લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના ૯૦મા જન્મદિનની ઉજવણી માટે જૂન મહિનામાં આયોજિત પેટ્રન્સ પિકનિક લંચમાં મહેમાનદીઠ ૧૫૦ પાઉન્ડ ચાર્જ કરવાના નિર્ણયનો ક્વીનના ગ્રાન્ડસન પીટર ફિલિપ્સે બચાવ કર્યો છે. આ પાર્ટીમાં ક્વીન અને ડ્યુક ઓફ એડિનબરા તથા શાહી પરિવારના અન્ય સભ્યો પણ હાજરી આપશે. ધ મોલમાં આયોજિત સામૂહિક સ્ટ્રીટ પાર્ટીમાં ક્વીન સાથે સંકળાયેલી ૬૨૮ ચેરિટીઝ અને સંસ્થાઓના થઈ ૧૦,૦૦૦ જેટલા લોકોને આમંત્રણ અપાયું છે.
રોયલ ગાર્ડન પાર્ટીઝમાં આમંત્રિતો માટે નિઃશુલ્ક પ્રવેશ હોય છે. જોકે, આ પાર્ટીમાં કેન્સર રીસર્ચ યુકે સહિતની ચેરિટીઝે ૧૦ મહેમાનના ટેબલ માટે ૧,૫૦૦ પાઉન્ડ ચુકવવા પડશે. ફિલિપ્સની ઈવેન્ટ્સ કંપની સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડને આયોજન માટે અઢળક નાણા મળશે. જોકે, ફિલિપ્સ કહે છે કે તેમણે બકિંગહામ પેલેસ સાથે ‘નોટ ફોર પ્રોફિટ’ એગ્રીમેન્ટ કર્યો છે. યુનિલિવર, બીટી તેમજ એમ એન્ડ એસ સહિત કોર્પોરેટ જાયન્ટ્સ દ્વારા આ કાર્યક્રમ સ્પોન્સર કરવામાં આવ્યો છે. ડ્યુક ઓફ કેમ્બ્રિજ અને પ્રિન્સ હેરી આ ઈવેન્ટના જોઈન્ટ પ્રેસિડેન્ટ્સ છે. ટિકિટના વેચાણથી ૧.૫ મિલિયન પાઉન્ડ મળશે. ખર્ચ કાઢતા બાકી રકમ નવા પેટ્રન્સ ફંડને દાન કરી દેવાશે.