લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને ક્વીન્સ સ્પીચના માધ્યમથી પોતાની નવી કન્ઝર્વેટિવ સરકારનો એજન્ડા જાહેર કર્યો છે. તેમણે ‘એક રાષ્ટ્ર’ સરકારની ખાતરી આપવા સાથે કામ કરતા લોકોને સારા જીવનનિર્વાહ, ઘરની ખરીદી અને ભવિષ્ય માટે બચતની યોજનાઓ લાગુ કરવાનું પણ વચન આપ્યું છે. ૨૦૨૦ સુધીમાં પર્સનલ એલાવન્સને £૧૨,૫૦૦ સુધી વધારવાથી ૩૦ મિલિયન વર્કરને ઈન્કમ ટેક્સમાં રાહત મળશે. ક્વીને પ્રવચનમાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષ સુધી ઈન્કમ ટેક્સ, વેટ અને નેશનલ ઈન્સ્યુરન્સ ફાળાના દરો નહિ વધે તેની કાયદા દ્વારા ચોકસાઈ કરાશે. બન્ને પેરન્ટ્સ કામ કરતા હોય તેવાં સંજોગોમાં ૩ અને ચાર વર્ષ સુધીના બાળકો માટે સપ્તાહના ૩૦ કલાકની નિઃશુલ્ક બાળસંભાળ મળશે. જોકે, વેલ્ફેર ખર્ચ ઘટાડવા વેલ્ફેર બેનિફિટ્સ મર્યાદા ઘટાડી £૨૩,૦૦૦ કરવા, ટેક્સ ક્રેડિટ્સ અને ચાઈલ્ડ બેનિફિટ સહિત વર્કિંગ એજ વેલ્ફેર બે વર્ષ માટે સ્થિર રાખવા, ૧૮-૨૧ વયજૂથ માટે હાઉસિંગ બેનિફિટમાં કાપ મૂકવા સહિત પગલાં લેવાશે. આ ઉપરાંત, ગેરકાયદે ઈમિગ્રેશન ઘટાડવા સરકાર નવી સત્તા પણ મેળવશે. ક્વીને સ્કોટલેન્ડને ટેક્સેશન અને જાહેર ખર્ચ સહિત વધુ સત્તા આપવા સાથે સ્કોટિશ સાંસદો માત્ર ઈંગ્લેન્ડને લગતા કાયદાઓ વિશે મત આપી નહિ શકે તેમજ ઈયુમાં રહેવા કે બહાર જવાનો જનમત ૨૦૧૭ના અંત સુધી લેવાશે તેવી જાહેરાત પણ કરી હતી.
હ્યુમન રાઈટ્સ એક્ટ નાબૂદ કરવાની યોજના અભરાઈએ
સાંસદો અને ઉમરાવોના તીવ્ર વિરોધના પગલે માનવ અધિકાર કાયદાઓ રદ કરવાની વિવાદાસ્પદ ટોરી યોજના આખરે અભરાઈએ ચડાવી દેવાઈ છે. કન્ઝર્વેટિવ મેનિફેસ્ટોમાં યુરોપિયન જજીસની સત્તા પર કાપ મૂકતા અને વિદેશી ક્રિમિનલ્સ દ્વારા માનવ અધિકાર કાયદાઓના દુરુપયોગને અટકાવતા નવા ‘બ્રિટિશ બિલ ઓફ રાઈટ્સ’ દાખલ કરવાનું વચન અપાયું હતું. આ કાયદાથી સ્ટ્રાસબર્ગમાં યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સના જજીસ દ્વારા અપાતા ચુકાદાઓની સરકાર અવગણના કરી શકશે અને યુકેની સુપ્રીમ કોર્ટનો ચુકાદો આખરી ગણાશે. માનવ અધિકારના કારણે હદપાર કરી ન શકાય તેવી ક્રિમિનલ્સની દલીલો પર નિયંત્રણ મૂકાશે. હવે નવા જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવ દ્વારા વૈકલ્પિક ‘બ્રિટિશ બિલ ઓફ રાઈટ્સ’ તૈયાર કરવામાં એક વર્ષ જેટલો સમય લાગી જશે. જોકે આનાથી ટોરી બેકબેન્ચર્સમાં ચિંતા સર્જાશે તે નિશ્ચિત છે.
આગામી પાંચ વર્ષ સુધી ‘ટેક્સ લોક’ઃ લઘુતમ વેતનના વર્કરને ઈન્કમ ટેક્સ નહિ
કન્ઝર્વેટિવ પાર્ટીએ ચૂંટણીપ્રચારના આખરી તબક્કામાં આગામી પાંચ સુધી ‘ટેક્સ લોક’નું વચન આપ્યું હતું. ટોરીઝને ખર્ચ વધવાના કારણે ટેક્સ વધારવાની ફરજ પડશે તેવા લેબર પાર્ટીના દાવા સામે ડેવિડ કેમરને જાહેરાત કરી હતી કે તેઓ આગામી પાંચ વર્ષ સુધી વેટ, નેશનલ ઈન્સ્યુરન્સ ફાળો અથવા ઈન્કમ ટેક્સ વધારવા સામે કાનૂની પ્રતિબંધ લાવશે. સમગ્ર યુકેમાં આ કાયદા થકી વર્તમાન દરોને આ પાર્લામેન્ટની મુદત સુધી સ્થિર રાખવામાં આવશે. જોકે, આનાથી નાણાકીય કટોકટીના સંજોગોમાં ચાન્સેલરની આઝાદી છીનવાઈ જશે. પરંતુ સરકાર અન્ય સાધનો દ્વારા ટેક્સ વધારી શકે અથવા પાર્લામેન્ટની પાછલી મુદતમાં કાયદો નાબૂદ પણ કરી શકે છે.
