લંડનઃ શીખો માટે ભારતમાં અલગ રાજ્ય ખાલિસ્તાનની માગણી સાથે લંડનમાં ટ્રફલ્ગાર સ્ક્વેર ખાતે તા.૧૨ ઓગસ્ટને રવિવારે રેલી યોજાવાની છે. શીખ ફોર જસ્ટિસ નામના અમેરિકા સ્થિત જૂથ દ્વારા રેલીને આર્થિક મદદ કરાઈ છે. ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી દ્વારા આ રેલીની સામે વિરોધ દેખાવોનું આયોજન કરાયું છે.
આ રેલી અંગે ભારતે ફોરેન અને કોમનવેલ્થ ઓફિસ સમક્ષ સત્તાવાર વિરોધ નોંધાવતા ભારત અને બ્રિટન વચ્ચે રાજકીય મતભેદ સર્જાયો છે.
ભારતનું માનવું છે કે ગણ્યાગાંઠ્યા કટ્ટર શીખો બ્રિટનમાં વાણી સ્વાતંત્ર્યના કાયદાનો દુરુપયોગ કરીને ‘ખાલિસ્તાન’ તરીકે ઓળખાતા અલગ રાજ્યની રચનાનું આહ્વાન આપે છે. ભારતનો દાવો છે કે તેમની માગને બ્રિટનમાં તેમજ વિશ્વમાં અન્યત્ર ખૂબ ઓછું સમર્થન છે.
રેલીના આયોજકોમાં ભારતમાં રાજકીય હત્યામાં સંડોવાયેલા શરણાર્થી અને બર્મિંગહામ સ્થિત એક્ટિવિસ્ટ પરમજીત સિઘ પમ્માનો પણ સમાવેશ થાય છે. ૪૫ વર્ષીય પમ્માની ૨૦૧૦માં બોંબ વિસ્ફોટની ઘટનામાં કથિત સંડોવણી અને ૨૦૦૯માં હિંદુ રાષ્ટ્રવાદ માટે કાર્યરત રાજકીય નેતા રુલ્દાસિંઘની હત્યાના કેસમાં પંજાબમાં ‘વોન્ટેડ’ છે. ૨૦૦૦માં બ્રિટનમાં શરણાર્થી તરીકે આશ્રય મેળવનાર પમ્માએ આ આરોપોને ‘ખોટા’ ગણાવીને નકારી કાઢ્યા હતા.
પમ્માએ જણાવ્યું હતું કે આ રેલીમાં સમગ્ર બ્રિટનમાંથી અંદાજે ૧૦,૦૦૦ શીખ ભાગ લેશે. રેલીનો હેતુ શીખોની બહુમતિ સાથે પંજાબમાં ખાલિસ્તાનને સ્વતંત્રતા મંજૂર કરવા માટે ૨૦૨૦માં બિનબંધનકર્તા રેફરન્ડમ વિશે જાગૃતિ લાવવાનો છે.
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે રેલીને ધ્યાનમાં લઈને યોગ્ય સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરાયું છે.