લંડનઃ ગુનાશોધન ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલા તરીકે યુકે પોલીસ વિશેષ ‘પ્રિડિક્ટીવ’ સોફ્ટવેરની મદદથી ગુનાની આગોતરી ભાળ મેળવી લેશે. ગુનેગારો સંભવિત રીતે ક્યારે ગુનો આચરશે તેની અગાઉથી માહિતી મળતા તેને અટકાવવાનું સરળ બની જશે. વેસ્ટર્ન ઈન્ટેલિજન્સ એજન્સીઓ સાથે કામ કરતી ન્યુ ઝીલેન્ડ સ્થિત કંપની વિનિયાર્ડે ‘પર્સન ઓફ ઈન્ટરેસ્ટ’ સોફ્ટવેર વિકસાવ્યું છે.
આ સોફ્ટવેર પ્રાપ્ત ડેટાનું વિશ્લેષણ કરે છે અને વિવિધ ઈમેઈલ, ટેક્સ્ટ મેસેજીસ તથા સોશિયલ મીડિયા ફાઈલ્સ સાથે તેને સરખાવે છે. જેના આધારે ગુનેગારો તરફથી કોઈ ભય છે કે નહિ તે આ સોફ્ટવેર કાયદાપાલકોને જણાવશે. વિનિયાર્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર પૌલ સ્ટોક્સે કહ્યું હતું, ‘યુકે પોલીસ કંપનીના સંપર્કમાં છે પણ ગુપ્તતાના કારણોસર વધુ કંઈ જણાવી શકાય તેમ નથી.’ તેમના કહેવા પ્રમાણે આ સોફ્ટવેર બાળકોની સુરક્ષા માટે સૌથી વધુ સહાયક બની શકશે. આ ઉપરાંત, સામાન્ય રીતે પ્રકાશમાં ન આવતા હોય અને ગુનેગારો મુક્ત રહેતા હોય તેવા અનેક ગુના અટકાવવામાં મદદ મળશે.