લંડનઃ સિંગલ મધર અને પ્રેમિકા એન્ના ઈમ્પોરોવિસ્ઝની હત્યાના પ્રયાસ બદલ બાર્કલેઝ બેન્કના ૨૮ વર્ષીય પૂર્વ કર્મચારી અમિશ કણસાગરાને કિંગ્સ્ટન-અપોન-થેમ્સ ક્રાઉન કોર્ટે ૧૫ વર્ષની જેલની સજા ફરમાવી છે. મસાજિસ્ટ એન્ના સાથે રહેવા અને તેને મસાજ પાર્લર ખોલી આપવા અમિશે બેન્કની નોકરી પણ છોડી દીધી હતી. ગત વર્ષની ૨૨ જૂને ઈર્ષાના આવેશમાં અમિશે આઠ ઈંચના ચાકુથી ૩૫ વર્ષની પ્રેમિકાના ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો.
ઈકોનોમિક્સની ડીગ્રી ધરાવતો અમિશ મસાજિસ્ટ એન્નાનો નિયમિત ગ્રાહક હતો અને તેના પ્રેમમાં પણ પડ્યો હતો. બન્ને જણાં બ્રેન્ટફર્ડમાં સાથે રહેવા લાગ્યા હતા. અમિશે જિંદગીમાં પહેલી વખત એન્ના સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. કણસાગરાએ તેના પરિવારથી આ સંબંધ છુપાવ્યો હતો. જોકે, એન્નાનો પોલેન્ડસ્થિત પૂર્વ બોયફ્રેન્ડ હજી પણ તેની પાછળ હોવાનું અમિશ જાણતો હતો. હત્યાના બે દિવસ પહેલા હોલ્બોર્ન સાલ્સા ક્લબ ખાતે એક પુરુષે એન્ના સામે સ્મિત કરતા અમિશનું મગજ છટક્યું હતું.
બચાવપક્ષની વકીલ કેથી રાયને કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે અમિશ અન્નાને પ્રેમ કરતો હતો. પણ એન્ના નાણા માટે તેનો દુરુપયોગ કરતી હોવાની તેને શંકા હતી. જજ સુસાન ટેપિંગે પ્રથમ વખતના અપરાધી અમિશને જણાવ્યું હતું કે, ‘એન્ના સેક્સ્યુઅલ મસાજ કરતી હતી અને તમે તેના નિયમિત ગ્રાહક બન્યા પછી તેના પ્રેમમાં પડ્યા હતા. બેન્કમાં તમારી સ્થિર નોકરી હતી અને તમને પ્રમોશન મળ્યું હતું છતાં એક મહિના પછી તમે નોકરી છોડી હતી. એન્નાનાં કામની લાઈન જ એવી હતી છતાં અન્ય લોકો એન્ના સાથે ફ્લર્ટ કરતા તે તમે સાંખી શક્યા નહિ.’
કણસાગરાએ ફેસબુક પર ઓછાં વસ્ત્રો સાથે એન્નાની તસવીર મૂકી તે વેશ્યા હોવાની ટીપ્પણી કરી હતી. તેણે પાર્લરમાં મસાજ ટેબલ્સ પર ચાકુથી કાપા કર્યા હતા અને બધાં સ્થળે બ્લેક પેઈન્ટ છાંટ્યો હતો. તેણે એન્નાનું ગળું પકડી તેને રહેંસી નાખવા પ્રયાસ કર્યો હતો, તેને કાપામાંથી લોહી પણ નીકળ્યું હતું, પરંતુ તે નાસી છૂટી હતી. જોકે, તેના પગ પર ચાકુના ઘા વાગ્યા હતા. એન્નાએ વારંવાર તે તેને પ્રેમ કરતી હોવાની ચીસો પાડી હતી. કણસાગરાને ચાકુ રાખવા બદલ ત્રણ વર્ષની અને ક્રિમિનલ નુકસાન પહોંચાડવા બદલ છ માસની સજા થઈ હતી. આ બન્ને સજા મુખ્ય સજાની સાથે જ ભોગવવાની રહેશે.