લંડનઃ મરણપથારીએ હોય તેવી બીમાર મધુમિતા માંડલને ખાસ કોઈ બીમારી ન હોવાનું નિદાન કરી નાના ખાનગી સેન્ટરમાં સારવાર માટે મોકલી અપાયાં પછી ઓર્ગન ફેઈલ્યોરથી તેનું મોત થયું હોવાનું ક્રોયડન કોરોનર કોર્ટ દ્વારા ઈન્ક્વેસ્ટમાં બહાર આવ્યું છે. કોરોનર ડોક્ટર સેરેના લિન્ચે લાંબા ચુકાદામાં જણાવ્યું હતું કે,‘જીવન બચાવવા માટે સમયનું મહત્ત્વ છે અને ઘણી મિનિટ્સનો દુર્વ્યય થયો હતો. આમ છતાં, વહેલા મૂલ્યાંકનથી તેમનો જીવ બચાવી શકાયો હોત તેમ પુરાવાઓથી સાબિત થતું નથી.’
મધુમિતાના પતિ પ્રભાંજન બેહેરા સપ્ટેમ્બર ૨૦૧૩માં ક્રોયડન યુનિવર્સિટી હોસ્પિટલના ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં લઈ ગયા હતા. તેને તપાસીને જુનિયર ડોક્ટરે ઈન્ટેન્સિવ કેરમાં દાખલ કરવાનો મત દર્શાવ્યો હતો, પરંતુ સિનિયર ડોક્ટરોએ તેને ગણકાર્યો ન હતો. આ પછી રીસેપ્શનિસ્ટ ત્રીવેણી ધાવડેએ સામાન્ય બીમારીઓની સારવાર માટેના અરજન્ટ કેર સેન્ટરમાં મોકલી આપવા જણાવ્યું હતું. ૩૦ વર્ષીય ગંભીર પેશન્ટ મધુમિતાને દાખલ કરી લેવાના બદલે ક્રોયડન યુનિવર્સિટી હોસ્પિટલના ડોક્ટરોએ તેને સારવાર માટે ક્યાં મોકલવી તેની ચર્ચા માંડી હતી. પ્રભાંજને અનેક વિનંતી કર્યા છતાં મધુમિતાને તપાસવા કોઈ આવ્યું ન હતું. એક કલાક પછી આવેલી નર્સને પેશન્ટની હાલત ગંભીર જણાતા તેને કેઝ્યુલ્ટી રુમમાં ખસેડાઈ હતી.
તાલિમી ડોક્ટર ડો. જેસિકા ડેવિસે ઈન્ક્વેસ્ટમાં જણાવ્યું હતું કે તેણે ઈમર્જન્સી રજિસ્ટ્રાર ડો.એડેમોલા ટોકાન-લાવાલને મદદ માટે બોલાવ્યા હતા, પરંતુ તેમણે કેસને ગંભીરતાથી લીધો ન હતો.
મધુમિતા અને પ્રભાંજન બ્રિટનમાં અચોક્કસ મુદત સુધી રહેવાની અરજી માટે લાયક ગણાય તેના માત્ર ૧૧ દિવસ અગાઉ મધુમિતાનું મૃત્યુ થયું હતું. તેના મૃત્યુ પછી હોમ ઓફિસે પત્નીના મૃત્યુથી ભાંગી પડેલા પ્રભાંજન બેહેરાને ભારત પાછા ફરવા સૂચના આપી હતી કારણ કે યુકેમાં રોકાવા માટે યોગ્ય કારણ તેમની પાસે રહ્યું ન હતું. પ્રભાંજન પત્ની મધુમિતાના આશ્રિત ગણાતા હતા.