લંડનઃ ગન ક્રાઈમ સામે લડતના ભાગરુપે મેટ્રોપોલિટન પોલીસે ‘giveupyourgun’ અભિયાન શરૂ કર્યું છે, જેમાં હેરોના લોકોને પોલીસને કોઈ પણ વિગતો આપ્યાં વિના જ તેમના શસ્ત્રો, ઈમિટેશન વેપન્સ અથવા એમ્યુનિશન્સ સલામત રીતે સુપરત કરવાની તક મળશે. હેરોમાં ગન ક્રાઈમમાં ૬૦ ટકાનો વધારો થયો હોવાનું આંકડા દર્શાવે છે. સ્થાનિક લંડન એસેમ્બલી મેમ્બર નવીનભાઈ શાહે આ અભિયાનને ગન ક્રાઈમ સામે લડતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ગણાવ્યું છે.
મેટ્રોપોલિટન પોલીસના આંકડા મુજબ ૨૦૧૬માં હેરોમાં ૫૬ ગન ક્રાઈમ નોંધાયા હતા, જે સંખ્યા ૨૦૧૫માં ૩૫ની હતી. સમગ્ર લંડનમાં ગત વર્ષે વધુ ૪૨૦ ગન ક્રાઈમ નોંધાયા હતા, જે ૨૨ ટકાનો વધારો સૂચવે છે. ગન ક્રાઈમ ઘટાડવા અને લંડનની શેરીઓમાંથી ગેરકાયદે શસ્ત્રો દૂર કરવાના ભાગરુપે અભિયાન ચાલુ કરાયું છે. લોકોને રવિવાર, ૧૨ ફેબ્રુઆરીની મધરાત સુધી ફાયરઆર્મ્સ અને એમ્યુમિશન્સ હેરો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની તક અપાઈ હતી.
બ્રેન્ટ એન્ડ હેરો લેબર લંડન એસેમ્બલી મેમ્બર નવીન શાહે જણાવ્યું હતું કે,‘હેરો અને રાજધાનીમાં ગન ક્રાઈમ વધ્યો છે તે ચિંતાજનક છે. પ્રત્યેક ઘટના સંકળાયેલા વ્યક્તિઓ, તેમના મિત્રો અને પરિવારો માટે દુઃખ લાવે છે. જે કોઈ ફાયરઆર્મ્સ ધરાવતા હોય કે એવી વ્યક્તિને જાણતા હોય તેમણે હેરો પોલીસ સ્ટેશનમાં શસ્ત્રો જમા કરાવી દેવાં જોઈએ.’