લંડનઃ બીબીસીના વરિષ્ઠ સંપાદક માર્ક એસ્ટન દ્વારા ભારતીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા અને પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની તુલના મુસ્લિમ ધર્મના કટ્ટરવાદી બ્રિટિશ પ્રચારક અંજેમ ચૌધરી સાથે કરી હતી. આના પરિણામે, બીબીસીને કડક આલોચના સહન કરવી પડી છે. એસ્ટને કહ્યું હતું કે ગાંધીજી અને મંડેલાને તેમના કટ્ટરવાદી વિચારોના કારણે કારાવાસમાં મોકલી દેવાયા હતા. એસ્ટને કટ્ટરવાદીઓ પર નિયંત્રણો મૂકવાની સરકારની યોજનાની ભારે ટીકા કરી હતી.
બ્રિટનના આતંકવાદવિરોધી વિધેયકના વિષ્લેષણ દરમ્યાન બીબીસીના ગૃહ બાબતોના સંપાદક માર્ક એસ્ટને બ્રિટનમાં નફરત ફેલાવનાર ઉદ્ઘોષક તરીકે જાણીતા અંજેમ ચૌધરી અને ભારતના સ્વતંત્રતા આંદોલનના નાયકની તુલના કર્યા પછી સોશિયલ મીડિયા પર બીબીસીને લોકોની નારાજગી સહન કરવી પડી હતી. બીબીસીએ જણાવ્યું હતું કે આ દરમ્યાન પ્રતિબંધિત ઇસ્લામવાદી જૂથના નેતા અંજેમ ચૌધરી અને મોટા નેતાઓ વચ્ચે કોઈ તુલના થઈ નથી. સમયાનુસાર કટ્ટરતાની વ્યાખ્યા બદલાતી હોવા તરફ જ ઈશારો કરાયો હતો.