લંડનઃ નોર્થ વેસ્ટ લંડનમાં ક્રિકલવૂડ ખાતેના ફ્લેટના નિવાસી ૪૪ વર્ષીય ગુજરાતી મહિલા ઉષાબહેન પટેલ આઠ ઓક્ટોબરની સવારે મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર ઉષાબહેન પટેલનું મૃત્યુ ગળું દાબવાથી થયું હતું. પોલીસે આ હત્યા સંદર્ભે પેડિંગ્ટનમાંથી ગોરા અને પાંચ ફૂટ, ૧૧ ઈંચ ઊંચાઈના માઈલ્સ ડોનેલી ઉર્ફ માઇલ્સ રયાનની ધરપકડ કરી સોમવારે વિલ્સડેન મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કર્યો હતો. તેની સામે હત્યા અને હુમલાનો આરોપ લગાવાયો છે. તેને બુધવારે ઓલ્ડ બેઈલી કોર્ટમાં હાજર કરવા સુધી રિમાન્ડ કસ્ટડી અપાઈ હતી.
નવ વર્ષથી મેલરોઝ એવન્યુના રહેવાસી ઉષા બહેનના મિત્રોના જણાવ્યા અનુસાર તેઓ ઈન્ટરનેટ પર ચાર પુરુષ સાથે વાતચીત કરતાં હતાં અને કદાચ પ્રેમમાં પણ પડ્યાં હતાં. તેઓ પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે આ ફ્લેટમાં રહેતાં હતાં અને તેની સંપૂર્ણ સારસંભાળ લેતાં હોવાથી કોઈ કામકાજ કરતાં ન હતાં. પડોશીઓએ ઉષા બહેનને સાલસ સ્વભાવના અને મૈત્રીપૂર્ણ ગણાવી અંજલિ આપી હતી.
સ્કોટલેન્ડ યાર્ડના માનવા અનુસાર આ હત્યામાં તેમને ઓનલાઈન મળેલા ૩૪ વર્ષીય પુરુષ માઈલ્સ ડોનેલી ઉર્ફ માઇલ્સ રયાનનો હાથ હોઈ શકે છે. ડોનેલીએ ઉષાબહેન સાથે મુલાકાત ગોઠવી હોવાનું પોલીસ માને છે. ડોનેલી જોવા મળે તો તેની નજીક નહિ જવાની સૂચના પણ પોલીસે લોકોને આપી હતી.