લંડનઃ ગીતા ફાઉન્ડેશન અને નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ દ્વારા અન્ય સંસ્થાઓના સહયોગમાં રવિવાર, ૦૨ ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે મહાત્મા ગાંધીના જન્મદિન પ્રસંગે તેમની અહિંસાની ફિલસૂફીને સમર્પિત શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય હાઈ કમિશનના સમર્થન સાથે શાંતિ પદયાત્રા ટાવિસ્ટોક સ્ક્વેર ગાર્ડનથી આરંભ થઈ સેન્ટ્રલ લંડનમાં પાર્લામેન્ટ સ્ક્વેર સુધી જશે. ત્રાસવાદનો અંત લાવવા વિશ્વ શાંતિને ઉત્તેજન આપવા મહાત્મા ગાંધી દ્વારા અનુસરિત સિદ્ધાંતો અનુસાર આ વિશેષ કાર્યક્રમ બની રહેશે. નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજના ટ્રસ્ટી પ્રવીણ અમીને પદયાત્રા સંદર્ભે સંસ્થાઓ અને લોકોના સહકારની માગણી કરી હતી.
ટાવિસ્ટોક સ્ક્વેરમાં ભારતના હાઈ કમિશનર નવતેજ સરના દ્વારા સવારે ૧૧ વાગ્યે ગાંધીપ્રતિમાને પુષ્પમાળા અર્પણ કર્યા પછી ૧૧.૩૦ કલાકે પદયાત્રાનો આરંભ કરાશે અને પાર્લામેન્ટ સ્કવેર ખાતે નવસ્થાપિત ગાંધીપ્રતિમા ખાતે સમાપન થશે. અહી મહાનુભાવો દ્વારા સંબોધનો કરાશે. પદયાત્રા કાર્યક્રમમાં ભાગ લેવા તમામ સંસ્થાઓને આમંત્રણ છે પરંતુ વ્યવસ્થા ખાતર આવી સંસ્થાઓને ૨૩ સપ્ટેમ્બર સુધીમાં જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે.