લંડનઃ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને પ્રિવિ કાઉન્સિલની બેઠકમાં હાજર રહી ક્વીનને મળવાનો ધરાર ઈનકાર કર્યો હતો. તેમણે પોતાની વ્યસ્તતાનું કારણ આગળ ધરી પ્રિવિ કાઉન્સિલમાં જોડાવાનું આમંત્રણ નકાર્યું હતું. પરંપરાગત સમારંભમાં ગેરહાજર રહેનારા તેઓ વિપક્ષના પ્રથમ નેતા હશે. દેશના બંધારણીય વડાની આવી અવજ્ઞા બદલ કોર્બીનની ભારે ટીકા કરાઈ છે. પ્રિવિ કાઉન્સિલે પાર્લામેન્ટના સાંસદોને લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીનને ‘રાઈટ ઓનરેબલ’નું સંબોધન નહિ કરવાની સૂચના આપી છે. પ્રિવિ કાઉન્સિલના સભ્ય હોય તેમને જ આ સંબોધનનું સન્માન મળે છે.
જોકે, કોર્બીને કાઉન્સિલના સભ્ય તરીકે સોગંદ લીધા ન હોવાથી તેઓ આ સંબોધનને પાત્ર નહિ હોવાનું કાઉન્સિલે જણાવ્યું છે. હાઉસ ઓફ કોમન્સ અને પ્રિવિ કાઉન્સિલની વેબસાઈટ પરથી આ સંબોધન હટાવી લેવાયું છે. કોર્બીન જ્યારે કાઉન્સિલના સભ્ય બનશે ત્યારે જ તેઓ આ સંબોધનને લાયક ગણી શકાશે.
કટ્ટર રિપબ્લિકન લેબર નેતા આ પ્રતિષ્ઠિત સંસ્થામાં શપથવિધિમાં ભાગ લેશે તેવી ધારણા હતી. શપથવિધિમાં સભ્યે રાજવીની સમક્ષ વાંકા વળી નીચે બેસીને તેમનો હાથ ચુમવાનો રહે છે અને પોતાની વફાદારી જાહેર કરવાની રહે છે. તેઓ ક્વીનને મળ્યા વિના જ પ્રિવિ કાઉન્સિલના સભ્ય બનવાના છીંડાનો ઉપયોગ કરશે તેમ મનાય છે. કાઉન્સિલ સભ્યની ગેરહાજરીમાં તેને નિયુક્ત કરી શકે છે. કોમનવેલ્થ દેશના નેતાઓ માટે આ પધ્ધતિ વપરાય છે.
જોકે, કોર્બીનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોર્બીન અગાઉના કમિટમેન્ટ્સના કારણે હાજર રહી શકે તેમ ન હતા. તેમને અન્ય કોઈ દિવસે આમંત્રણ અપાશે. ઉલ્લેખનીય છે કે ડેવિડ કેમરન ટોરી નેતા બન્યાના ત્રણ મહિના પછી પ્રિવિ કાઉન્સિલમાં જોડાયા હતા. કોર્બીન ૧૨ સપ્ટેમ્બરે લેબર પાર્ટીના નેતાપદે ચૂંટાયા પછી વડા પ્રધાન કેમરને તેમને અભિનંદન આપવા સાથે પ્રિવિ કાઉન્સિલમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. ગયા મહિને બેટલ ઓફ બ્રિટન સમારંભમાં બ્રિટિશ રાષ્ટ્રગીત ન ગાવા બદલ પણ કોર્બીનની આકરી ટીકા કરાઈ હતી.