બેનિફિટ્સ માટેની મર્યાદા વાર્ષિક £૨૩,૦૦૦, સ્થિર ટેક્સ ક્રેડિટ્સ
સરકાર વાર્ષિક £૧૨ બિલિયન કેવી રીતે બચાવવા ઈચ્છે છે તેની ઝલક ક્વીન્સ સ્પીચ આપે છે. ટેક્સ ક્રેડિટ્સ અને ચાઈલ્ડ બેનિફિટ સહિત વર્કિંગ એજ વેલ્ફેરને વર્ષ ૨૦૧૬-૧૭થી બે વર્ષ માટે સ્થિર રખાશે. નવા સૂચિત કાયદા મુજબ કોઈ પણ પરિવાર બેનિફિટ્સ તરીકે વાર્ષિક મહત્તમ £૨૩,૦૦૦ મેળવી શકશે, જે મર્યાદા અત્યાર સુધી £૨૬,૦૦૦ હતી.
નવા ‘અર્ન ઓર લર્ન’ સિદ્ધાંત હેઠળ ૨૧ વર્ષથી ઓછી વયના માટે બેનિફિટ્સ નિયંત્રિત કરાશે. આનો અર્થ એ છે કે ૧૮ વર્ષે સ્કૂલ છોડ્યા પછી યુવાનોએ નોકરી કરવી પડશે અથવા કોલેજમાં જવું પડશે. ૨૧ વર્ષથી ઓછી વયના યુવા વર્ગને હાઉસિંગ સપોર્ટ ક્લેઈમ કરતા અટકાવાશે અને જો તેઓ છ મહિના સુધી નોકરીમાં નહિ હોય તો તેમને એપ્રેન્ટિસશિપ અથવા તાલીમ મેળવવાની ફરજ પડાશે. જો તેઓ તેનો ઈનકાર કરશે તો બેનિફિટ્સ મેળવવા કોમ્યુનિટી વર્ક કરવું પડશે. ૧૮-૨૧ વયજૂથ માટે હાઉસિંગ બેનિફિટમાં કાપ મૂકવાની સરકારની યોજનાથી પેરન્ટ્સ સાથે રહી ન શકતા હજારો યુવાનો મુશ્કેલીમાં મૂકાશે તેમ નિષ્ણાતો જણાવે છે.
‘ઈંગ્લિશ ઓન્લી’ કાયદાઓ પર સ્કોટિશ સાંસદો મત આપી નહિ શકે
સરકાર ‘સ્કોટલેન્ડ બિલ’ દ્વારા હોલીરૂડને ઈન્કમ ટેક્સ, વેટ, એર પેસેન્જર ડ્યૂટી સહિત ટેક્સેશન અને ખર્ચ અંગે નવી નોંધપાત્ર સત્તાઓ આપશે પરંતુ સ્કોટિશ સાંસદોને માત્ર ઈંગ્લેન્ડને સંબંધિત કાયદાઓ પર મત આપતા પ્રતિબંધિત કરવામાં આવશે. ક્વીન્સ સ્પીચમાં સ્પષ્ટ કરાયું છે કે નવા રજૂ થનારા કાયદા ‘એ રીતે દાખલ કરાશે જેથી ઈંગ્લેન્ડના મતક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા બહુમતી સાંસદોની સંમતિથી જ નિર્ણયો લઈ શકાય.’
સ્વાતંત્ર્ય જનમત અગાઉ સરકારે સ્કોટિશ પ્રજાને આપેલાં વચનો પાળવા વેસ્ટમિન્સ્ટરની કેટલીક સત્તા સ્કોટલેન્ડને આપશે, જે અનુસાર સ્કોટિશ સરકાર દ્વારા થનારા ખર્ચાની અડધાથી વધુ રકમ સ્કોટિશ પાર્લામેન્ટે જ ઉભી કરવી પડશે. તે સ્કોટલેન્ડના ટેક્સીસની ૪૦ ટકા અને જાહેર ખર્ચની ૬૦ ટકા રકમના નિર્ણય માટે જવાબદાર રહેશે. સ્કોટિશ પાર્લામેન્ટને ઋણ લેવા અને વેલ્ફેર અંગે વધારાની સત્તા મળશે પરંતુ, સ્કોટલેન્ડમાં વધારાના જાહેર ખર્ચ પર અંકુશ રાખતી બાર્નેટ ફોર્મ્યુલા જાળવી રખાશે.
