બુધવારે સવારે ૬ વાગ્યાના સુમારે ક્રોયડનમાં ટ્રામ પાટા પરથી ખડી પડતાં ૭ મુસાફરોના મોત નિપજ્યાં હતા જ્યારે ૫૧ મુસાફરોને નાની મોટી ઇજાઅો થઇ હતી. પોલીસે ટ્રામના ડ્રાઇવરની અટકાયત કરી હતી. ઘાયલ થયેલા મુસાફરો ટ્રામમાં ફસાઇ ગયા હતા જેમને સૌને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા.
રેઇલ એક્સીડેન્ટ ઇન્વેસ્ટીગેશન શાખાના અધિકારીઅોએ જણાવ્યું હતું કે "અકસ્માત વખતે ટ્રામ તેની નિયત મર્યાદા કરતા વધુ ઝડપે જઇ રહી હતી.” લંડન એમ્બ્યુલન્સ સેવા દ્વારા જણાવાયું હતું કે કુલ ૮ જણાની ઇજાઅો ગંભીર છે. જ્યારે ૫૧ મુસાફરોને બે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રામ ૧૨ માઇલ પ્રતિ કલાકની સ્પીડ લીમીટ ધરાવતા વળાંક પરથી પસાર થથી હતી ત્યારે અકસ્માત થયો હતો. ડાબી તરફ વળતા પાટા પરનો આ વળાંક એટલો તિવ્ર હતો કે જો ઝડપ વધુ હોય તો ટ્રામ પાટા પરથી ઉતરી શકે તેમ હતી. નિયત કરતા વધારે સ્પીડથી પસાર થતી વખતે અોટોમેટીક બ્રેક લાગે તેવી કોઇ સીસ્ટમ ટ્રામમાં ફીટ કરાઇ નહોતી.
ટૂટીંગની સેન્ટ જ્યોર્જીસ હોસ્પિટલના જણાવ્યા મુજબ તેમને ત્યાં સારવાર લઇ રહેલા ૨૦ પૈકી ૪ની હાલત ગંભીર હતી. જ્યારે ક્રોયડન યુનિવર્સીટી હોસ્પિટલ (મે ડે)માં ૩૧ ઘાયલ મુસાફરોને લાવવામાં આવ્યા હતા, જ્યારે ૭ ઘાયલ મુસાફરો ચાલતા જ આવ્યા હતા.
પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેએ શોકની લાગણી વ્યક્ત કરી ઇમરજન્સી સેવાઅો અને સત્તાવાળાઅો સાથે સતત સંપર્કમાં છે તેમ જણાવ્યું હતું.
લંડનના મેયર સાદિક ખાને ઘટના સ્થળની મુલાકાત લઇ જણાવ્યું હતું કે "મૃતકોની સંખ્યા વધી શકે છે. હું ઇમરજન્સી સેવાઅો અને ટ્રાન્સપોર્ટ ફોર લંડનના અધિકારીઅોના સંપર્કમાં છું. પોલીસે આ માટે હેલ્પ લાઇનની શરૂઆત કરી છે જેનો નં. 0800 0560154. છે.”
ક્રોયડન સેન્ટ્રલના એમપી ગેવીન બાર્વેલે આ બનાવની ઝીણવટભરી તપાસ કરવા અપીલ કરી હતી.