લંડનઃ GCSE અને એ- લેવલની પરીક્ષાઓમાં ગુજરાતી, બંગાળી, પંજાબી સહિતની એશિયન ભાષામાં પરીક્ષા પાસ કરવાને ક્વોલિફિકેશન ગણવામાં નહિ આવે તેવા નિર્ણયની ચોતરફથી નિંદા કરાઈ રહી છે. આ ભાષાઓના પેપર્સ તૈયાર કરવા અને તેના મૂલ્યાંકન માટે નિષ્ણાત એક્ઝામિનર્સની અછત હોવાથી ૨૦૧૭થી અમલી થનાર આ નિર્ણય લેવાયાનો બચાવ કરાય છે. આ નિર્ણયને પેરન્ટ્સ, શિક્ષકો અને રાજકારણીઓએ વખોડી કાઢ્યો છે.અગ્રણીઓએ ચેતવણી પણ આપી છે કે આ પગલું ભારત અને અન્નાય દેશો સાથેના આર્થિક સંબંધોમાં અવરોધક બની શકે છે.
AQA અને OCR એક્ઝામ બોર્ડ્સ દ્વારા જાહેરાત થઈ છે કે તેઓ પોલિશ,મોડર્ન હિબ્રુ, તુર્કિશ, પોર્ટુગીઝ, ડચ અને પર્શિયન ભાષાકીય લાયકાતોને પણ નાબૂદ કરશે. હાલ AQA બોર્ડ બંગાળી, મેન્ડેરિન, ઈટાલિયન, મોડર્ન હિબ્રુ, પંજાબી, પોલિશ અને ઉર્દુ ભાષાઓ માટે નવા GCSE વિકસાવી રહ્યું છે.
બંગાળી અને પંજાબી ભાષામાં એ-લેવલની પરીક્ષા પર કાતર ફેરવાઈ છે ત્યારે GCSE લેવલમાં તેને ચાલુ રખાશે. જોકે, ગુજરાતી પરીક્ષા તો સદંતર બંધ કરી દેવાશે. ગયા વર્ષે ૬૨૫ વિદ્યાર્થી ગુજરાતીની GCSE પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી માત્ર ૧૯ વિદ્યાર્થી એ-લેવલ હાંસલ કરી શક્યા હતા. ૧૬૭ વિદ્યાર્થી પંજાબીના એ-લેવલમાં અને ૪૨ વિદ્યાર્થી બંગાળી ભાષામાં એ-લેવલ મેળવી શક્યા હતા.
આ નિર્ણયથી વ્યથિત લોકોએ હેરો ઈસ્ટના લેબર ઉમેદવાર ઉમા કુમારન અને શેડો એજ્યુકેશન સેક્રેટરી ટ્રિસ્ટ્રામ હન્ટની મુલાકાત લીધી હતી. ગુજરાતી અને સંસ્કૃત ભાષાના લેસ્ટરસ્થિત શિક્ષિકા દક્ષા પરમારે આ પરીક્ષાઓ ચાલુ રહે તે માટે લોકજાગૃતિ ઉભી કરી સ્થાનિક સાંસદો અને રાજકારણીઓ પર દબાણ લાવવા જણાવ્યું છે. એક વખત આ ભાષાકીય પરીક્ષાઓ નાબૂદ થયાં પછી તેનો પુનઃ અમલ મુશ્કેલ બનશે.