ગેરકાયદે ઈમિગ્રેશન અટકાવતી નવી સત્તાઓ
ગેરકાયદે ઈમિગ્રેશન પર તૂટી પડવાની નવી સત્તાઓ વિદેશી ક્રિમિનલ્સને હદપાર કરવા તેમજ ગેરકાયદે વર્કર્સના વેતન જપ્ત કરવાનું સરકાર માટે સરળ બનાવશે. ગેરકાયદે રહેતા તમામ માટે ‘ડીપોર્ટ ફર્સ્ટ, અપીલ લેટર’ની નીતિ લાગુ કરાશે. સરકાર કહે છે કે નવા કાયદાનો હેતુ બ્રિટિશ પરિવારોને પ્રાધાન્ય આપવાનો, વિદેશી વસાહતીઓને ઓછું વેતન લેતાં તેમજ અધિકાર વિના સ્કૂલ્સ અને હોસ્પિટલ્સનો ઉપયોગ કરતા અટકાવવાનો છે.
હોમ સેક્રેટરી થેરેસા મેના નવા કાયદામાં ગેરકાયદે કામ કરતા પકડાયેલાં માઈગ્રન્ટ્સને અપીલ વિના દેશમાંથી હદપાર કરવા અને તેમના વેતનને ‘અપરાધના નાણા’ ગણી જપ્ત કરવાની જોગવાઈ હશે. ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ અને વિઝાની મુદત કરતા વધુ રોકાયેલા વિરુદ્ધ કામ કરવા બદલ કાર્યવાહી ન થાય તેવાં છીંડાને બંધ કરવા ‘ગેરકાયદે કાર્ય’નો નવો ક્રિમિનલ અપરાધ ઘડવામાં આવ્યો છે. આ ઉપરાંત, બેન્ક દ્વારા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના ડેટાબેઝ સામે ખાતાની ચકાસણી કરવાની રહેશે અને તેમના ખાતાં બંધ કરી શકાશે.
અન્ય નવા પગલામાં એમ્પ્લોયર્સ દ્વારા સસ્તા વિદેશી મજૂરો-વર્કરોનો ઉપયોગ મુશ્કેલ બનાવાશે. લેબર માર્કેટ શોષણના કિસ્સાઓ પર તૂટી પડવા એજન્સીની રચના કરાશે. યુકેમાં પહેલા જાહેરાત આપ્યા વિના વિદેશથી ભરતી કરતા બિઝનેસીસ અને રીક્રુટમેન્ટ એજન્સી માટે આવી ભરતી ગુનો બનાવાશે. કાઉન્સિલોને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવા અને સંભવિત ભાડૂતોના ઈમિગ્રેશન દરજ્જાની ચકાસણી નહિ કરનારા મકાનમાલિકો સામે કાનૂની કાર્યવાહીની સત્તા અપાશે.
મહારાણીનું પ્રવચન..... એક ઝલક
• લઘુતમ વેતનના વર્કરે ઈન્કમ ટેક્સ ચુકવવો નહિ પડે તેની કાયદા દ્વારા ગેરન્ટી
• આગામી પાંચ વર્ષ સુધી વેટ, નેશનલ ઈન્સ્યુરન્સ ફાળો અથવા ઈન્કમ ટેક્સ નહિ વધારાય તેની કાયદા દ્વારા ગેરન્ટી
• બેનિફિટ્સ લાયકાત માટેની વાર્ષિક મર્યાદા £૨૩,૦૦૦
• વર્કિંગ એજ બેનિફિટ્સ, ટેક્સ ક્રેડિટ્સ અને ચાઈલ્ડ બેનિફિટ બે વર્ષ માટે સ્થિર રખાશે
• જીપી માટે સપ્તાહના સાત દિવસ મળવાની સુવિધા
• ત્રણ- ચાર વર્ષના બાળકોના વર્કિંગ પેરન્ટ્સને ૩૦ કલાકની નિઃશુલ્ક બાળસંભાળ
• હાઉસિંગ એસોસિયેશનના ૧.૩ મિલિયન ટેનન્ટ્સને ‘ખરીદી અધિકાર’ અપાશે
• ૪૦ વર્ષથી ઓછી વયના પ્રથમ વખતના ખરીદાર માટે માર્કેટ પ્રાઈસથી ૨૦ ટકા ઓછી કિંમતના નવા ૨૦૦,૦૦૦ ‘સ્ટાર્ટર હોમ્સ’નું નિર્માણ કરાશે
• ઈંગ્લિશ સાંસદોને માત્ર ઈંગ્લેન્ડને અસર કરતા હોય તેવા ઈન્કમ ટેક્સ સહિતની બાબતો પર વીટોની સત્તા અપાશે
• ઈયુમાં રહેવા કે બહાર જવા વિશે ૨૦૧૭ના અંત સુધીમાં રેફરન્ડમ યોજાશે
• વિન્ડ ફાર્મ્સ માટે સબસિડીનો અંત