લંડનઃ હીથ્રો એરપોર્ટના ત્રીજા રન-વેના કારણે વિમાનોની અવરજવરથી સર્જાનારા ઘોંઘાટ સામે વિન્ડસર કેસલને સાઉન્ડપ્રૂફ બનાવવા મહારાણી એલિઝાબેથ દ્વિતીયને ૭૦૦ મિલિયન પાઉન્ડનું જંગી વળતર મળશે. હીથ્રો એરપોર્ટે રન-વે નજીકના રહેવાસીઓને ઘોંઘાટરહિત વ્યવસ્થાના નિર્માણ માટે વળતર આપવા એક બિલિયન પાઉન્ડના વળતરની યોજના તૈયાર કરી છે. ક્વીન એલિઝાબેથ સૌથી મોટાં લાભાર્થી બનશે.
સરકારની આગાહી અનુસાર હીથ્રો એરપોર્ટના ત્રીજા રન-વેથી વિન્ડસર કેસલ નજીક ફ્લાઇટોના માર્ગનાં ઇન્ટરસેકશનથી વધુપડતો ઘોંઘાટ થશે. ૮૯ વર્ષીય ક્વીન વીકએન્ડનો સમય ૯૦૦ વર્ષ જૂના અને ૧૩ એકર વિસ્તારમાં ફેલાયેલા લેન્ડમાર્ક સમાન વિન્ડસર કેસલ ખાતે વીતાવે છે. મહારાણીનું સત્તાવાર નિવાસસ્થાન હોવાથી કારણે દર વર્ષે આ મહેલને જોવા માટે હજારો સહેલાણીઓ આવે છે.