લંડનઃ નેતૃત્વના આદર્શ ઉદાહરણ ગણાતા મહાત્મા ગાંધીની પ્રતિમા બ્રિટિશ પાર્લામેન્ટનાં પટાંગણમાં સ્થાપિત કરવા ૭,૫૦,૦૦૦ પાઉન્ડનો પ્રોજેક્ટ જાહેર કરાયો છે. આ પ્રોજેક્ટમાં ઈન્ફોસીસનાં સહસ્થાપક નારાયણ મૂર્તિ અને તેમના પરિવારે ૨૦૦,૦૦૦ પાઉન્ડના દાનની જાહેરાત કરી છે. અગાઉ, રાહુલ બજાજે પણ ૨૦૦,૦૦૦ પાઉન્ડનું દાન જાહેર કર્યું હતું. બ્રિટનસ્થિત ૨૬ વર્ષીય વિવેક ચઢ્ઢાએ ૧૦૦,૦૦૦ પાઉન્ડનું દાન આપ્યું છે.
ભારતને આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીનો મહત્ત્વનો ફાળો હતો. ગાંધીજી નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમની હિંમત અને પ્રતિબદ્ધતા પ્રેરણાદાયી છે. તેમની પ્રતિમા પાર્લામેન્ટનાં પટાંગણમાં પ્રસ્થાપિત કરવાની બાબત ઘણી આનંદદાયક હોવાનું મૂર્તિએ જણાવ્યું હતું.
હોટલ, નિવાસી મકાનો અને કોમર્શિયલ ઇમારતોમાં રોકાણ કરનાર વિવેક ચઢ્ઢા ગાંધીજીના
ચુસ્ત અનુયાયી છે. મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો તે જ યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી તેમણે સિવિલ એન્જિનીઅરીંગ કર્યું હતું. ચઢ્ઢા કહ્યું હતું કે, ‘મને તો એમાં ખાસ રસ છે કે ગાંધીજી કઇ રીતે આટલા પ્રેમાળ અને દયાળુ બન્યા હતા. ગાંધીજીએ પોતાનું જીવન અને સમગ્ર શક્તિ અન્યોની સેવા માટે જ ખર્ચ્યા હોવાની વાત જ લોકોએ અન્યો માટે કઇ રીતે જીવવું તેનો એક દાખલો છે.’
અર્થશાસ્ત્રી લોર્ડ મેઘનાદ દેસાઈ દ્વારા સ્થાપિત ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટ ગાંધીજીની શિલ્પાકૃતિ માટે ભંડોળ એકત્ર કરવાનું કાર્ય કરે છે. મહાત્મા ગાંધીની પ્રતિમાની સ્થાપના માટે ફંડ એકત્રિત કરવાની કામગીરી અંતિમ ચરણમાં છે. આ યોજના માટે અત્યાર સુધી જેટલી રકમ આવી છે તેમાં પચાસ ટકા કરતાં વધુ માત્ર બ્રિટનમાંથી જ આવી છે અને ૮૦ ટકા દાતા બ્રિટિશર છે. અનેક નાના દાતાએ પણ યથાશક્તિ દાન આપ્યું હતું.
આ ઉપરાંત, મૂર્તિ પ્રોજેક્ટ માટે ૧ પાઉન્ડથી ૨,૦૦,૦૦૦ પાઉન્ડ સુધીના દાન માટે દરેક દેશના લોકોને આમંત્રિત કરાયા છે. આ પ્રતિમાની ડિઝાઈન પ્રખ્યાત શિલ્પકાર ફિલિપ જેક્સન દ્વારા તૈયાર કરાઈ હોવાનું ટ્રસ્ટે જણાવ્યું હતું. બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરને પણ મહાત્મા ગાંધીની પ્રતિમાની સ્થાપનાને લીલી ઝંડી બતાવી દીધી હોવાનું સૂત્રે જણાવ્યું હતું.