લંડનઃ ડેવિડ કેમરન અને SNPના નેતા નિકોલા સ્ટર્જન વચ્ચે સોદાબાજીના પરિણામે સ્કોટલેન્ડ દ્વારા ક્વીનને અપાતા ભંડોળમાં કાપ મૂકાયો હોવાનો આક્ષેપ બકિંગહામ પેલેસે કરતા નવો વિવાદ સર્જાયો છે. આગામી વર્ષથી સ્કોટિશ સરકાર તેમના પ્રદેશની શાહી સંપત્તિની કમાણી પોતાની પાસે રાખે તેવી ધારણા છે, જેના કારણે શાહી પરિવારને £૧.૫ મિલિયન જેટલું નુકસાન થઈ શકે છે. જોકે, સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર સ્ટર્જને તેમની સરકાર શાહી પરિવારને નાણાકીય ફાળો ઘટાડવા ઈચ્છતી હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
£૧૫૦ મિલિયનના ખર્ચે બકિંગહામ પેલેસના સમારકામની કામગીરી વિચારાય છે ત્યારે આ વિવાદથી સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર સ્ટર્જન અને શાહી પરિવારના સંબંધો તંગ બની શકે છે. યુકે સાથે જ રહેવાના સ્કોટલેન્ડના નિર્ણયના પગલે ક્રાઉન એસ્ટેટની તમામ સ્કોટિશ મિલકતોનો અંકુશ સ્કોટિશ પાર્લામેન્ટ હસ્તક સુપરત કરાયો છે.
ક્વીનના વાર્ષિક હિસાબો જાહેર થવા સાથે એકાઉન્ટ્સ ઈન્ચાર્જ સર એલન રીડે ચિંતા દર્શાવતા જણાવ્યું હતું કે અન્ય ભંડોળમાં પડતી ખાધમાં સ્કોટલેન્ડ ભાગ નહિ આપે, જેના કારણે ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડના કરદાતાએ આ ખાધ પૂરવી પડશે. જોકે, તેમણે પછી માફી માગતા કહ્યું હતું કે સ્કોટલેન્ડ અથવા ફર્સ્ટ મિનિસ્ટરની ટીકા કરવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો. બીજી તરફ, સ્કોટિશ સરકારના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે શાહી પરિવારને અપાતા ફાળાનો અંત નહિ આવે કે તેમાં ઘટાડો પણ નહિ થાય.
૨૦૧૨માં સિવિલ લિસ્ટના સ્થાને આવેલી ધ સોવરિન ગ્રાન્ટ અનુસાર ક્રાઉન એસ્ટેટના નફાની સમકક્ષ ૧૫ ટકા રકમ સામાન્ય કરવેરામાંથી ક્વીનને ચુકવાય છે. ક્વીનને આ ગ્રાન્ટમાંથી £૪૦.૧ મિલિયન મળે છે, જે આગામી નાણાકીય વર્ષમાં વધીને £૪૨.૮ મિલિયન થશે. સ્કોટલેન્ડ રેફરન્ડમના પગલે ક્રાઉન એસ્ટેટના વિભાજનનો સૂચિત પ્રસ્તાવ અમલી બનશે તો સ્કોટલેન્ડમાં આવેલી તમામ ક્રાઉન સંપત્તિમાંથી મળતો નફો સ્કોટલેન્ડ રાખી શકશે. ૨૦૧૪-૧૫માં સ્કોટલેન્ડમાં ક્રાઉન એસ્ટેટ હોલ્ડિંગ્સને £૧૪.૬ મિલિયનનો નફો થયો હતો, જેના ૧૫ ટકા અથવા £૨.૧ મિલિયન સોવરિન ગ્રાન્ટના ફાળામાં ગયા હતા.