લંડનઃ એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગને સ્પષ્ટ કર્યું હતું કે ભાવિ કન્ઝર્વેટિવ સરકાર ગુજરાતી, બંગાળી, પોલીશ અને ટર્કીશ જેવી લઘુમતી ભાષાઓમાં GCSE અને એ-લેવલમાં માન્યતાની ખાતરી આપશે. ઈંગ્લેન્ડમાં આ ભાષાઓને પરીક્ષાના વિષયો તરીકે પાછી ખેંચવાની એક્ઝામ બોર્ડ્સની યોજના સામે અભિયાન શરૂ કરાયું છે. સેક્રેટરી મોર્ગને નિર્ણય બદલવા એક્ઝામ બોર્ડ્સને લખ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે GCSE અને એ-લેવલ્સના ફેરફારોમાં આ ભાષાઓને નુકસાન થવું ન જોઈએ.
એક્ઝામ બોર્ડ્સના વડાઓને લખેલાં પત્રમાં એજ્યુકેશન સેક્રેટરીએ જણાવ્યું છે કે આ ભાષાઓ GCSE અને એ-લેવલમાં પડતી મૂકાશે તેવો ભય વ્યક્ત કરતી અનેક રજૂઆતો તેમને વંશીય લઘુમતી સમુદાયો તરફથી કરાઈ છે. આ સમુદાયોના બાળકો તેમની માતૃભાષા અથવા તેમના પેરન્ટ્સ અને પરિવારની માતૃભાષાનોનો અભ્યાસ કરી નહિ શકે તેવી વંશીય લઘુમતી સમુદાયોની ચિંતામાં તેઓ સહભાગી છે. આથી, આ લાયકાતોનું ભાવિ સુરક્ષિત રાખવા તમારે રેગ્યુલેટર સાથે મળીને કામ કરવું જોઈએ અને તેમને રદ કરવાના નિર્ણયને ઉલટાવવો જોઈએ. જો સમજૂતી નહિ થઈ શકે તો ભાવિ કન્ઝર્વેટિવ સરકાર આ લાયકાતોનું ભાવિ સુરક્ષિત રાખવા તત્કાળ મસલતો આરંભશે.
માઈનોરિટી ભાષાઓના રક્ષણ માટે અભિયાનના પગલે આ પત્ર લખાયો છે. પોલીશ ભાષાના એ-લેવલને યથાવત રાખવાની પિટિશનમાં ૧૪,૦૦૦થી વધુ સહી થઈ છે. પરીક્ષાપદ્ધતિમાં ધરમૂળ પરિવર્તના ભાગરૂપે OCR એક્ઝામ બોર્ડે GCSE અને એ-લેવલમાં ગુજરાતી, ટર્કીશ, ડચ, પોર્ટુગીઝ અને પર્શિયન ભાષાઓ તેમજ AQA એક્ઝામ બોર્ડે એ-લેવલમાં બંગાળી, પંજાબી, પોલીશ અને મોડર્ન હિબ્રુ ભાષાઓ પડતી મૂકવાની જાહેરાતો કરી હતી.
લેબર પાર્ટીના ટ્રિસ્ટ્રામ હન્ટે અરાજકતાપૂર્ણ પરીક્ષા ફેરફારોનું નુકસાન બદલવા છેલ્લી ઘડીના પ્રયાસની ટીકા કરી હતી, જ્યારે બ્રિટિશ એકેડેમીના પ્રોફેસર નાઈજેલ વિન્સેન્ટે એજ્યુકેશન સેક્રેટરીના પ્રયાસને બિરદાવ્યો છે.