લંડનઃ કોરોના મહામારીની આર્થિક અસર લંડનની વસ્તી પર પણ થશે તેમ એકાઉન્ટન્સી ફર્મ પ્રાઈસવોટરકૂપર (PwC)નો રિપોર્ટ જણાવે છે. લંડનમાં રહેવાસીઓની સંખ્યામાં આ વર્ષે ૩૦૦,૦૦૦થી વધુનો ઘટાડો થઈ શકે કારણકે મહામારી પછી લોકો લંડનમાં રહેવા બાબતે ફેરવિચાર કરી રહ્યા છે. જો આમ થશે તો લંડનની વસ્તી ૨૦૨૦માં આશરે ૯ મિલિયન હતી તે ઘટીને ૮.૭ મિલિયન થઈ જશે. ૧૯૮૮ પછી વિકાસ અને વૃદ્ધિના દાયકાઓમાં પહેલી વખત બ્રેક વાગશે. બીજા વિશ્વ યુદ્ધ પછી બોમ્બમારા અને આગના કારણે લંડનની વસ્તીમાં ભારે ઘટાડો નોંધાયો હતો. ૧૯૩૯માં વસ્તી આશરે ૮.૬ મિલિયન હતી તે ઘટીને ૬.૮ મિલિયન થઈ ગઈ હતી.
કોરોના વાઈરસ મહામારી દરમિયાન લોકડાઉનમાં જીવવાની પરિસ્થિતિ તેમજ ઘરમાં રહી કામ કરવાને અપાયેલા પ્રોત્સાહનથી અન્યત્ર રહેવા જવાનું વિચારતા લંડનવાસીઓની સંખ્યા વધી રહી છે. આ ઉપરાંત, લંડન આવનારા ગ્રેજ્યુએટ્સની સંખ્યા ઘટી છે, રાજધાનીમાં નોકરીઓની તક ઓછી છે તેમજ મહામારી અને બ્રેક્ઝિટના કારણે સિટીમાં આંતરરાષ્ટ્રીય માઈગ્રેશનનું ઘટેલું પ્રમાણ જેવાં પરિબળો પણ કામ કરી રહ્યા છે. ૨૦૧૬ના બ્રેક્ઝિટ રેફરન્ડમ પછી યુકેમાં ચોખ્ખું ઈયુ માઈગ્રેશન ઘટતું રહ્યું છે અને ૨૦૨૧માં તો યુકેમાંથી ઈયુ જનારા લોકોની સંખ્યા વધવા સાથે તે નેગેટિવ બની શકે છે.
PwCનો રિપોર્ટ એમ પણ જણાવે છે કે એક સદી અગાઉ નોંધણીઓ શરુ કરી તે પછી યુકેમાં વાર્ષિક જન્મદર સૌથી તળિયે પહોંચશે જેનાથી ૨૦૨૧માં ‘baby bust’ જોવા મળી શકે છે. લંડનની વસ્તી ઘટવાના સંકેતો સદીમાં પહેલી વખત જણાયા હતા. લંડન એસેમ્બલી દ્વારા ઓગસ્ટ ૨૦૨૦ના સર્વેમાં ૪.૫ ટકા એટલે કે ૪૧૬,૦૦૦ લંડનવાસીએ તેઓ આગામી ૧૨ મહિનામાં ચોક્કસપણે લંડન છોડશે તેમ જણાવ્યું હતું. સત્તાવાર આંકડા મુજબ દેશ ૩૦૦ વર્ષમાં સૌથી ગંભીર મંદીમાં સપડાયો છે ત્યારે યુકેમાં બેરોજગારી દર લંડનમાં સૌથી ઝડપી ગતિએ વધી રહ્યો છે. યુરોપના સૌથી મોટી રાજધાનીઓમાં નોકરીઓની તક ઘટી છે. મહામારી દરમિયાન લંડનમાં હોસ્પિટાલિટી, રીટેઈલ, લેઈઝર અને ટ્રાવેલના ક્ષેત્રોને ભારે અસર પહોંચી છે.