લંડનઃ સતીશ લુહાર ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ (FCO)માં યુકે-ભારત દ્વિપક્ષી અને સમૃદ્ધ સંબંધો વિભાગના વડાની ફરજ એક કરતા વધુ વર્ષથી સંભાળી રહ્યા છે. અગાઉ, તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટમાં કાર્યરત હતા. તેમણે નોટિંગહામ બિઝનેસ સ્કૂલ અને નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેઓ નિયમિત ભારતની મુલાકાત લે છે. મૂળ ભૂજના ગુજરાતી સતીશ લુહારના પેરન્ટ્સ કમ્પાલામાં રહેતા હતા અને ઈદી અમીન દ્વારા યુગાન્ડાથી ભારતીયોની હકાલપટ્ટીના પગલે તેઓ યુકે આવ્યા હતા. સતીશભાઈનો જન્મ યુકેમાં જ થયો છે.
‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથેની મુલાકાતમાં સતીશભાઈએ કહ્યું હતું કે,‘ હું વર્ષો પહેલા ભૂજના મારા ગામે ગયો હતો, પરંતુ વિશાળ રણ, કળણો, મકાનોના રંગ અને ભાત તથા લોકોના મળતાવડા સ્વભાવની ખાસિયત મને હજુ યાદ છે. સમગ્ર ભારત માટે આ વાત સાચી છે, પરંતુ મને ત્યાંનું ભોજન ઘણું ભાવે છે, વિશ્વમાં તેનો જોટો જડે તેમ નથી.’ તેમણે ૨૦૧૪ની ચૂંટણી પછી હૈદરાબાદ અને ચેન્નાઈની મુલાકાત લીધી હતી.
તેમને FCO નોકરી તરફ શાથી આકર્ષણ થયું તે પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે,‘સૌથી વધુ તો વ્યાપક નીતિઓ સાથે કામ કરવાની તક સાંપડે છે. ભારત અને યુકે વિજ્ઞાનથી માંડી શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં સંયુક્તપણે કામ કરે છે. આ નોકરીએ મને તેના આંતરરાષ્ટ્રીય સંદર્ભો સમજવાની તક આપી છે. બીજું, હું ભારતીય હોવાથી મારા મૂળ અને વારસાને સારી રીતે સમજવા માગતો હતો.’
તેમણે કહ્યું હતું કે,‘મારી નોકરી યુકે-ભારત સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમ જ વિકસાવવા સાથે સંકળાયેલી છે. હું મારા ભારતીય સાથીઓ, ભારતીય હાઈ કમિશન, ભારતીય ડાયસ્પોરા સાથે મળી બન્ને દેશોની સમૃદ્ધિ અને સંબંધો, સહકાર કેવી રીતે આગળ વધારી શકાય તે માટે કાર્ય કરું છું. આમાં, ભારતમાં કેન્દ્રીય અને રાજ્યસ્તરે રાજકીય અને આર્થિક ઘટનાઓ જાણી દ્વિપક્ષી સહકારની તકો ઓળખવાનો સમાવેશ પણ થાય છે.
સતીશ લુહારે પોતાની મહત્તાવાકાંક્ષા વિશે જણાવ્યું હતું કે તેઓ વિદેશોમાં દૂતાવાસો અથવા હાઈ કમિશનોમાં કામ કરવા ઈચ્છે છે, જેનાથી તેમને અન્ય સંસ્કૃતિઓને સમજવાની તક મળશે.