લંડનઃ સર્વાંગ સુંદર સ્મિત હાંસલ કરવાની ઈચ્છાએ કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી પાછળનો ખર્ચ વધારી દીધો છે. વધુ અને વધુ ગ્રાહકો દાંતને શ્વેત અને ચમકદાર બનાવતી લેસર પ્રક્રિયા, કોમ્પ્યુટરાઈઝ્ડ સ્માઈલ એનાલીસિસ અને વાંકા દાંતને સીધા બનાવવાની પ્રક્રિયાઓ માટે વધુ ખર્ચ કરવા તૈયાર થઈ રહ્યા છે. આના પરિણામે, ડેન્ટિસ્ટો પણ હસતા થયા છે.
ફાઈનાન્સિયલ નિષ્ણાતોએ જણાવ્યા અનુસાર સૌથી મોટી ૧૦૦ ડેન્ટલ ફર્મ્સના ટર્નઓવરમાં ચાર વર્ષમાં આશરે ૨૫ ટકાનો વધારો થયો છે. ૨૦૧૪માં આ પેઢીઓની ઓપરેટિંગ કોસ્ટ અગાઉની આવક અંદાજે £૧ બિલિયન એટલે કે દરેકના ભાગે £૧૦ મિલિયન જેટલી હતી. બ્રિટિશ લોકો મોટા પાયે કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી તરફ વળી રહ્યા છે, જેના પરિણામે અગ્રણી ડેન્ટિસ્ટોની આવકમાં ધરખમ વૃદ્ધિ થઈ છે. સત્તાવાર આંકડા મુજબ ઈંગ્લેન્ડમાં ૨૦૦ ડેન્ટિસ્ટ ખાનગી અને NHS પ્રેક્ટિસમાંથી વર્ષે £૩૦૦,૦૦૦થી વધુની આવક રળે છે.
આ વર્ષના આરંભે Which? દ્વારા કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે દાંતની સંભાળ માટે ચુકવણી કરતા પાંચમાંથી એક NHS પેશન્ટ પાસે વધુપડતો ચાર્જ વસુલાય છે. અભ્યાસ હેઠળના અને ગત છ મહિનામાં ડેન્ટિસ્ટની મુલાકાત લેનારા ૧૦૦૧ લોકોમાંથી અડધાએ સર્જરીમાં રખાયેલા પ્રાઈસ લિસ્ટ તરફ નજર પણ કરી ન હતી. ૧૯ ટકા પેશન્ટે જણાવ્યું હતું કે NHSમાં મળવાપાત્ર સારવારની સરખામણીએ તેમણે વધુ ચાર્જ ચુકવ્યો હતો.