૮ વાગ્યાની આસપાસ તેમના શરીરે અચાનક વેન્ટિલેટરને પણ રિસ્પોન્સ આપવાનું બંધ કરતાં આખરે સ્થાનિક ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.