લંડનઃ જાહેર હિતમાં કન્ઝર્વેટિવ પાર્ટી સાથે ૨૦૧૦માં સાધેલા ગઠબંધનના નિર્ણયની સજા મતદારોએ આપી હોવાનું લિબરલ ડેમોક્રેટ્સ કહી રહ્યા છે. હતાશ પૂર્વ નાયબ વડા પ્રધાન નિક ક્લેગે રાજીનામું આપી દીધું છે. ગત ચૂંટણીમાં ૫૭ બેઠકો સાથે ભવ્ય વિજય મેળવનારા પક્ષને આ ચૂંટણીમાં માત્ર આઠ બેઠક મળતાં ભારે પછડાટ ખાવી પડી છે. લિબરલ ડેમોક્રેટ્સને આઘાતની કળ વળતા દાયકા લાગી જશે. પરાજિત ઉમેદવારોમાં એનર્જી સેક્રેટરી એડ ડેવી, બિઝનેસ સેક્રેટરી વિન્સ કેબલ, ટ્રેઝરીના ચીફ સેક્રેટરી ડેની એલેકઝાન્ડર જેવા માંધાતા નેતાઓનો સમાવેશ થયો છે.
ચૂંટણીમાં રકાસ માટે કારણો દર્શાવતો ખુલાસો વરિષ્ઠ નેતાઓ આપી રહ્યા છે. નિક ક્લેગે તો કહ્યું છે કે ટોરી પાર્ટીના વડપણ હેઠળ સરકારની બિનલોકપ્રિય નીતિઓમાં સહભાગી બનવાની અમને સજા મળી છે. જોકે, આ તદ્દન સત્ય નથી. લિબરલ ડેમોક્રેટ્સ પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યા વિના અર્થતંત્રને મુશ્કેલીમાંથી બહાર કાઢવા સહિત મુદ્દાઓના આધારે ટોરી પાર્ટીને ટેકો આપી શકી હોત. આના બદલે, લગભગ દરેક બાબતો પર અસંમતિ હોય તેવા પક્ષ સાથે સત્તામાં સાથીદાર બનવા તેઓ લલચાઈ ગયા હતા તેમ વિશ્લેષકો કહી રહ્યા છે.
દેશને બચાવવા તેમણે નિઃસ્વાર્થ નિર્ણયો લીધાના ક્લેગ અને વરિષ્ઠ લિબ ડેમ્સના ઊંચા નૈતિકતાપૂર્ણ દાવાઓથી મતદારો કંટાળી ગયા હતા. પક્ષે પોતાના વચનો નહિ પાળી વિશ્વાસઘાત કર્યો હતો તેમ મતદારો માને છે. ૨૦૧૦ની ચૂંટણી પહેલા લિબરલ ડેમોક્રેટ્સે યુનિવર્સિટી ટ્યુશન ફી ઘટાડવા અભિયાન ચલાવ્યું હતુ, પરંતુ તેમણે જ ટ્યુશન ફી વધારવા સંમતિ આપી હતી. નિક ક્લેગની સમગ્ર રાજકીય કારકીર્દિ બેવડા વલણ અને સંજોગો અનુસાર નિર્ણયો બદલવાની રહી છે.