ગાંધીજીનો શાંતિ અને અહિંસાનો ઉપદેશ આજે પણ પ્રસ્તુતઃ હાઈ કમિશનર સિંહા

Tuesday 31st January 2017 12:09 EST
 
 

લંડનઃ ભારતીય હાઈ કમિશન દ્વારા ઈન્ડિયા લીગના સહયોગથી લંડનના ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે ૩૦ જાન્યુઆરી, સોમવારે શહીદ દિવસ સમારોહનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ પછી, મહાત્મા ગાંધી અને શહીદોની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા ભારતીય હાઈ કમિશનર વાય કે સિંહાએ જણાવ્યું હતું કે હાલના તબક્કે વિશ્વ જે કટોકટી (હિંસા અને આતંકવાદ)નો સામનો કરે છે તેને ધ્યાનમાં લેતા મહાત્મા ગાંધીના શાંતિ અને અહિંસાના ઉપદેશ આજે વધુ પ્રસ્તુત જણાય છે.

હાઈ કમિશનરે જણાવ્યું હતું કે ગાંધીજી મહાત્મા તરીકે ઓળખાય છે, જેનો અર્થ ઉમદા અથવા મહાન આત્મા એવો થાય. તેઓ માત્ર ભારતના રાષ્ટ્રપિતા જ ન હતા અને ભારતની આઝાદીની ચળવળ ચલાવી એટલું જ નહિ પરંતુ, આજે દુનિયાને ખૂબ જરૂર છે તેવા અહિંસા અને શાંતિનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને આ મહાન પરંપરાને તેમણે જાળવી રાખી હતી. ભગવાન બુદ્ધના અહિંસાના સિદ્ધાંત વિશે આપણે સૌ જાણીએ છીએ. ભારત આ મહાન પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે અને રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધી જેવી વ્યક્તિ હોવાથી આપણે ગૌરવ અનુભવીએ છીએ. બ્રિટિશ સરકારે આ મહાપુરુષના સન્માનમાં પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે બીજી પ્રતિમા મૂકી હોવાથી આપણને આનંદની લાગણી થાય છે.

ઈન્ડિયા લીગના ચેરમેન સી.બી.પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું,‘ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડુએ કહ્યું હતું કે આવી હિંસા (ક્યુબેકમાં મસ્જિદમાં બોંબ વિસ્ફોટને પગલે) ને લીધે હ્રદય ખૂબ વ્યથિત થાય છે, તેના પછી હું માનું છું કે આજના સમયમાં ગાંધીજી અને તેમનો સંદેશ પ્રસ્તુત છે.’

સી.બી.પટેલે ઉમેર્યું હતું કે મને એવું લાગે છે કે અત્યારે જે પણ થઈ રહ્યું છે (હિંસા અને હત્યાકાંડ) તે ગાંધીજીના અહિંસા, સહ-અસ્તિત્વના સંદેશાને કારણે બદલાઈ જશે અને સમયાંતરે શાંતિપૂર્ણ સંઘર્ષ વધુ મૂલ્યવાન પૂરવાર થયો છે. તેમણે ઉમેર્યું હતું કે અત્યારે આતંકવાદીઓ અથવા અસહિષ્ણુ અથવા ધિક્કાર ફેલાવતા લોકો સાથે કેવી રીતે કામ કરવું તેના વિશે ભારત પાસે સંદેશ છે.

તેમણે ઉમેર્યું હતું ,‘ લગભગ ૧૪૦ વર્ષ પહેલા લોકો માનતા હતા કે ભારત આઝાદી મેળવી શકશે નહિ. તેથી કેટલાક ઉદાર બ્રિટિશ લોકોએ ભારતીયોને એક રાજકીય પક્ષ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

ભારત મીડલઈસ્ટથી પણ કોઈને પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે આમંત્રી શકે છે તે ગત ૨૬ જાન્યુઆરીએ ફરીથી પૂરવાર થયું છે. નવી દિલ્હીમાં આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં અબુધાબીના યુવરાજ શેખ મોહમ્મદ બીન ઝાયેદ મુખ્ય અતિથિ હતા.

સી.બી.પટેલે ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે ગાંધીજીના પ્રતિમાની સ્થાપના અને જાળવણીમાં ભારતીય હાઈ કમિશનનું નોંધપાત્ર યોગદાન હોવાનું જણાવીને ભારતીય હાઈ કમિશનર વાય કે સિંહા અને તેમના અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

લંડનના ભારતીય વિદ્યા ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. માત્તુર નંદકુમારે વેદોમાંથી એક પ્રાર્થનાનું ગાન કર્યું હતું. ત્યાર બાદ ભારતીય વિદ્યા ભવનના ત્રણ વિદ્યાર્થીઓએ ગાંધીજીને ખૂબ પ્રિય ભજન ‘ રઘુપતિ રાઘવ રાજા રામ...’ અને ‘વૈષ્ણવ જન તો ..’ ગાયા હતા. સમારંભનું સમાપન બૌદ્ધ પ્રાર્થના સાથે થયું હતું.

આ અગાઉ વાય કે સિંહા. સી.બી.પટેલ તથા ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ પટનાયક, રેડબ્રીજના મેયર કાઉન્સિલર ગુરદયાલ ભામરા, બિઝનેસમેન રેમી રેન્જર, કાઉન્સિલર સુનિલ ચોપરા, લાલુભાઈ પારેખ, એમ જાડેજા, ભાનુભાઈ પંડ્યા અને એ ભોગલ સહિત મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ મહાત્મા ગાંધીની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

કેમડનના મેયર કાઉન્સિલર નાદિયા શાહ અનિવાર્ય સંજોગોને લીધે હાજર રહી શક્યાં ન હતાં પરંતુ, તેમણે મોકલેલો પુષ્પગુચ્છ પ્રતિમા સમક્ષ મૂકવામાં આવ્યો હતો.

ક્રાયક્રમનું સંચાલન ફર્સ્ટ સેક્રેટરી (હેડ ઓફ ચાન્સરી/ પ્રોટોકોલ /પી એન્ડ એમ) સુનિલ કુમારે કર્યું હતું. આ પ્રસંગે મિનિસ્ટર(કો-ઓર્ડિનેશન) એ એસ રાજન હાજર રહ્યા હતા.

પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે આવા જ એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter