લંડનઃ નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન (એનસીજીઓ) યુકેમાં ૧૦૫ ગુજરાતી સંસ્થાઓનું પ્રતિનિધિત્ત્વ કરે છે. એનસીજીઓ દ્વારા ૨૩ માર્ચના રોજ રોયલ ઓવરસીઝ લીગ ખાતે પોલિટિકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રતિનિધિ તરીકે કોમ્યુનિટિઝ સેક્રેટરી એરિક પિકલ્સ અને કન્ઝર્વેટિવ પાર્ટીના અધ્યક્ષ લોર્ડ એન્ડ્રુ ફેલ્ડમેન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે લેબર પાર્ટી તરફથી એમપી, શેડો મિનિસ્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ મેરી ક્રેગ અને લેસ્ટર ઇસ્ટના એમપી તથા હોમ અફેર્સ કમિટીના ચેરમેન કીથ વાઝ હાજર રહ્યા હતા. લિબરલ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા કોઇ યોગ્ય પ્રતિનિધિને મોકલવામાં શક્તિમાન નહોતા. આ કોન્ફરન્સમાં જીસીએ મેમ્બર નવીનભાઈ શાહ, બ્રેન્ટ નોર્થના બેરી ગાર્ડીનર, કેટલાક એમ.પી. તરીકેના ઉમેદવાર, સંખ્યાબંધ લોકલ કાઉન્સિલર, વિવિધ સભ્ય સંસ્થાઓના આગેવાનો, ગુજરાતી વેપારી-ઉદ્યોગપતિઓ અને શિક્ષણવિદો્ ઉપસ્થિત હતા.
એનસીજીઓના પ્રમુખ શરદભાઇ પરીખે તમામ વક્તા અને ગુજરાતી સમાજના સભ્યોને આવકારતા જણાવ્યું હતું કે, આ પોલિટિકલ સેમિનાર ખૂબ જ મહત્ત્વનો છે. તેમણે બ્રિટનના યુરોપ સાથેના સંબંધો અંગે વાત કરી હતી. આ ઉપરાંત તેમણે ઇમિગ્રેશન, વંશીય સંબંધો અને આરોગ્યલક્ષી બાબતો પર ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આપણે સારું શું થઇ શકે અને ગુજરાતી સમુદાય સંબંધિત મુદ્દે વિવિધ પક્ષ વચ્ચે શું તફાવત છે તે જાણવા માટે એકત્ર થયા છે.
આ કાર્યક્રમના સંયોજક ચંદ્રકાંત જે. રાભેરુએ સહકાર આપવા બદલ એનસીજીઓની કમિટીના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે, એરિક પિકલ્સ, મેરી ક્રેઘ, લોર્ડ એન્ડ્રુ ફેલ્ડમેન, કીથ વાઝ અને એનસીજીઓની પેટ્રન કાઉન્સીલના ચેર સી. બી. પટેલને આવકારીને તેમનો આભાર માન્યો હતો. તેમણે આ કોન્ફરન્સને સમુદાય માટે ખૂબ જ મહત્ત્વની ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતીઓ વેપાર-ઉદ્યોગ, શિક્ષણ વગેરે ક્ષેત્રે સફળ થયા છે. આમ છતાં અભ્યાસની લાયકાત વાળા ૪૨ ટકા નવા યુવાનો બેરોજગારી અનુભવે છે અને જ્યારે આ યુવાનો રોજગારી મેળવવા જાય છે ત્યારે તેમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે. રાજકીય પક્ષોની પસંદગીની પ્રક્રિયા અને તૃષ્ટિકરણના રાજકારણને લીધે ખૂબ ઓછા હિન્દુ એમપી અને કાઉન્સીલર્સ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે. મીડિયામાં પણ ગુજરાતીઓ-હિન્દુઓની પ્રતિનિધિત્વ ઓછું છે. લઘુમતીઓના હિત કે ચિંતાની વાત આવે ત્યારે સરકાર દ્વારા ગુજરાતીઓ કે હિન્દુઓને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. સ્મશાન, ભારતથી પૂજારીઓના વિઝા, જીવનસાથી વિઝા, દિવાળીને જાહેર રજા નહીં ગણવાના મુદ્દા ખરેખર ચિંતાજનક છે. ગુજરાતીઓ કાયદાને આધિન અને દેશને વફાદાર રહે છે. ગુજરાતીઓ તેમના યુવાનોને સારું શિક્ષણ અને માર્ગદર્શન આપીને કેળવણી આપવામાં માને છે. ગુજરાતી યુવાન તમામ વંશીય લઘુમતીઓને એક સરખી તક આપવાની માગણી કરે છે.
આ કોન્ફરન્સના આયોજક સી. બી. પટેલે જણાવ્યું હતું કે, આપણી સાથે મહત્ત્વની મહિલા રાજકારણીઓ પણ છે અને ઓડિયન્સમાં મહત્ત્વની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પણ કરે છે. તેમણે આ વગદાર નેતાઓની હાજરીને મહત્ત્વની ગણાવી હતી. સી. બી. પટેલે માહિતી આપી હતી કે અલ્પેશ પટેલ, સુભાષ ઠકરાર, લોપા પટેલ અને કાંતિભાઇ નાગડા મુદ્દાઓ આપણા સમાજને સંબંધિત રજૂ કરશે.
