લંડન: ગાંધીજી સાઉથ આફ્રિકાથી ભારત પરત આવ્યાની ઘટનાનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે બ્રિટનના પાર્લામેન્ટ સ્કવેર ખાતે મહાત્મા ગાંધીની કાંસ્યપ્રતિમાનું આગામી ૧૪મી માર્ચે અનાવરણ કરાશે તેવી જાહેરાત વડા પ્રધાન ડેવિડ કેમરને રવિવાર ૨૨ ફેબ્રુઆરીએ કરી હતી. ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી આ પ્રસંગે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાની શક્યતા છે. ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટને મળેલાં ડોનેશનની રકમ ૧૦ લાખ પાઉન્ડની ઉપર પહોંચી ગઈ છે.છેલ્લાં થોડાં સપ્તાહોમાં સ્ટીલમાંધાતા લક્ષ્મી મિત્તલે ૧ લાખ પાઉન્ડ અને ઇન્ફોસિસ બોર્ડના અધ્યક્ષ કે. વી. કામથે ૨.૫ લાખ પાઉન્ડનું ડોનેશન આપ્યું હતું. ગાંધીજીની પ્રતિમા ૧૯૩૧માં ડાઉનિંગ સ્ટ્રીટ બહારની તસવીરો પર આધારિત છે. પાર્લામેન્ટ સ્ક્વેરમાં સૌપ્રથમ ભારતીય અને જાહેર હોદ્દો ભોગવ્યો ન હોય તેવી વ્યક્તિને અબ્રાહમ લિંકન અને નેલ્સન મન્ડેલા તેમજ બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ જેવી વિભુતિઓની સાથે આ સન્માન મળ્યું છે.બ્રિટિશ શિલ્પી ફિલિપ જેક્સન નિર્મિત પ્રતિમા માટેનું ભંડોળ લોર્ડ મેઘનાદ દેસાઈ અને ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એકત્ર કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના ચેરમેન લોર્ડ દેસાઈએ માત્ર છ મહિનામાં દસ લાખ પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય પૂર્ણ થયું તે વિશે દાતાઓની ઉદારતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગાંધીજીના શબ્દોને ટાંકતા કહ્યું હતું કે,‘જો સાધ્ય યોગ્ય હોય તો સાધનો આવી જ મળે છે.’