અમદાવાદઃ બ્રિટનના જાણીતા સમાચાર સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ની અમદાવાદ ઓફિસમાં ૨૦ વર્ષની લંડનસ્થિત બીનનિવાસી ગુજરાતી નીતિ રાવનું સન્માન કરવામાં આવ્યું હતું. નીતિ સાથે આપણો નાતો એ છે કે નીતિ લંડનમાં ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથે વર્ષોથી સંકળાયેલા ન્યૂઝ એડિટર કમલભાઈ રાવની લાડકી દીકરી છે.
આ સિવાય પણ તેની સાથે આપણો નાતો માનવતાનો છે કારણકે માનવતાનો સાદ સાંભળીને નીતિએ ઉરી ક્ષેત્રમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા બર્બરક હુમલાનો ભોગ બનેલા ૧૮ શહીદ ભારતીય સૈનિકોના સંતાનોમાંથી એક સંતાન અને મુખ્યત્વે દીકરીના શિક્ષણ માટે વાર્ષિક રુપિયા ૨૫,૦૦૦ આપવા માટેનો ત્વરિત નિર્ણય કર્યો હતો. એક વાત એ પણ ઉલ્લેખનીય છે કે નીતિને સદભાવનામાં સાથ આપવા લંડનના કર્મયોગ ફાઉન્ડેશને નીતિની ઈચ્છા અને અંગૂલિનિર્દેશ અનુસાર ચેરિટી કાર્યમાં સંકળાયેલી સંસ્થાને રુપિયા ૫,૦૦,૦૦૦નું દાન આપવા કબુલ્યું છે.
જોકે, ભારતીય અને ખાસ કરીને ગુજરાતી હોવાથી તેના સંસ્કારોએ પણ આ નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેણે પોતાના માતાપિતા-કિન્નરીબહેન અને કમલભાઈને તથા હાલ લંડનની મુલાકાતે ગયેલાં ૭૫ વર્ષીય દાદીમા સરલાબહેનને પોતાની લાગણીની વાત કરી હતી અને તેમણે નીતિની લાગણીને વધાવી લીધી હતી. નીતિ અભ્યાસની સાથે ટેસ્કો સ્ટોરમાં પાર્ટ-ટાઈમ જોબ પણ કરે છે. નોકરીમાંથી આવક અને પેરન્ટ દ્વારા અપાતા પોકેટ મનીમાંથી બચત કરીને નીતિ શહીદ જવાનોની દીકરીને અભ્યાસ કરાવવા ખર્ચ કરશે.
ઉરી આતંકી હુમલાના અહેવાલો જોઈ-સાંભળીને નીતિના દિલમાં મદદનો વિચાર કેવી રીતે આવ્યો તે પણ જાણવા જેવું છે. માતાપિતાની લાડકી નીતિનું પિતા સાથે એટેચમેન્ટ વધારે છે. બ્રિટનમાં તેની ઉંમરની ગુજરાતી કે ભારતીય સહિતની છોકરીઓમાં પણ સ્વતંત્ર રહેવાનું ચલણ વધી રહ્યું છે ત્યારે નીતિ અભ્યાસ કરવા ઘેરથી જ આવજા કરે છે. સામાન્ય રીતે તે માતાપિતાની સાથે જ ગુજરાત આવે છે પરંતુ આ વખતે તે એકલી જ આવી હતી અને સુરતમાં ફેમિલી ફ્રેન્ડ અને અમદાવાદમાં મામાના ઘેર ઉતારો રાખ્યો હતો.
ઉરી હુમલા વિશે જાણતા જ પિતા કમલ રાવ સાથે એટેચમેન્ટ ધરાવતી નીતિને શહીદ જવાનોના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હોવાનો વિચાર આવ્યો હતો. શહીદ જવાનો દેશની રક્ષા કરતા ખપી ગયા ત્યારે આપણે તેમનું ઋણ ઉતારવા ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ આપવી જોઈએ તેમ નીતિ માને છે. વતનથી ૪,૦૦૦ માઈલ દૂર રહેતી હોવાં છતાં તેનામાં દેશદાઝ ભરેલી છે. આ જ તો ભારતીયોની લાક્ષણિકતા છે. કર્મભૂમિ અને માતૃભૂમિ પ્રત્યે તેઓ એકસમાન સ્નેહ-પ્રેમ ધરાવે છે.
હાલ લંડનની કિંગ્સ્ટન યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક બનવા આખરી વર્ષનો અભ્યાસ કરતી નીતિનો જન્મ વડોદરામાં થયો હતો અને તેણે બીજા ધોરણ સુધીનો અભ્યાસ સુરતમાં કર્યો હતો. સુરત તેનું માનીતુ શહેર છે અને તેથી તે સ્વાદની શોખીન પણ છે. નીતિ સાથે ભારત અને બ્રિટનની શિક્ષણ વ્યવસ્થા સહિત ઘણી વાતો થઈ. તે પોતાના વિચારોમાં સ્પષ્ટ છે, કોઈ ગૂંચવણ નથી.
ગુજરાત અને મુંબઈના અખબારોએ પણ ગુજરાતી યુવતીની વાતને વધાવી લેતી મુલાકાતો પ્રસિદ્ધ કરી છે પરંતુ વાતનું જરા વતેસર થઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુવા વર્ગને પોતાના વિચારો લખી મોકલવા અવારનવાર જણાવે છે તેને ધ્યાનમાં રાખી નીતિએ વડા પ્રધાન કાર્યાલયને પોતાનો વિચાર મોકલી આપ્યો છે, જેનો ઉત્તર હજુ મળ્યો નથી. નીતિએ કોઈ ફરિયાદ નથી કરી પરંતુ, તમે શું કર્યું છે તેનો સાહજિક ઉત્તર હતો. જોકે, અન્ય અખબારોએ આ મુદ્દાને જ વધુ પ્રાધાન્ય આપી દીધું. નીતિ ખુદ વડા પ્રધાન મોદીની પ્રશંસક અને ચાહક છે. તેને જાણ છે કે કાશ્મીરમાં આતંકવાદ અને ઉરી મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલી સર્જાયેલી છે, મીટિંગ્સના દોર, પડદા પાછળની રાજકીય ગતિવિધિઓ ચાલે છે ત્યારે વડા પ્રધાન કાર્યાલયમાંથી તત્કાળ ઉત્તરની અપેક્ષા પણ રાખી શકાય નહિ. નીતિએ તો પોતાના રાહ પર ચાલવાનું છે અને આપણે સહુ તેની સાથે જ છીએ.
---------------------------------