લંડનઃ સગીર હોવાથી સિગારેટ તેને વેચવાની ના પાડનારા ગુજરાતી મૂળના શોપકિપરની હત્યા કરનાર ૧૬ વર્ષના બ્રિટિશ તરુણને ચાર વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. કાયદાકીય કારણસર તરુણની ઓળખ ખાનગી રખાઈ છે. તેણે ગત જાન્યુઆરીમાં કોઇપણ જાતની ઉશ્કેરણી વિના જ લંડનના મિલ હિલમાં મીની મોલમાં ૪૯ વર્ષીય વિજયકુમાર પટેલ પર હુમલો કરી તેમના માથામાં ઘા કર્યો હતો.
છટ્ટી જાન્યુઆરીના રોજ હત્યારો અને તેનો એક મિત્ર વિજયકુમારની શોપમાં સિગારેટ લેવા ગયા હતા. પરંતુ બંને સગીર હોવાથી પટેલે તેમને સિગારેટ આપવાની ના પાડી હતી.
શુક્રવારે થયેલી સુનાવણીમાં તરુણને સજા આપતાં જસ્ટિસ સ્માર્ટ-સ્મિથે તેને ‘ટાઇમબોમ્બ’ ગણાવ્યો હતો જે ઘટના સમયે જામીન પર છુટયો હતો. જજે કહ્યું હતું, ‘આ કેસની હકીકતો અને રેકર્ડ તેમજ ખૂબ ગંભીર ઇજા પહોંચાડવાના જોખમ સહિતના પીએસઆર અહેવાલ પછી મને આમાં કંઇ જ આશ્ચર્યજનક લાગતું નથી '.
તેમણે તરુણને ચાર વર્ષની સજા અને વધુમાં ત્રણ વર્ષ મોનિટરિંગ હેઠળ રાખવાનો આદેશ આપ્યો હતો. લંડનની ઓલ્ડબેલી કોર્ટમાં ટ્રાયલ દરમિયાન હત્યાના દિવસે પાર્ટીમાં પાંચ વખત દારુ પીનારા તરુણે પટેલ પર હુમલો કરતાં પહેલા તેની શોપ બહાર બુમો પાડી હતી.
આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેમાં તે પટેલને માર મારતો દેખાયો હતો. પટેલને સેન્ટ્રલ લંડનની સેન્ટ મેરી હોસ્પિટલ લઇ જવાયા હતા. પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું.
તરુણે સ્વબચાવમાં હુમલો કર્યાનો દાવો કર્યો હતો, પરંતુ જુલાઇમાં ટ્રાયલના અંતે તેને હત્યાનો દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન જજે કહ્યું હતું કે ‘સીસીટીવી ફુટેજ પ્રમાણે તે પોતાના હાથ ખિસ્સામાં નાંખીને ઉભો હતો અને કંઇ જ કરતો ન હતો. બીજી જ ક્ષણે તે જાણી જોઇને ડાબી બાજુ પટેલ તરફ વળ્યો અને તેમને મારીને નીચે પાડી દીધા હતા. પટેલ પોતાનો બચાવ કરવાની સ્થિતિમાં સહેજ પણ ન હતા અને પોતાની જગ્યાએથી ખસી પણ ના શક્યા’