લંડનઃ કોવિડ મહામારી દરમિયાન લંડનમાં એશિયનો વિરુદ્ધ રેસ હેટ ક્રાઈમમાં લગભગ ૧૮૦ ટકાનો ભારે ઉછાળો નોંધાયો હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. મેયર સાદિક ખાને ૯/૧૧ના ત્રાસવાદીના હુમલાની ૨૦મી વર્ષગાંઠે રેસિઝમ, કટ્ટરતાવાદ અને ઉદ્દામવાદને હલ કરતા પ્રોજેક્ટ માટે વધારાના ૪૦૦,૦૦૦ પાઉન્ડના ફંડની જાહેરાત કરી છે.
મેટ પોલીસના આંકડા અનુસાર એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ના ગાળામાં સમગ્રતયા જાતિના તિરસ્કારના અપરાધોનો આંકડો ૨૦,૩૭૬નો થયો હતો જે અગાઉના ૧૨ મહિનાના ગાળામાં ૧૭,૭૭૧ હતો અનો ૧૫ ટકાનો વધારો સૂચવે છે. જોકે, ઈસ્ટ અને સાઉથ ઈસ્ટ એશિયન બેકગ્રાઉન્ડ ધરાવનારા લોકો માટે આવા અપરાધોમાં ૧૭૯ ટકાનો વધારો જોવાયો હતો. રેસિસ્ટ લોકોએ કોરોના મહામારીના ગાળામાં ચાઈનીઝ, જાપાનીઝ, ફિલિપિનો, કોરિયન, થાઈ અને વિયેટનામી મૂળના લોકો પર હુમલા સહિત ખરાબ વ્યવહાર કર્યો હતો.
જૂન મહિનામાં વેમ્બલી ખાતે યુરો-૨૦૨૦ ફાઈનલમાં પેનલ્ટીઝ ચૂકી જવાયા પછી ઈંગ્લેન્ડના અશ્વેત ફૂટબોલર્સ માર્કસ રેશફોર્ડ, જાડોન સાન્ચો અને બુકાયો સાકાને નિશાન બનાવાયા હતા. થ્રી લાયન્સના ખેલાડીઓને ૬૦૦થી વધુ જાતિવાદી ટીપ્પણીઓ મોકલાઈ હતી જેમાંથી ૨૦૭ ક્રિમિનલ હોવાનું જણાયું હતું. મેયર ખાને યુગવના સર્વેને ટાંકતા જણાવ્યું હતું કે ત્રણમાંથી એક વ્યક્તિ અગાઉ રેસિઝમને ગંભીર સમસ્યા માનતા ન હતા પરંતુ, ટુર્નામેન્ટ પછી તેને સમસ્યા માનવા લાગ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે અતિ જમણેરી જૂથો દ્વારા ૧૩ વર્ષ જેટલા ટીનેજર્સની પણ ભરતી કરાઈ રહી છે.
કોમ્યુનિટીઝને ઉગ્રવાદ, હેટ ક્રાઈમ અને નબળા લંડનવાસીઓને ઉદ્દામવાદમાં ભરતી કરાવાનું અટકાવવામાં મદદ કરવા માટે ખાને વધારાના ૪૦૦,૦૦૦ પાઉન્ડના ફંડની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષથી સપોર્ટ કરાયેલા પ્રોજેક્ટ્સથી ૨૫,૦૦૦ લોકોને સીધો લાભ મળ્યો હતો અને ૬૦૦,૦૦૦થી વધુ લોકો સુધી તે પ્રોજેક્ટ્સના ફળ પહોંચ્યા હતા.