લંડનમાં રહેતા કલ્પનાબેન પટેલને ગઈ ૮ જાન્યુઆરીએ રાત્રે ગળામાં સોજા જેવું લાગ્યું. તેમનો અવાજ પણ બેસી ગયો. તેમના પરિવારજનોએ તેમને કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવાની જરૂર હોવાનું કહ્યું. તેમની પુત્રીએ ટેસ્ટ માટે હિથરો (માત્ર ડ્રાઈવ ઈન) E2 સ્ટાફ કાર પાર્ક ખાતેનો ૧૦ જાન્યુઆરીનો બપોરે ૨.૩૦ વાગ્યાનો ટાઈમ લીધો. ૧૦મીએ તેઓ બે વાગે જ ત્યાં પહોંચી ગયા. પ્રવેશ દ્વાર પાસે હાજર બે વ્યક્તિઓએ તેમના પેપર્સ માગ્યા અને ચેક કર્યા. તેમણે તેમને જાતે જ ટેસ્ટ કરી શકશે કે કેમ તે પૂછ્યું. કલ્પનાબેને કહ્યું કે તેઓ પહેલી વખત આવ્યા છે. ત્યારે તેમણે તેમને એક જગ્યાએ જવા કહ્યું. કલ્પનાબેનના કહેવા મુજબ ત્યાંનુ આયોજન ખૂબ વ્યવસ્થિત હતું. વધુ પડતા લોકો પણ ન હતા. માત્ર થોડીક જ કાર હતી. ત્યાં ઘણાં ટેસ્ટીંગ સ્ટેશન્સ હતા. તેઓ નજીકના સ્ટેશને પહોંચ્યા ત્યાં એક મહિલા કેબિનમાંથી બહાર આવ્યા અને તેમના ટેસ્ટ પેપર્સ લઈને વિગતો ચેક કરી. પછી તે સ્નોબનું પેક લાવ્યા. કલ્પનાબેનના પતિ કારમાં જે સાઈડે બેઠા હતા ત્યાંની વિન્ડો ખોલતા પહેલા તેમાના નાક અને ગળામાંથી સેમ્પલ લીધું. આ જ રીતે કલ્પનાબેન જે સાઈડ પર બેઠા હતા તેની વિન્ડો ખોલાવીને પણ તેમના સેમ્પલ લીધાં. કલ્પનાબેને ઉમેર્યું કે ટેસ્ટની આ આખી પ્રોસેસમાં માત્ર ૧૫ મિનિટ લાગી. સરકારે સૌને માટે ખૂબ સુંદર વ્યવસ્થા અને સુવિધા ઉભી કરી છે. ૧૧મીએ રાત્રે તેમના ટેસ્ટનુ રિઝલ્ટ નેગેટિવ આવ્યું. NHS તરફથી પણ તેમને આ રિપોર્ટનો ઈમેલ મોકલવામાં આવ્યો હતો.