એરિક પિકલ્સે કહ્યું હતું કે, ‘વંશીય બાબતોના સંયુક્ત ચેરમેન તરીકે હું જાણું છું કે, કન્ઝર્વેટિવ પાર્ટી એકબીજા પ્રત્યે પક્ષપાત રાખતું નથી. જો ગુજરાતી સમુદાય અહીંથી જશે તો બ્રિટન ગરીબ બનશે. હું જાણું છું કે, યુકેમાં વર્ષ ૧૯૬૯થી દિવાળીની ઉજવણી થાય છે.’ તેમણે પૂર્વ આફ્રિકાથી ખાલી હાથે આવેલા ગુજરાતીઓએ અહીં કરેલી પ્રગતિ, સખત મહેનત, કોર્નર શોપ્સ, અને ટેક્સ ભરવા જેવા મુદ્દે આ સમુદાયની પ્રસંશા કરી હતી.
મેરી ક્રેગે પણ તેમના સંબોધનમાં યુકે-ઇન્ડિયાના સંબંધોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ૧૯૯૨ અને ૧૯૯૪માં અમદાવાદની લીધેલી મુલાકાતની યાદોને વાગોળી હતી. તેમણે લેબર પાર્ટીથી થનારા વિવિધ લાભ વિશે જણાવ્યું હતું.
લોર્ડ ફેલ્ડમેને જણાવ્યું હતું કે, જે પ્રાયવેટ સ્કૂલમાં તેઓ ભણ્યા ત્યાં ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી હતા. ગુજરાતીઓ બિઝનેસ અને વ્યવસાયમાં અન્યની સરખામણીએ કદાચ વધુ હોંશિયાર હોય છે. બહુ જલદી તેઓ રાજકારણમાં આગળ આવશે અને પક્ષોએ તેમની સાથે રહેવું જોઇએ. કન્ઝર્વેટિવને ગુજરાતી-પંજાબી વગેરેને સાથે લેવામાં કોઇ વાંધો નથી. તેમણે યહુદીઓનું ઉદાહરણ આપ્યું હતું.
કીથ વાઝે એનસીજીઓનો આભાર માન્યો હતો અને તેમના જૂના સંબંધોને યાદ કર્યા હતા. તેમણે પોતાની એમપીની પ્રથમ ચૂંટણી (૧૯૮૭)માં સી. બી. પટેલે આપેલી સલાહને યાદ કરી હતી. કીથ વાઝે તેમના પ્રવચનમાં શિક્ષણ, સમુદાય, ભારત સાથેના સંબંધો, માઇગ્રન્ટ્સ જેવા મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો.
સુભાષ ઠકરારે જણાવ્યું હતું કે, તમામ ઉમેદવારો વધુ સકારાત્મક છે. ગુજરાતી એક આદર્શ સમુદાય છે. તેઓ શિક્ષિત, કાયદાનું પાલન કરનારા અને જવાબદાર નાગરિકો છે. એક લઘુમતી સમાજ તરીકે તેમણે વારંવાર ઘણું સહન કર્યું છે.
લોપા પટેલે ગુજરાતી મહિલાઓમાં રહેલી ગુણવત્તાઓનું વર્ણન કર્યું હતું. જોકે, તેમણે કહ્યું હતું કે, મહિલાઓને આગળ વધવામાં અપૂરતી મદદ મળે છે. તેમણે રાજકારણીઓને ગુજરાતી અને વંશીય લઘુમતી સમાજની મહિલાઓને પ્રોત્સાહન, તક અને તાલિમ આપવામાં મદદ કરવા જણાવ્યું હતું.
અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ યુદ્ધોમાં આ દેશને બચાવવામાં લાખો ભારતીય સૈનિકો શહીદ થયા છે. તેમનું બલિદાન આ દેશ માટે ખૂબ જ મહત્ત્વનું છે.
કાંતિભાઇ નાગડાએ કહ્યું હતું કે, અહીં ગુજરાતીઓની વસતિની ટકાવારી મુજબ ખૂબ જ ઓછા ગુજરાતીઓ જેલમાં છે. ગુજરાતીઓ કાયદા મુજબ અહીં રહે છે. ઇમિગ્રેશન મુદ્દે ઘણી મુશ્કેલીઓ છે. ગુજરાતી વડીલો અને ખાસ કરીને સ્વૈચ્છિક સંગઠનોને તેમની જરૂરીયાતો પૂરી કરવા સરકાર તરફથી ખૂબ જ ઓછું કે નહિવત્ ભંડોળ મળે છે. વંશીય મુદ્દાઓ પ્રત્યે સરકાર ખૂબ જ ઓછું ધ્યાન આપે છે. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી પણ થઇ હતી. મહેન્દ્ર જાડેજાએ અહીં ઉપસ્થિત રહેલા તમામ લોકો અને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના તમામ કર્મચારીગણ પ્રત્યે કોન્ફરન્સના મીડિયા પાર્ટનર તરીકે સહકાર આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.