લંડનઃ ક્વીન એલિઝાબેથની ખાનગી આવક ૧૮ ટકાના વધારા સાથે £૧૬ મિલિયન સુધી પહોંચી હોવાથી તેમના કમાણીમાં પણ ભારે વધારો જોવા મળશે. ક્વીનની ૧૩મી સદીમાં સ્થાપિત અને ૧૮,૪૩૩ હેક્ટરમાં ફેલાયેલી પ્રાઈવેટ એસ્ટેટ ડચી ઓફ લેન્કેસ્ટરમાં જમીન, પ્રોપર્ટી અને એસેટ્સનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ડચીની રેવન્યુમાં ૧૮ ટકા અથવા £૨.૪ મિલિયનનો વધારો થયો છે. ક્વીન તેમની મળતી રેવન્યુ પર સ્વૈચ્છિક ઈન્કમ ટેક્સ ચુકવે છે.
ડચી ઓફ લેન્કેસ્ટરમાં ધ સ્ટ્રાન્ડમાં ઓફિસ બ્લોક્સથી માંડી હોલિડે હોમ્સ, બોલિંગબ્રોક કેસલ અને લિંકનશાયરમાં ટાઈડલ મડ્લેટ્સનો સમાવેશ થાય છે. રાણી એસ્ટેટની મૂડીને સ્પર્શી શકતાં નથી, પરંતુ પ્રોપર્ટીમાંથી થતો નફો તેમની ખાનગી આવકમાં જાય છે. ક્વીન આ નાણાનો ખર્ચ ઈચ્છાનુસાર કરે છે અને પ્રિન્સ એન્ડ્રયુ, પ્રિન્સ એડવર્ડ, પ્રિન્સેસ એન અને કાઉન્ટ્સ ઓફ વેસેક્સ સહિત તેમના પરિવારના સભ્યોને સત્તાવાર ફરજોના બદલામાં મદદ માટે કરી શકે છે કારણકેશાહી પરિવારના સભ્યો સિવિલ લિસ્ટ પેમેન્ટ્સનો અધિકાર ધરાવતા નથી.
ગયા વર્ષમાં ડચીએ મુખ્યત્વે રહેણાંક સહિત £૮.૨ મિલિયનની પ્રોપર્ટી વેચી હતી અને £૨૩.૪ મિલિયનનું રોકાણ કોમર્શિયલ માર્કેટમાં કર્યું હતું. બકિંગહામ પેલેસે જૂન મહિનામાં જાહેર કર્યા મુજબ ક્વીનને તેમની સત્તાવાર ફરજો બજાવવા માટે કરદાતાના ભંડોળમાંથી મળતી રકમમાં આગામી વર્ષે ૬.૬ ટકાનો વધારો થશે. સોવરિન ગ્રાન્ટ ૩૮ ટકાના ઉછાળા સાથે £૪૨.૭૫ મિલિયન થવાના કારણે ક્વીનના ભંડોળમાં વધારો થયો છે.